• ભાજપના ગોવાના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ સૌથી ધનવાન ઉમેદવાર

  • અપક્ષ ઉમેદવાર ઇરફાનની સંપત્તિ માત્ર રૂપિયા 100, ગુજરાતમાં 68 કરોડપતિ ઉમેદવાર
  • લોકસભા ચૂંટણી માટે 7મેના રોજ 12 રાજ્યોની 95 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે

18મી લોકસભાની રચના માટે યોજાયેલી સામાન્ય ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન માટેની તારીખ નજીક આવી રહી છે. લોકસભા ચૂંટણી માટે 7મેના રોજ 12 રાજ્યોની 95 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન થશે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે કુલ 1,352 ઉમેદવારો મેદાનમાં છે. તે પૈકી 392 (29 ટકા) ઉમેદવારો રૂપિયા 1 કરોડથી વધુની મિલકતો ધરાવે છે. આ પૈકી 163 ઉમેદવારો તો રૂપિયા પાંચ કરોડથી વધુની મિલકતો ધરાવે છે. 102 ઉમેદવારો રૂપિયા 2થી 5 કરોડ વચ્ચેના મૂલ્યની સંપત્તિ ધરાવે છે. બીજી તરફ 426 ઉમેદવારોએ પોતે રૂપિયા 10 લાખથી ઓછી સંપત્તિ ધરાવતા હોવાનું જાહેર કર્યું છે. આ બાબત ઉમેદવારોના આર્થિક દરજ્જાનો વિરોધાભાસ છતો કરે છે.

રાજ્યવાર કરોડપતિ ઉમેદવારોની સ્થિતિ પર નજર નાખવામાં આવે તો રાજ્યવાર તે આંકડા અલગ અલગ છે. ગુજરાત અને મહારાષ્ટ્રની વાત કરીએ તે આ રાજ્યો અનુક્રમે 68 અને 71 કરોડપતિ ઉમેદવાર ધરાવે છે. આ આંકડા ભારતના અલગ અલગ વિસ્તારમાં પ્રવર્તી રહેલી આર્થિક વિષમતાની વાત કરી જાય છે. કેટલાક રાજ્યોમાં કરોડપતિ ઉમેદવારના આંકડો મોટો છે. અન્ય રાજ્યોની વાત કરવામાં આવે તો કર્ણાટકમાં 69, છત્તીસગઢમાં અને મધ્યપ્રદેશમાં 37 ઉમેદવારો કરોડપતિ છે. ઉત્તર પ્રદેશમાં 46 તો બિહારમાં 20 ઉમેદવારો કરોડપતિ છે.

ત્રીજા તબક્કાની ચૂંટણીના સંદર્ભમાં સૌથી ધનવાન ઉમેદવારની વાત કરવામાં આવે તો ગોવામાં લોકસભા ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો સૌથી ધનવાન ઉમેદવાર છે. તેઓ રૂપિયા 1,361 કરોડની સંપત્તિ ધરાવે છે. તો કોલ્હાપુરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા ઇરફાન અબુતાલિબે રૂપિયા 100ની સંપત્તિ ધરાવતા હોવાનું જાહેર કર્યું છે.

પક્ષવાર કરોડપતિ ઉમેદવારની સ્થિતિ

ભાજપ અને કોંગ્રેસે મોટી સંખ્યામાં ધનવાન ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપના કુલ ઉમેદવારો પૈકી 94 ટકા કોંગ્રેસના 88 ટકા ઉમેદવારો રૂપિયા 1 કરોડથી ઉપરની સંપત્તિ ધરાવે છે. સપા અને તૃણમૂલ કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારો પણ કરોડપતિ ક્લબના છે. કહી શકાય કે મોટા રાજકીય પક્ષો આર્થિક ક્ષમતા ધરાવતા ઉમેદવારો પર પસંદગી ઉતારી રહ્યા છે.

  • Follow us on: