• પ્રિયંકાએ પણ ચૂંટણી લડવી જોઈતી હતી : કોંગ્રેસ અધ્યક્ષ

  • ઇન્ડી ગઠબંધન સંપૂર્ણ બહુમતી હાંસલ કરશે : ખડગેનો દાવો
  • પ્રિયંકાએ ઇનકાર કરતાં ભાઈ રાહુલ ગાંધી તે બેઠક પર ચૂંટણી મેદાનમાં ઊતર્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વર્તમાન સામાન્ય ચૂંટણીમાં ઇન્ડી ગઠબંધન ભાજપને પરાસ્ત કરે તો નરેન્દ્ર મોદી પછી રાહુલ ગાંધીને દેશના વડાપ્રધાન બનાવવા જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે પ્રિયંકા ગાંધી વાડરાને ચૂંટણી લડવા આગ્રહ કર્યો હતો પરંતુ તે નહોતા માન્યા. પરિવારની બેઠક રાયબરેલી પર પાંચ વારની જીત પછી સોનિયા ગાંધીએ ખાલી કરી તે પછી બેઠક પર પ્રિયંકા લડશે તેવી ચર્ચા હતી. પ્રિયંકાએ ઇનકાર કરતાં ભાઈ રાહુલ ગાંધી તે બેઠક પર ચૂંટણી મેદાનમાં ઊતર્યા હતા.

એક સમાચાર ચેનલ સાથે વાત કરતાં ખડગેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે એક લોકપ્રિય વિકલ્પ રહેશે. તેમણે કહ્યું કે,'રાહુલ ગાંધી વડાપ્રધાન પદ માટે મારી પસંદ છે. તેઓ મારી પસંદ તો છે જ પરંતુ સાથે જ તેઓ સમગ્ર દેશના યુવાનોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.' ઉલ્લેખનીય છે કે ખડગેએ આ પહેલાં વડાપ્રધાન પદ માટે રાહુલ ગાંધીની પસંદગી અંગે જ્યારે પણ પૂછાયું ત્યારે ઉત્તર આપવાનું ટાળ્યું હતું. જોકે પોતાના જૂના જવાબને દોહરાવતાં ખડગેએ એમ પણ કહ્યું કે નવા વડાપ્રધાન ત્યારે જ ચૂંટી શકાશે કે જ્યારે ઇન્ડી ગઠબંધન બ્લોક જીતે, અને નવા વડાપ્રધાનને સર્વસહમતીથી ચૂંટી કાઢવામાં આવે.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે,'4 જૂનના રોજ જનતા વૈકલ્પિક સરકારનો વિકલ્પ આપશે. ઇન્ડી ગઠબંધન પૂર્ણ બહુમતી હાંસલ કરીને દેશને એક સમાવેશી રાષ્ટ્રવાદી સરકાર આપશે. તેમણે પત્રકારોને એમ પણ કહ્યું કે વિજય થાય તે પછી ઇન્ડી ગઠબંધનના ઘટક દળો સાથેની વાતચીત આધારે વડાપ્રધાન પદ મુદ્દે નિર્ણય લેવામાં આવશે.' તેમણે કહ્યું કે જનતા વિરોધપક્ષ અને કોંગ્રેસ પર મહોર મારી ચૂકી છે. તેમણે દાવો કર્યો કે ચૂંટણી ભાજપ જીતી જશે તો લોકશાહી ખતમ થઈ જશે.


  • Follow us on: