- રીંગણની તાસીર ગરમ હોવાથી હેલ્થને થશે ફાયદો
- બાજરીનો રોટલો અલગ ટેસ્ટ આપવાની સાથે સ્વાસ્થ્ય માટે ફાયદારૂપ
- રીંગણનો ઓળો ફટાફટ બનશે ઘરે
શિયાળાની ઠંડી શરૂ થઈ છે ત્યારે અનેક ઘરોમાં મકાઈ અને બાજરીના રોટલાએ દેખા દેવાનું શરૂ કર્યું છે. જો તમે રોટલા સાથે ચટણીની મજા લઈ રહ્યા છો તો સાથે જ તમે રીંગણનો ઓળો પણ ખાસ રીતે બનાવી લો. તેનાથી તમારી થાળીને અલગ જ સ્વાદ મળશે. આ અલગ વાનગી શિયાળામાં ભોજનની મજા વધારે છે અને સાથે રીંગણ અને બાજરીની તાસીર ગરમ હોવાથી શરીરને પૂરતી ગરમી પણ મળી રહે છે. ગરમ બાજરીના રોટલા લસણની ચટણી અને માખણ સાથે પણ સારા લાગે છે. આ સિવાય ઓળા સાથે તેની મજા અલગ જ હોય છે. તો જાણો ઓળો બનાવવાની ખાસ રીત.
રીંગણનો ઓળો
સામગ્રી
-6 લીલા મરચા સમારેલા
-4 ટેબલસ્પૂન તેલ
-1 ચપટી હીંગ
-8 લીલી ડુંગળી, સમારેલી
-2 મધ્યમ કદના ટમેટા
-1 કીલો રીંગણ
-1/2 ટીસ્પૂન હળદર
-12 સમારેલી લીલા લસણની કળી
-1 ટી સ્પૂન જીરું
-મીઠું સ્વાદાનુસાર
રીત
રીંગણને સૌ પહેલા સારી રીતે ધોઈ લો. હવે તેની પર તેલ કે ઘીનો હાથ ફેરવી લો. ચપ્પાની મદદથી રીંગણમાં થોડા કાપા પાડી લો. હવે ગેસ પર તેની છાલ બળી જાય ત્યાં સુધી તેને ફેરવીને શેકો. તેને પાણીમાં નાંખીને ઠંડા થવા દો અને પછી તેની છાલ ઉતારી લો. તેના ગરનો માવો કરી લો. તેલ ગરમ કરો. તેમાં જીરુ નાંખીને સાંતળો. હવે તેમાં સમારેલું લસણ, ડુંગળી અને લીલા મરચા ઉમેરો. બે મિનિટ સુધી હલાવો. ત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા, હળદર, હીંગ, મીઠું અને રીંગણનો માવો ઉમેરો. હવે તેને થોડી વાર સુધી મિક્સ કરીને ચઢવા દો. હવે તેની ઉપર કોથમીર ભભરાવી લો. તે મસ્ત ટેસ્ટી બનશે. તેમાંથી તેલ છૂટું પડે એટલે ગેસ બંધ કરી લો. પછી બાજરીના રોટલા સાથે ગરમ ગરમ સર્વ કરો. આ સાથે તમે ડુંગળી, છાશનો એક ગ્લાસ પણ ભોજનમાં લઈ શકો છો.
નોંધ- જો તમારે ઓળાને વધારે ટેસ્ટી બનાવવો છે તો તમે તેને શેકતી સમયે તેમાં કાપા પાડીને તેમાં લસણની કળીઓ પણ શેકો. પછી લસણનો મસાલામાં ઉપયોગ કરો. અલગ જ ટેસ્ટ મળશે.