Management Talks: Confidence and experience give us the energy to move forward
  • Home
  • Columnist
  • મેનેજમેન્ટની વાતો : આત્મવિશ્વાસ અને અનુભવ આપણને આગળ વધવાની ઊર્જા આપે છે

મેનેજમેન્ટની વાતો : આત્મવિશ્વાસ અને અનુભવ આપણને આગળ વધવાની ઊર્જા આપે છે

 | 4:53 am IST
  • Share

  • આત્મવશ્વાસથી કરેલા કામમાંથી અનુભવ મળે
  • દરેક નવો અનુભવ આપણને આપણા લક્ષ્યની વધુ નજીક લઇ જાય
  • વ્યક્તિને દરેક પરિસ્થિતિ નવો અનુભવ આપે છે 

મેનેજમેન્ટ પોતાની આગવી સૂઝનું પરિણામ છે, વ્યક્તિની આગવી સૂઝ પ્રમાણે કામ કરીને મળતા સારા અને ખરાબ, હકારાત્મક અને નકારાત્મક, ગમતાં કે ના ગમતાં પરિણામોમાંથી અનુભવ મેળવે છે અને આ અનુભવ એને વધારે આત્મવિશ્વાસથી આગળ વધવાની શક્તિ આપે છે.

ઘણી વાર જ્યારે આપણે અનુભવથી શીખીને આગળ નવું કે કૈંક મોટું કામ કરવાની તૈયારી કરીએ ત્યારે જ ઘણા લોકો આપણને પાછા વાળવાની સલાહ પણ આપે છે. પરંતુ આ આત્મવિશ્વાસ જ અને અનુભવ જ આપણને આગળ વધવાની ઊર્જા આપે છે. આવી પરિસ્થિતિમાં મને પેલા દેડકાની વાર્તા યાદ આવે છે કે એક વખત કે દેડકાને ઝાડ પાર ચડવું હતું. બધા દેડકાઓએ એને ના પાડી કે આ આપણું કામ નહિ. પણ એ એના મિત્રોની વાતને અવગણીને ઝાડ પર ચડવા માંડયો. અડધે પહોંચ્યો ત્યાં તો તેણે જોયું કે એના મિત્રો એને જોઈને બૂમો પાડતા હતા અને એક તરફ્ એ દેડકો સતત પ્રયત્નો કરીને ઉપર ચડી ગયો. જ્યારે એ નીચે ઊતર્યો ત્યારે બધાએ એને પૂછયું કે ભાઈ તંે અમારી બૂમો ના સાંભળી ? ત્યારે એણે કહ્યું કે મને સાંભળવાની તકલીફ્ છે, હું અડધે ચડયો પછી તમે બહુ નીચે ભેગા થઇને કંઈક કહેતા હતા તે મને ના સંભળાયું અને મને તો એમ જ થયું કે ભેગા થઇને બધા મારો ઉત્સાહ વધારવા માટે બૂમો પાડો છો અને તાળી પાડો છો. બસ મેં તો એમ સમજીને મારા સતત પ્રયત્નો બમણા વેગથી ચાલુ રાખ્યા અને ઝાડ પર ચડી ગયો. હા, ઘણી વખત આવી રીતે પણ પોતાના નિર્ણયને વિશ્વાસથી વળગી રહીએ તો ધાર્યું લક્ષ્ય ચોક્કસ પાર પડે જ. આ પ્રસંગમાં એ દેડકાને કંઈ પણ અનુભવ ના હતો પણ એક આત્મવિશ્વાસ હતો અને એને લોકોની વાતને અવગણી અને પોતાના વિશ્વાસને આગળ મૂક્યો અને પરિણામસ્વરૂપે એ પોતાના લક્ષ્ય પાર પહોંચ્યો. તો પ્રશ્ન એ હતો એ અનુભવમાંથી આત્મવિશ્વાસ આવે કે આત્મવશ્વાસથી કરેલા કામમાંથી અનુભવ મળે, ક્રમ કોઈ પણ હોઈ શકે. આ વાર્તામાં એ થયું કે આત્મવિશ્વાસથી કરેલાં કામમાંથી એક નવો અનુભવ મળ્યો અને એ આત્મવિશ્વાસ વધારે દૃઢ થયો અને હવે એ વધારે મોટા અને નવા કાર્ય કે લક્ષ્ય માટે તૈયાર થયો. આ જ વાત અને ધારણા મેનેજમેન્ટમાં પણ સચોટ રીતે લાગુ પડે છે, આપણે આત્મવિશ્વાસ થકી પરિસ્થિતિને સરળતાથી મેનેજ કરીએ છીએ અને અનુભવનું ભાથું બંધાતું જાય છે અને એ જ અનુભવ નવી પરિસ્થિતિ અને પડકારો સામે આપણે દૃઢતાથી ઊભા રહીને એને પાર પાડવાની આગવી સૂઝ અને ક્ષમતા પૂરી પાડે છે.  આત્મવિશ્વાસ એ અનુભવનું પરિણામ છે અને દરેક નવો અનુભવ આપણને આપણા લક્ષ્યની વધુ નજીક લઇ જાય છે. એ જ વાત મેનેજમેન્ટમાં પણ સીધી લાગુ પડે છે, વ્યક્તિને દરેક પરિસ્થિતિ નવો અનુભવ આપે છે અને એ પરિસ્થિતિ પાર પડીને મેળવેલો અનુભવ અને આગળ આવતી પરિસ્થિતિને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ.

