વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક આયોજન મહાકુંભ 2025એ વ્યાપાર અને અર્થતંત્રના ક્ષેત્રમાં નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(CAIT)ના જણાવ્યા અનુસાર આ વર્ષે મહાકુંભ 360 અબજ અમેરિકન ડોલર એટલે કે રૂ. ત્રણ લાખ કરોડથી વધુનો વ્યાપાર ઉત્પન્ન કરશે. જેને પગલે તે ભારતના સૌથી મોટા આર્થિક આયોજનોમાનો એક બની ગયું છે. CAITના મહાસચિવ અને સાંસદ પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે આ આયોજન આસ્થા અને અર્થતંત્રના ગાઢ સંબંધને દર્શાવે છે. 60 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓના આગમનથી વ્યાપાર જોરદાર ઊંચકાયો હતો. તેમણે ઉમેર્યું હતું કે પ્રારંભિક તબક્કે આ કુંભમેળામાં 40 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓ સ્નાન માટે આવશે અને તેને પગલે બે લાખ કરોડ રૂપિયાનો વ્યાપાર થવાનું અનુમાન હતું. પરંતુ દેશભરમાં આ આયોજનને લઈને પ્રવર્તી રહેલાં અભૂતપૂર્વ ઉત્સાહના કારણે હવે 60 કરોડ જેટલા શ્રાદ્ધાળુઓ આવવાની અપેક્ષા છે. તેને પગલે વ્યાપાર પણ ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ થવાની સંભાવના છે.










