• કુલ 41 ઉમેદવારી ફોર્મ ભરાયાં હતાં; ચકાસણીમાં 33 નામાંકન રદ થયાં હતાં

  • વારાણસી લોકસભા બેઠક પર હવે 7 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા
  • બે અપક્ષ ઉમેદવાર દિનેશકુમાર અને સંજયકુમાર તિવારીના ફોર્મ પણ મંજૂર રહ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ચૂંટણી લડવા તૈયાર વધુ એક ઉમેદવારે પોતાનું નામ પાછું ખેંચી લીધું છે. હવે વારાણસી લોકસભા બેઠક પર સાત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. રાષ્ટ્રીય સમાજવાદી જનક્રાંતિ પાર્ટીના ઉમેદવાર પારસનાથ કેસરીએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે, વારાણસી લોકસભા બેઠક માટે 41 ઉમેદવારી પત્રો નોંધાયા હતા, નામાંકન પત્રોની ચકાસણીમાં 33 ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભાજપના ઉમેદવાર પીએમ નરેન્દ્ર મોદી, કોંગ્રેસના અજય રાય, બસપાના અતહર જમાલ લારી, યુગ તુલસી પાર્ટીના કોલીશેટી શિવકુમાર, અપના દલ કમેરાવાદીના ગગન પ્રકાશ, રાષ્ટ્રીય સમાજવાદી જનક્રાંતિના પારસનાથ કેસરીના ઉમેદવારી પત્રો યોગ્ય ઠર્યા હતા. બે અપક્ષ ઉમેદવાર દિનેશકુમાર અને સંજયકુમાર તિવારીના ફોર્મ પણ મંજૂર રહ્યા હતા.

વારાણસી બેઠક માટે 41 ઉમેદવારોએ કુલ 55 ફોર્મ ભર્યાં હતાં. એક ઉમેદવાર એક કરતાં વધારે ફોર્મ ભરે છે. જેમ કે, પીએમ મોદી અને અજય રાયે ચાર ચાર સેટમાં ફોર્મ ભર્યાં હતાં. રાષ્ટ્રીય સમાજવાદી જનક્રાંતિના પારસનાથ કેસરીનું ફોર્મ યોગ્ય ઠર્યા બાદ તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ફોર્મ પાછું ખેંચવા માટેની અંતિમ તારીખ 17 મે નક્કી કરવામાં આવી છે. યુપીમાં ત્રણ તબક્કાનાં મતદાન થવાનાં હજુ બાકી છે. જેમાં 20 મેએ પાંચમા, 25 મેએ છઠ્ઠા અને પહેલી જૂને સાતમા તબક્કાનું મતદાન થશે.


  • Follow us on: