- તમે અત્યાર સુધી મને જે રીતે પોતાની માની તે જ રીતે રાહુલને પણ હવે પોતાનો માનજો: vગાંધી
- 103 વર્ષ પહેલાં થયેલા ખેડૂત આંદોલન સમયથી અમેઠી- રાયબરેલી સાથેનો સંબંધ શરૂ થયો હતો
- તમે મને સેવા કરવાની તક આપી તે મારા જીવનની સૌથી મોટી મૂડી છે: સોનિયા
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીએ રાયબરેલી ખાતે આયોજિત ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત રેલીને સંબોધતાં જનતાને સંદેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે,'જીવનભર મને તમારો પ્રેમ અને આશીર્વાદ મળતા રહ્યા છે. તમારા પ્રેમે મને કદી એકલી નથી પાડી. મારું બધું જ તમારું આપેલું છે. હું તમને મારો પુત્ર સોંપી રહી છું. તમે મને જે રીતે પોતાની માની તે જ રીતે રાહુલને પણ પોતાનો માનજો. રાહુલ તમને નિરાશ નહીં કરે. 103 વર્ષ પહેલાં થયેલા ખેડૂત આંદોલન સમયથી અમેઠી- રાયબરેલી સાથેનો સંબંધ શરૂ થયો હતો. હવે મારો પુત્ર તમને સોંપી રહી છું.' આ પ્રસંગે મંચ પર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઉપસ્થિત હતા. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે,'તમે મને સેવા કરવાની તક આપી તે મારા જીવનની સૌથી મોટી મૂડી છે.રાયબરેલી અને અમેઠી મારો પરિવાર છે.
ઇન્દિરાજીના હૃદયમાં રાયબરેલી માટે અલગ સ્થાન હતું. મેં રાહુલ અને પ્રિયંકાને એ જ શીખ આપી છે કે જે શીખ મને ઇન્દિરાજીએ આપી હતી. બધાનો આદર કરો. અન્યાય અને અધિકારની રક્ષા માટે જેની સામે લડવાની જરૂર હોય તેની સામે લડો.' રાયબરેલીમાં ગઠબંધન દ્વારા આયોજિત સેવા સંકલ્પ સભામાં કોંગ્રેસ અને સપાના કાર્યકરોએ મળીને તાકાત બતાવી. મોંઘવારીથી માંડીને ઇલેક્ટોરલ બોન્ડ સુધીના મુદે સરકારને નિશાન બનાવવામાં આવી. પ્રિયંકા ગાંધીએ સભાને સંબોધતાં કહ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ કાર્યકરોનો દરિયો ઊમટયો છે. પરિવારના રાયબરેલી સાથેના સંબંધોને અતુટ જાળવવા રાહુલ મેદાનમાં ઊતર્યા છે. એકવાર ફરી રાયબરેલી દેશને સત્તા પરિવર્તન માટે આહ્વાન કરી રહ્યું છે.