હવે એક પ્રશ્ન એ છે કે અનુભવ કે આત્મવિશ્વાસ પહેલું શું આવે ? હા, એકદમ મરઘી કે ઈંડું શું પહેલું આવ્યું એવી વાત થઇ આ તો ! ઘણી વાર માણસનો આત્મવિશ્વાસ એને નવું સાહસ કરવાની શક્તિ આપે છે અને આત્મવિશ્વાસથી કરેલું એ સાહસ અનુભવ આપે છે. આ રીતે મેળવેલો અનુભવ ઉમદા હોય છે અને ત્યારબાદ વ્યક્તિ પોતાની સંચાલન ક્ષમતા અને કાર્યદક્ષતામાં ઘણો વધારો થાય છે.

ઉદારહણ તરીકે ધીરુભાઈ અંબાણી જ્યારે યમન દેશમાં પેટ્રોલપંપ પર નોકરી કરતા હતા ત્યારે એમને પોતાનો ધંધો કરવાનો એક વિચાર એમના મગજમાં સતત ચાલી રહ્યો હતો, એ ધંધો કરી શકવાનો એમને આત્મવિશ્વાસ હતો. હા, કદાચ એ આત્મવિશ્વાસ એમણે નોકરી કરીને નોકરીમાં પોતાના ઉપરીને સારાં પરિણામો આપીને કેળવ્યો અને એમને એમ થયું કે આ આત્મવિશ્વાસ અને વિદેશના નોકરીના અનુભવથી પોતાના દેશમાં પોતાનો ધંધો કરી શકાય અને એ આત્મવિશ્વાસના ભરોસે એમણે શરૂવાત કરી પોતાના ધંધાનો અનુભવ મેળવ્યો, ગણતર મેળવ્યું અને વિશ્વમાં એક સફ્ળ વ્યસાયિક તરીકેની નામના મેળવી. આજે પણ એમના જીવનના મેનેજમેન્ટના પ્રસંગો અને કુશળ સંચાલનકળાની હંમેશાં વાતો થાય જ છે. બીજી બાજુ એમના પુત્ર મુકેશભાઈને પિતાના ધંધામાં જ શરૂઆતથી અનુભવ મળ્યો અને એ અનુભવથી કેળવાયેલા આત્મવિશ્વાસે એમને વધારે મોટા કામ અને બીજી દિશામાં ધંધોવ્યવસાય, સાહસ અને વૈવિધ્યીકરણ કરવાની હિમ્મત પ્રદાન કરી અને ટેલિકોમ્યુનિકેશનના ફ્લ્ડિમાં એમણે શરૂ કરેલી કંપની જિયો આજે એક વૈશ્વિક નામ બન્યું. એક જ પરિવાર ના બે સભ્યોનો આત્મવિશ્વાસ અને અનુભવ કેવી રીતે એમની સંચાલન ક્ષમતા માં દેખાય છે અને વિશ્વ ફ્ક્ત એમની વાતો જ નથી કરતા પણ પોતાના ધંધા-વ્યવસાયમાં અનુકરણ પણ કરે છે.

બસ આવી જ રીતે આપણે પણ જીવનમાં આવતી દરેક દરેક પરિસ્થિતિ-રોજિંદી કે નવી હોય એને અનુભવ અને આત્મવિશ્વાસથી દરેક વાર નવી અને વધારે સારી રીતે પાર પાડવાની છે. આપણે પોતાના અનુભવથી આપણને રોજિંદી પરિસ્થિતિને પણ દરેક વાર વધુ સારી રીતે મેનેજ કરી શકીએ અને અગાઉ કરતાં પણ વધુ સારું પરિણામ આપી શકીએ. સુધારણા એ સતત ચાલતી પ્રક્રિયા છે. આત્મવિશ્વાસ એક વાર બંધાય પછી કોઈવાર કોઈક પરિસ્થિતિમાં ડગી પણ જાય. પરંતુ એ વખતે આપણે આત્મવિશ્વાસ અને અનુભવને કારણે આપણી ભૂતકાળની સફ્ળતા વિશે વિચારવું અને ફ્રીથી તૈયાર થઇને આ નવી પરિસ્થિતિ અને પડકારને પાર પાડવાના. જ્યારે નવી પરિસ્થિતિ કે પડકાર આવશે ત્યારે આપણે ગભરાવા કે મૂંઝાવા કરતાં એ પરિસ્થિતિને સરળતાથી મેનેજ કરવા તૈયાર હોઈશું. એ તૈયારીનું પીઠબળ બીજું કોઈ નહિ પણ આપણો અગાઉની પરિસ્થિતિમાંથી મેળવેલો અનુભવ અને આત્મવિશ્વાસ.

‘મગજને ઉચ્ચ વિચારોથી ભરો, એમાં ઉચ્ચતમ આદર્શો ભરો, તેમને તમારી સમક્ષ રાત-દિવસ મૂકો, અને તેનાથી મહાન કાર્ય ચોક્કસ થશે.’ – સ્વામી વિવેકાનંદ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો