- ઉપવાસમાં ખાવા માટે ફટાફટ બનાવી લો આ વાનગી
- અઠવાડિયા સુધી આ હલવાને ફ્રિઝમાં કરી શકાશે સ્ટોર
- પરિવારના તમામ સભ્યો પણ માણશે હલવાની મજા
હાલમાં અધિક મહિનાના ઉપવાસ અનેક લોકો કરી રહ્યા છે. આ સમયે જો તમે ફરાળી વાનગીઓની સાથે સાથે ગળ્યું ખાવાની ઈચ્છા ધરાવો છો તો તમે ઘરે જ ઘણી ઓછી સામગ્રી સાથે બનતો આ દૂધીનો હલવો તમે ઝડપથી બનાવી શકો છો. તે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે નાના મોટાં દરેક લોકોને પસંદ આવે છે. તેને તમે લગભગ એક અઠવાડિયા સુધી સાચવીને રાખી શકો છો. અનેક ઘરોમાં લોકો દૂધીનું શાક કે અન્ય વાનગીઓ ખાવામાં મોઢું બગાડે છે. પરંતુ જો તમે આ હલવો બનાવી લેશો તો પરિવાર તેને હોંશેહોંશે ખાશે. તો નોંધી લો સરળ રેસિપિ અને આજે જ બનાવો દૂધીનો હલવો.
સામગ્રી
- 1 કિલો દૂધી
- 250 ગ્રામ માવો
- 300 ગ્રામ ખાંડ
- 2 ટીસ્પૂન કાજુની કતરણ
- 5 એલચીનો ભૂકો
- 1 ટીસ્પૂન કિશમિશ
- 1 ટીસ્પૂન પિસ્તાની કતરણ
- 2 ટીસ્પૂન બદામ
- 2 ટીસ્પૂન ઘી

જાણો બનાવવાની રીત
દૂધીને ધોઈને છીણી લો. તેના 3 ઇંચના ટુકડા કરો. આમ કરવાથી તેને છીણવામાં સરળતા રહેશે. તેને છીણી કે ફૂડ પ્રોસેસરની મદદથી છીણો, વચ્ચેના બીજ કાઢી દો. કાચી દૂધી ચાખી લેવી આવશ્યક છે. ક્યારેક તે કડવી પણ હોઇ શકે છે. દૂધીને ટેસ્ટ કરીને ઉપયોગમાં લો. છીણેલી દૂધી તૈયાર છે તેને એક પ્લેટમાં કાઢી લો. હવે એક કડાઈ લો અને તેમાં દૂધી નાંખો. ધીમો ગેસ ચાલુ રાખો. તે નરમ થાય ત્યાં સુધી ઢાંકણું રાખીને ચઢવા દો. દૂધીમાં પાણી વધારે હોય છે. આ પાણીથી તે ચઢશે. થોડીવારે હલવો હલાવતા રહો. તેમાં ખાંડ ઉમેરો અને ચાર મિનિટ માટે ફરીથી ઢાંકીને ચઢવા દો. ખાંડ ઓગળી જશે અને પછી તેને ખોલી દો. ગેસ ફાસ્ટ રાખો અને હલવાને હલાવતા રહો જેથી પાણી બરાબર રીતે બળી જાય. સાથે તમે ડ્રાયફ્રૂટ્સ કાપીને રાખો. હવે તેમાં માવો સારી રીતે ભેળવી દો. ત્યારબાદ તેમાં ઘી ઉમેરો. સતત હલાવતા રહો. માવો અને ઘી મિક્સ થતાં અલગ જ સુગંધ આવે છે. હવે ગાર્નિંશ માટે થોડા ડ્રાયફ્રૂટ્સ રાખીને બાકીના ડ્રાયફ્રૂટ્સને તેમાં મિક્સ કરી દો. તૈયાર છે તમારો દૂધીનો સ્વાદિષ્ટ હલવો. ગમે ત્યારે તમે તેને ગરમ કે ઠંડો યુઝ કરીને તેની લિજ્જત માણી શકો છો.
ટિપ્સ- માવાને બદલે દૂધ પણ વાપરી શકાય છે. માવો વાપરવાથી તે ઝડપથી બને છે. દૂધ બાળવાનો સમય બચી જાય છે.