યુપીના પ્રયાગરાજમાં આજથી દિવ્ય મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. આજે પોષી પૂનમ છે એટલે આજનો દિવસ ખાસ છે. આજે પહેલુ સ્નાન છે. સવારે 8 વાગ્યા સુધીમાં તો 40 લાખ શ્રદ્ધાળુઓએ ગંગામાં આસ્થાની ડૂબકી લગાવી ચૂક્યા છે. 26 ફેબ્રુઆરી સુધી મહાકુંભ ચાલશે. એટલે કે 45 દિવસ મહાકુંભ શરૂ રહેશે. ત્યારે જો તમે મહાકુંભનો આકાશી નજારો જોવા માગતા હોવ તો યુપી સરકારે તેની પણ વ્યવસ્થા કરી છે. તમે હેલિકોપ્ટર દ્વારા મહાકુંભનો નજારો જોઇ શકશો.

આકાશી નજારો જોઇ શકાશે 
ભક્તોને મોટી ભેટ આપતાં ઉત્તર પ્રદેશ સરકારે હેલિકોપ્ટર રાઇડ શરૂ કરી છે. જેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. હાલમાં વ્યક્તિ દીઠ તેની કિંમત અડધાથી વધારે ઘટાડીને 1296 રૂપિયા કરી દેવામાં આવી છે. પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જયવીર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે 7-8 મિનિટની હેલિકોપ્ટર રાઈડ 13 જાન્યુઆરીથી શરૂ થશે. હેલિકોપ્ટર સવારીનું ભાડું હવે પ્રતિ વ્યક્તિ 1,296 રૂપિયા હશે, જે પહેલા 3,000 રૂપિયા હતું.


કેવી રીતે કરવાનું બુકિંગ ?
આ રાઈડ પ્રવાસીઓને પ્રયાગરાજ શહેરની ઉપરથી ભવ્ય મહાકુંભ વિસ્તારનો આકાશી દ્રશ્યો બતાવશે. આ હેલિકોપ્ટર રાઇડનો આનંદ મેળવવા માટે www.upstdc.co.in દ્વારા ઓનલાઈન બુક કરી શકાય છે અને તે ભારત સરકારના ઉપક્રમ પવન હંસ દ્વારા પૂરી પાડવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે હવામાનના આધારે આ રાઈડ "સતત" ચાલશે. યુપી પ્રવાસન અને સંસ્કૃતિ વિભાગે મેળાના સ્થળે પાણી અને સાહસિક રમતો માટે પણ તૈયારીઓ કરી છે.

આ નામાંકિત કલાકારોનું પર્ફોમન્સ
આ સાથે 24 થી 26 જાન્યુઆરી દરમિયાન વોટર લેસર શો અને અન્ય પ્રવૃત્તિઓ સાથે ડ્રોન શો પણ યોજાશે. 40 દિવસના આ મેળા દરમિયાન દેશભરના પ્રખ્યાત કલાકારો પરફોર્મ કરશે, જેમાં યુપી દિવસનો પણ સમાવેશ થશે. ગાયક શંકર મહાદેવન 16 જાન્યુઆરીએ ગંગા પંડાલમાં પરફોર્મ કરવાના છે. 24 ફેબ્રુઆરીએ મોહિત ચૌહાણ દ્વારા સમાપન પરફોર્મન્સ આપવામાં આવશે.

  • Follow us on: