• જ્યાં સૌથી વધુ અસર હતી જામનગરમાં બે લાખની લીડ રહી

  • ભાવનગર, સુરેન્દ્રનગરમાં ક્ષત્રિયો ભાજપ સાથે, આણંદમાં કોંગ્રેસને લાભ ન મળ્યો
  • પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ગુજરાતમાં ભાજપની સામે ઊભા થયેલા ક્ષત્રિય આંદોલનને ખાળવા,

સમાજના આગેવાનોને સમજાવવામાં ટીમ મોદીને મહત્તમ અંશે સફળતા મળી છે. આંદોલનની જ્યાં સૌથી વધુ અસર રહી છે તેવા જામનગર લોકસભામાં ભાજપને બે લાખ ઉપરાંત લીડ મળી છે. જો કે, રૂપાલાનું નિવેદન ગુજરાતની બહાર રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં ભાજપને ખાસ્સુ એવુ નુકસાન કરી ગયાની ચર્ચા છે.

ચૂંટણી દરમિયાન જામનગર લોકસભા મતક્ષેત્રમાં સૌથી વધુ ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમ, સ્થાનિક નેતાઓનો વિરોધ થયો હતો. એટલું જ નહીં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટિલનો પણ ક્ષત્રિય યુવાનોએ વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવ્યા હતા. કાલાવડ, ધ્રોલ, જોડિયા, જામ જોધપુરના ક્ષેત્રોના અસંખ્ય ગામોમાં પ્રવેશબંધી હોવા છતાંયે ભાજપના માડમને 2.30 લાખની લીડ સાથે વિજય મળ્યો છે. આવી જ સ્થિતિ ભાવનગર અને સુરેન્દ્રનગર લોકસભા ક્ષેત્રોમાં હતી. છતાંયે મતગણતરીને અંતે આ બંને બેઠકોમાં અનુક્રમે 4.50 લાખ અને 2.60 લાખથી વધારેની લીડ મળી છે. જ્યારે આણંદ લોકસભા ક્ષેત્રમાં પ્રયત્નો કરવા છતાંયે કોંગ્રેસને ધારણા મુજબ ક્ષત્રિય આંદોલનનો લાભ મળ્યો નથી ! કોંગ્રેસના અમિત ચાવડાનો ભાજપના મિતેષ પટેલની સામે 85 હજારથી વધુ મતો પરાજય થયો છે.

રૂપાલાના ઉચ્ચારણોથી ત્રણ રાજ્યોમાં ભાજપને અસર ?

પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં ક્ષત્રિય સમાજ અંગે વાણીવિલાસ કર્યો તે પહેલાથી જ ત્રણેક રાજ્યોમાં ભાજપ સાથે જોડાયેલા આગેવાનોમાં લોકસભા ટિકિટને લઈને રોષ હતો. ઝારખંડ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં પહેલાથી જ ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઈને, ક્ષત્રિય આગોવનોને નજરઅંદાજ કરવાના મુદ્દે આંદોલનો ચાલી રહ્યા હતા. તેવામાં રૂપાલાના નિવેદને બળતામાં તેલ રેડવાનું કામ કર્યાનું ભાજપમાં ચર્ચાય છે. તેના કારણે આ રાજ્યોમાં ભાજપને વિજય મેળવવામાં લોઢાના ચણા ચાવવા જેવી હાલત થઈ છે. રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.


  • Follow us on: