મમતા બેનરજી : “એકલા ચાલો રે !” - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • મમતા બેનરજી : “એકલા ચાલો રે !”

મમતા બેનરજી : “એકલા ચાલો રે !”

 | 3:32 am IST
  • Share

અનુસંધાન :- દેવેન્દ્ર પટેલ

પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી એક થ્રિલર ફ્લ્મિ જેવી રહી. તેમાં એક્શન, થ્રીલ, રોમાંચ, ડ્રામા, ડાયલોગ્સ, સેન્ટીમેન્ટ્સ અને અકલ્પ્ય અંત જેવી તમામ ખૂબીઓ હતી. આખા દેશની નજર પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામો પર હતી જે હવે આવી ગયા છે.

દેશમાં એક તરફ કોરોના મહામારીના દૃશ્યો ટી.વી. પર હૃદયને હચમચાવી દેતા હતા ત્યારે એ જ સમયે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓનો જબરજસ્ત પ્રચાર, પ્રચંડ રેલીઓ, તીખા પ્રવચનો, આક્ષેપો, પ્રતિ-આક્ષેપો અને હિંસક ઘટનાઓના દૃશ્યો પણ ન્યૂઝ ચેનલ પર કોરોના મહામારીની ઘટનાઓની સાથે સ્પર્ધા કરતા હતા.

આ ચૂંટણીમાં ભાજપ પાસે લોકોને મુગ્ધ કરી દેનારા પ્રવચનો કરનારા નેતાઓની ભરમાર હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમીત શાહ, પક્ષના પ્રમુખ જે. પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ, સ્મૃતિ ઈરાની, શાહનવાજ હુસેન, અભિનેતા મિથુન ચક્રવર્તી, બાબુલ સુપ્રિયો અને રૂપા ગાંગુલી જેવા સ્ટાર પ્રચારકો સામે તૃણમુલ કોંગ્રેસના વડા મમતા બેનરજી સાવ એકલાં હતાં. ચૂંટણી પૂર્વે જ શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયથી માંડીને બીજા અનેક સાથીઓ મમતા બેનરજીનો સાથ છોડી ભાજપામાં પ્રવેશી ગયા અને મમતા બેનરજી સાવ એકલાં પડી ગયાં. તેમના પગે ઈજા થતાં વ્હીલચેરમાં આવી ગયાં. આ પરિસ્થિતિમાં જ પશ્ચિમ બંગાળના જ સુપ્રસિદ્ધ સાહિત્યકાર કવિવર રવીન્દ્રનાથ ટાગોરનું અત્યંત જાણીતું કાવ્ય “એકલા ચાલો રે”ની પંક્તિ મમતા બેનરજીએ યથાર્થ સાબિત કરી આપી. “કોઈ તારી સાથે ના આવે તો એકલા ચાલો રે…. એકલા બોલો રે…” – એ કાવ્યપંક્તિઓ આજે પણ દરેક બંગાળી નાગરિકની જીભ ઉપર છે.

આ ચૂંટણીમાં જે રીતે પ્રચાર યુદ્ધ ચાલ્યું તે દેખીતી રીતે જ મમતા બેનરજીના દસ વર્ષના કાર્યકાળની નિષ્ફ્ળતાઓ ઉપર ઓછું અને તેમના પર વ્યક્તિગત વધુ હતું, જે ભાજપા માટે બૂમરેંગ સાબિત થયું. યાદ રહે કે દરેક રાજ્યના લોકોની એક આગવી લાક્ષણિકતા હોય છે. પંજાબના લોકો સરહદ પર રહેતા હોવાથી વોરિયર્સ વધારે છે. ગુજરાતીઓ બિઝનેસ ઓરિએન્ટેડ વધુ છે. તામિલનાડુના લોકો તેમના ફ્લ્મિ સ્ટાર્સના ચાહકો છે. એ જ રીતે પશ્ચિમ બંગાળના લોકોનું ડીએનએ પણ આગવું છે. પશ્ચિમ બંગાળ એ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સુભાષચંદ્ર બોઝ, જગદીશચંદ્ર બોઝ, કવિવર રવીન્દ્રનાથ ટાગોર, શરદચંદ્ર ચટોપાધ્યાય અને ફ્લ્મિકાર સત્યજીત રેનો વારસો ધરાવતી ભૂમિ છે. “જન-ગણ-મન” અને “વંદે માતરમ્” પણ અહીં સર્જાયા. નોબલ પ્રાઇઝ મેળવનાર રવીન્દ્રનાથ ટાગોરે “ગીતાંજલિ” પણ અહીં જ સર્જ્યું. “દેવદાસ” પણ અહીં જ લખાયું. સત્યજીત રેએ “પાથેર પાંચાલિ” જેવી ફ્લ્મિ પણ અહીં જ બનાવી. એ દરેક સર્જનમાં બંગાળની સ્ત્ર્રીને એક આગવી લાક્ષણિકતા દર્શાવતી ભૂમિકાઓમાં દર્શાવવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં મા દુર્ગાની પૂજાનું પણ એક આગવું મહત્ત્વ છે. આ પરિપ્રેક્ષ્યમાં મમતા બેનરજીના પરર્ફેમન્સના બદલે તેમના વ્યક્તિત્વ અંગે જે પર્સનલ પ્રવચનો થયાં તે જ ભાજપાની વિરુદ્ધ ગયાં અને મમતા બેનરજીનું એક મુખ્યમંત્રી તરીકે પરફેર્મન્સ નબળું હોવા છતાં તેઓ પશ્ચિમ બંગાળની મહિલાઓની અને બંગાળી ભાષી લોકોની સહાનુભૂતિનું પાત્ર બની ગયા.

મમતા બેનરજીએ બહુ ચાલાકીપૂર્વક ભાજપાના નેતાઓ માટે “બાહરી” શબ્દનો પ્રયોગ કરી બંગાળના લોકોની “બંગાળની અસ્મિતા”ની લાગણીઓને જગાડી અને તેમની આ જ પ્રયુક્તિ કામિયાબ નિવડી. આ કારણથી મમતા બેનરજીના ભત્રીજા અભિષેક બેનરજી સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો, ટીએમસીના કાર્યકરો દ્વારા ભાજપાના ૧૦૦થી વધુ કાર્યકરોની કહેવાતી હત્યા, સિંગુરમાંથી તાતા જેવા ઉદ્યોગપતિની રવાનગી અને કેન્દ્ર સરકારે મોકલેલા નાણાંનો ખૂબ જ ઉપયોગ ના થયો – એ બધા મુદ્દા ભૂલાઈ ગયા.

અહીં ધાર્મિક મુદ્દાઓનું ધ્રુવીકરણ પણ ચાલ્યું નહીં. યાદ રહે કે હિન્દી ભાષી કે હિન્દી નજીકની ભાષા જેવા કે ગુજરાતી કે મરાઠી ભાષી રાજ્યોમાં ધર્મના મુદ્દે લોકોનું જેટલું ધ્રુવીકરણ થાય છે તેટલું ધ્રુવીકરણ તામિલનાડુ, કેરલ કે પશ્ચિમ બંગાળ જેવા બિન-હિન્દી ભાષી રાજ્યોમાં થતું નથી. ઊલટું, ભાજપાએ ધર્મના નામે જે નારા લગાવ્યા તેની સામે મમતા બેનરજીએ પણ પોતે બ્રાહ્મણ છે તેમ કહીને પોતાનું ગોત્ર પણ દર્શાવ્યું. તેની સાથે સાથે ભાજપાને હરાવવા મુસ્લિમ મતોનું વિભાજન ન થાય તે માટે મુસ્લિમ નાગરિકોને તેમના મતો ડાબેરીઓ કે કોંગ્રેસને આપવાના બદલે તૃણમુલ કોંગ્રેસને આપવાની તેમની અપીલ પણ કામ કરી ગઈ. એ જ રીતે ભાજપાએ મમતા બેનરજી સામે પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી પદ માટે કોઈ જ સ્થાનિક ચહેરો પ્રોજેક્ટ ના કર્યો એ પક્ષના રણનીતિકારોની ભૂલ હતી. આથી આ ચૂંટણી મમતા વિરુદ્ધ પીએમ મોદીની બની રહી. ભાજપના રણનીતિકારોએ અનાયાસે જ પી.એમ. મોદીની લોકપ્રિયતા રાજ્યના મુખ્યમંત્રી સામે દાવ પર લગાડી દીધી. આ ભાજપના રણનીતિકારોની બીજી ભૂલ હતી.

ટૂંકમાં એક કહી શકાય કે, મહિલાઓ, મુસ્લિમો અને બંગાળી ભાષા બોલતી પ્રજાએ એકલાં-અટૂલાં મમતા બેનરજીની પાર્ટીને વિજય અપાવવામાં બહુ મોટો ભાગ ભજવ્યો, એ વાત સાચી કે અહીં એક સમયે માત્ર ૩ જ બેઠકો ધરાવતી ભાજપા ૭૭ બેઠકો સુધી પહોંચીને હવે સશક્ત વિપક્ષ તરીકે ઉભરી આવ્યો છે, જે આવનારા દિવસોમાં મમતા બેનરજી માટે એક મોટો પડકાર હશે. એ જ રીતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને પ્રચંડ બહુમતી મળી છે પરંતુ મમતા બેનરજી ખુદ ચૂંટણી હારી ગયા છે અને તે બાબતે તેમની વ્યક્તિગત ખુશીને છિનવી લીધી છે.

