- પ.બંગાળના ઝારગ્રામની રેલીમાં વડાપ્રધાનના TMC અને કોંગ્રેસ પર પ્રહારો
- ઓડિશાની જાહેરસભામાં મોદીએ બીજુ જનતા દળને આડેહાથ લીધું
- જે લોકોએ ભારતને દાયકાઓ પાછળ ધકેલ્યું તેમને દેશ નકારી ચૂક્યો છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પશ્ચીમ બંગાળના ઝારગ્રામમાં તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા કે હજુ હમણાં સુધી તૃણમૂલ કોંગ્રેસ કોંગ્રેસને અપશબ્દો કહેતી હતી અને હવે કહે છે કે અમે ઇન્ડિ ગઠબંધનનો હિસ્સો છીએ પણ બંગાળના લોકો જાણે છે કે કોંગ્રેસ હવે ડૂબી ચૂકેલું જહાજ છે અને તૃણમૂલના જહાજમાં પણ કાણું પડી ચૂક્યું છે. આ બંને એકબીજાની સવારી કરી લે તો પણ ડૂબવાનું નક્કી છે. આ ચૂંટણી ભારતના ભવિષ્યની ચૂંટણી છે. જે લોકોએ ભારતને દાયકાઓ પાછળ ધકેલ્યું તેમને દેશ નકારી ચૂક્યો છે. જ્યારે દુનિયા ઝડપથી વિકાસ કરી રહી હતી ત્યારે કોંગ્રેસ સરકાર કૌભાંડોના કીર્તિમાન રચી રહી હતી એ દેશ ભૂલ્યો નથી. 60 વર્ષ સુધી આ લોકો ગરીબી હટાવવાના નારા જ લગાવતા રહ્યા. બીજી તરફ અમે ભારતને વિશ્વનું પાંચમું સૌથી મોટું અર્થતંત્ર બનાવ્યું, 10 વર્ષમાં 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા.
આ અગાઉ ઓડિશાના પુરીમાં વડાપ્રધાને ભાજપ ઉમેદવાર સંબિત પાત્રાના સમર્થનમાં રોડશો કર્યો હતો અને ત્યાર બાદ ઢેંકનાલમાં જાહેરસભાને સંબોધી હતી, જેમાં તેમણે રાજ્યમાં સત્તારૂઢ બીજુ જનતા દળ (બીજદ) પર નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે બીજદ સરકાર સંપૂર્ણપણે ભ્રષ્ટાચારીઓના કબજામાં છે. મુખ્યમંત્રીના નિવાસસ્થાન અને તેમના કાર્યાલય પર ભ્રષ્ટાચારીઓ કબજો કરીને બેસી ગયા છે. વડાપ્રધાને બીજદ પર ઓડિશાની સંપત્તિ અને સંસ્કૃતિને નષ્ટ કરવાનો આરોપ લગાવી જણાવ્યું કે બીજદની સરકારમાં જગન્નાથ મંદિર પણ સુરક્ષિત નથી. છેલ્લા 6 વર્ષથી શ્રી રત્ન ભંડારની ચાવીનો અતોપતો નથી. તેમણે દાવો કર્યો કે 10 જૂને ઓડિશામાં ભાજપની ડબલ એન્જિન સરકારનો શપથવિધિ સમારોહ થશે. બીજદ સરકારની વિદાય નિશ્ચિત છે.