આ ચૂંટણી પરિણામો હવે દેશમાં આવનારા સમયની રાજનીતિની દિશા અને દશા નક્કી કરવાનું કામ કરશે. હવે યુ.પી. અને બીજાં કેટલાક રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. યુ.પી. તો દેશનું મોટામાં મોટું રાજ્ય છે અને અહીંના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અત્યંત લોકપ્રિય પણ છે. એ પછી ર૦ર૪માં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીઓ પણ આવશે જ. યાદ રહે કે દેશની રાજનીતિ માટે પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ દરેક પક્ષ માટે એક રાજકીય પ્રયોગશાળા જ હતી. હવે ભાજપાએ નક્કી કરવું પડશે કે આવી રહેલી ચૂંટણીઓમાં કયા મુદ્દાઓને લઈને પ્રજા સમક્ષ જવું. વિપક્ષોએ પણ નક્કી કરવું પડશે કે તેમણે પણ કયા વિષયોને લઈને લોકો સમક્ષ જવું અને મમતા બેનરજી પાસેથી શું શીખવું.

પશ્ચિમ બંગાળમાંથી કોંગ્રેસ અને સામ્યવાદીઓ તો ખતમ થઈ ગયા છે. ૧૩૬ વર્ષ પુરાણી કોંગ્રેસ પાસે આજે પણ ફૂલ ટાઈમ પાર્ટી પ્રેસિડેન્ટ નથી. રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળમાં નહીંવત્ રેલીઓ જ કરી. સોનિયા ગાંધીની ઉંમર અને તેમના નાદુરસ્ત સ્વાસ્થ્યના કારણે તેઓ પ્રચાર સભાઓ સંબોધવા જતા નથી. કોંગ્રેસ પાસે હવે પ્રણવ મુખર્જી જેવા રણનીતિકારો પણ નથી. દિલ્હીમાં પણ કોંગ્રેસ વિભાજિત છે અને રાજ્યોમાં પણ છે જ પરંતુ મમતા બેનરજીની પાર્ટીની આ જીતે દેશના સૂતેલા વિપક્ષોને ઉંઘમાંથી જગાડી દીધા છે. ભાજપનો મુકાબલો એકલા હાથે કરી પક્ષને જિતાડનાર મમતા બેનરજી બંગાળના એક શક્તિશાળી મહિલા સાબિત થયાં છે ત્યારે સવાલ એ છે કે શું મમતા બેનરજી દેશના વિપક્ષોને એક કરવામાં સફ્ળ થશે ખરાં ? એવી જ રીતે ૧૩૬ વર્ષ પુરાણી કોંગ્રેસ મમતા બેનરજીનું વિપક્ષી ગઠબંધન માટેનું નેતૃત્વ સ્વીકારશે ખરા ? માયાવતી કે શરદ પવાર મમતા બેનરજીના ગઠબંધન હેઠળના નેતૃત્વમાં કામ કરવા તૈયાર થશે ખરા ? વિપક્ષમાં રહેલા તમામ નેતાઓની એક આગવી મહત્ત્વકાંક્ષા છે અને એ કારણે જ દેશમાં આ જ સુધી સંપૂર્ણ વિપક્ષી એકતા બની શકી નથી. વળી, મમતા બેનરજીનો એકાધિકારવાદી સ્વભાવ વિપક્ષો કેટલો સ્વીકારશે ? – એટલે વિપક્ષી એકતા માટે આ સવાલો તો રહેશે જ પરંતુ વિપક્ષ વિશ્વની મોટામાં મોટી પાર્ટી સામે એકલે હાથે લડીને પક્ષને જિતાડવાની કામિયાબી જ હાંસલ કરનાર મમતા બેનરજી અન્ય વિપક્ષી નેતાઓ કરતાં વધુ શક્તિશાળી સાબિત થયાં છે એ વાતનો સ્વીકાર કોંગ્રેસ, કેજરીવાલની આપ, એનસીપી, શિવસેના, અખિલેશ યાદવની પાર્ટી કે તેજસ્વી યાદવની પાર્ટીઓએ સ્વીકાર કરવો જ પડશે.

ર૦ર૪ની ચૂંટણીઓ પહેલાં વિપક્ષી એકતાનું કોઈ ગઠબંધન થાય છે કે કેમ ? – એ તો આવનારો સમય જ કહેશે પરંતુ ભાજપાએ અને દેશના બીજા તમામ પક્ષોએ તેમની પ્રચાર-પદ્ધતિ અને રણનીતિ પર ફ્રી એક વાર આત્મચિંતન તો કરવું જ પડશે. એકલાં-અટૂલાં મહિલા, મમતા બેનરજી “વ્હીલચેરથી સીએમ ચેર” સુધી પહોંચવા સક્ષમ કેમ બન્યાં તેનો અભ્યાસ દરેક રાજકીય પક્ષોએ કરવો પડશે.

યાદ રહે કે, પશ્ચિમ બંગાળની ચૂંટણી “મધર ઓફ ઓલ ઇલેક્શન્સ” હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન