Many idols have been burnt but Ravana is still not burning
  • Home
  • Columnist
  • અનેક પૂતળાં બળી ગયાં પણ હજી રાવણ બળતો નથી

અનેક પૂતળાં બળી ગયાં પણ હજી રાવણ બળતો નથી

 | 8:00 am IST
  • Share

વિજયાદશમી : આજના રાવણને દસ હાથ, વીસ માથાં નથી- તેને જોઈને લાગે પણ નહીં કે એ રાવણ છે

આજના રાવણો ત્રેતાયુગના લંકાપત્તિને પણ શરમાવે તેવા છે, વ્હાઈટ કોલર જેન્ટલમેનના લિબાસમાં અટ્ટહાસ્ય કરે છે

જોરદાર આતશબાજી અને ઢોલ નગારા સાથે રાવણ દહન થઈ ગયું. ‘જય શ્રી રામ’ના નારા અને મીઠાઈથી વિજયોત્સવ મનાવાયો પરંતુ બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘રા-વન’નો ડાયલોગ સંભળાતો ગુંજતો હોવાનો ભાસ થાય છે. રાવણ અટ્ટહાસ્ય કરતા કહે છે ”તૂમ હર સાલ રાવણકો ઈસ લિયે જલાતે હો, ક્યૂ કિ તુમ જાનતે હો વો કભી નહીં મરતા… જો એક બાર ભી મરતા હૈ ઉસે બાર બાર મારના નહીં પડતા…”

વિજયા દશમીએ બળે છે એ તો પૂતળા છે, જેને બાળવાનો છે એ તો આપણી અંદર, આપણી આસપાસ છે અને એક નહીં અનેક છે. હવેના રાવણને દસ માથા નથી કે વીસ હાથ નથી, તેના હાથમાં આયુધો પણ નથી, ત્રેતાયુગનો રાવણ તો બૂલંદ અવાજે કહેતો કે હું છું લંકાપતિ રાવણ ! આજના રાવણને તો ઓળખવા પણ મુશ્કેલ છે.

રાવણે સીતાજીનું અપહરણ કરેલુ પરંતુ તેને હાથ સુધ્ધા લગાડયો ન હતો, આજે ફૂલ જેવી બાળકીઓ સાથે જાતીય સતામણી થાય છે, ભારતમાં 39% વસતી બાળકોની છે. 14 વર્ષ સુધીની ઉંમરને કુદરતી રીતે બાળક ગણાય છે. 6 થી 10 વર્ષના 28% અને 11 થી 15 વર્ષના 27% બાળકોમાંથી 53% બાળવયે જ જાતીય અત્યાચારનો ભોગ બને છે, જેમા આરોપી ઘરના જ કોઈ નિકટતમ અથવા શાળા સંલગ્ન વ્યક્તિ હોય છે. ફિલ્મ સ્ટાર આમિરખાને ‘સત્યમેવ જયતે’માં આ વિષય ઉપર એક આખ્ખો એપિસોડ બનાવેલો.

દર દસમાથી એક યુવતી કોઈને કોઈ તબક્કે જાતીય સતામણીનો ભોગ બને છે. આ અપરાધીઓ રાવણથી’યે વધુ ખતરનાક છે. બાળપણમાં જ સેક્સ્યુઅલ હેરાસમેન્ટની પીડા ભોગવનારના જીવન ઉપર કેટલી બિહામણી અસર રહે છે તે વિશેે ફિલ્મ ‘હાઈ વે’મા આલિયા ભટ્ટ ચિલ્લાઈને કહે છે” જાનવર સાલે… તમીઝ, તેહઝિબ શીખાતે હૈ, ઉનકે પાઁવ છૂઓ, ઉન સે પ્રણામ કરો, પર યે સાલ્લે ક્યા કરતે હૈ ?

વ્હાઈટ કોલર જેન્ટલમેનના પેઈજ-3 ઉપર છવાયેલા રહેતા સેલિબ્રિટીઝમાંથી કોણ કેવા ધંધા કરે છે ? રાજ કુંદ્રાનું પોર્ન વિડીયોનું ચક્કર જૂઓ કે પછી વિજય માલ્યાની કરોડોની ચૂનાબાજી… હમણા જ પેન્ડોરા પેપર્સમાં ક્રિકેટરો, બિઝનેસમેન સહિત 380 ભારતીયોના સિક્રેટ હેવન્સના કારનામાં ખૂલ્યા છે. 117 દેશના 150 મીડિયા આઉટલેટ્સના 600થી વધું પત્રકારોએ આ ‘સજ્જનો’ના કાળા નાણાનો ભેદ ખોલી તેમને બેનકાબ કર્યા છે.

દેશમાં ખુદને દેવાળિયા જાહેર કરી બેન્કોને ઉઠમણા જેવી સ્થિતિમા મૂકી દેનાર આ મહાનુભાવોએ જે દગાબાજી કરી છે તે નાણાં નિર્દોષ દેશવાસીઓના જ છે- આજે આવા રાવણો છે જે દેશને લૂંટી રહ્યા છે. ગરીબોની પરસેવાની કમાણીને છિનવી ને એશોઆરામમાં આળોટતા આ તવંગરોનું કદિ દહન થતુ નથી, એમની સામે કોઈ રામ બની ને યુધ્ધ કરતુ નથી.ફોર્બ્સે હમણા માર્કેટ રિસર્ચ કંપની સ્ટેટિસ્ટા સાથે મળી ને કરેલા રિસર્ચમાં વિશ્વના 100 શ્રેષ્ઠ એમ્પ્લોયર્સમાં ભારતની 4 કંપની છે.

દેશમાં આમ છતા ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં 116 દેશોમાં ભારત છેક 101મા ક્રમે છે. ભૂખમરાથી ગંભીર સ્થિતિ હોય તેવા 31 દેશોમાં પણ ભારતનું નામ છે. આપણે ગરીબો માટે કલ્યાણકારી યોજનાઓની હારમાળા દર્શાવાય છે પરંતુ ભૂખમરાના મામલે આપણી સ્થિતિ પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે.

અટલબિહારી બાજપેયીએ લખેલું ‘ભરી દુપહરી મે અંધિયારા / સૂરજ પરછાઁઈ સે હારા / અંતરતમકા નેહ નિચોડે / બૂઝી હૂઈ બાતી સુલગાયે / આઓ ફિર સે દિયા જલાયે’ દેશમાં ભ્રષ્ટાચારના રાવણનું દહન તો દૂર તે વધુ ને વધું અટ્ટહાસ્ય કરે છે. ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલના 180 દેશોના કરપ્શન ઈન્ડેક્સમાં ભારત 86માં નંબરે છે.

ગુજરાતમાં હમણા જ દેવભૂમિ દ્વારકાના ડેપ્યૂટી કલેકટર પાક રક્ષણના હથિયાર પરવાના માટે 3 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા છે. ગીર સોમનાથમાં સૂત્રાપાડાના તાલુકા વિકાસ અધિકારી રસ્તાના કામ અંગે 5 હજારની લાંચ લેતા પકડાયા છે. દ્વારકાધીશ અને સોમનાથની દરિયા કાંઠે આવેલી તીર્થભૂમિમાં ગ્રામ્ય જનતા માટે સુખ સુવિધાનો આધાર જેના ઉપર છે તેવા અમલદારોની ખોરી ટોપરા જેવી નિયત બહુ લજ્જાસ્પદ છે. કોઈ ટેક્સ ના ભરે તો તેને ત્યા ઢોલ નગારા વગાડી બેઈજ્જતી કરનારો અધિકારી કદી પોતાના પાપાચારનું આત્મમંથન કરતો નથી.

ચૂંટાયેલા લોકો પણ માત્ર ને માત્ર ‘શાસક-વિપક્ષ’નું નાટક ભજવતા રહે છે, પ્રજાની સાથે તટસ્થતાપૂર્વક રહેવાની હિંમત તેમનામા નથી. મનુસ્મૃતિનો આઠમો અધ્યાય કહે છે કે રાજસભામા જવું નહીં ને જો જવુ તો સત્યનો ઉચ્ચાર કરવો. સત્યને જાણવા છતા ગમે તે કારણથી મૂંગા રહેવું એ મહાપાપ છે.

આજે આવું મહાપાપ કરનારા એક રૂપિયે ડઝન મળે છે. પૂતળા રાવણના બાળવાને કૃત્યો બધા રાવણથી’યે બદતર કરવા, એ કળિયુગ છે ‘ઓહ માય ગોડ’નો નાયક બ્લેક હ્યુમર કરતા ભગવાનને કહે છે ‘ભગવાન તુમને મેરી દુકાન ગિરા દી, અબ મે તુમ્હારે નામ પે ચલતી સબ દુકાન ગિરા દુંગા’ આમ જનતા બિચ્ચારી નારાબાજીમા ભાવુક બની જાય છે ને રાજકારણીઓ ભાવનાઓને ગણિતમાં મૂકી પોતાની ગાદી જાળવી રાખે છે.

શ્રીલંકામાં રાવણના મંદિર ઉપર એક સૂત્ર છે ”દસ માથા કે એક માથા થકી કોઈ રાવણ બનતુ નથી માણસનું મન જ તેને દૈત્ય અથવા દેવ બનાવે છે. સીતાજી એક વર્ષ સુધી રાવણના કબજામાં હતા પરંતુ રાવણે તેને કહેલું ‘તમને જો મારા પ્રત્યે અનુરાગ ના હોય તો તમારા ઉપર અંકુશ સ્થાપવો ઉચિત નથી’ ઋષિ પિતા અને દૈત્ય માતાના સંતાન રાવણમાં જીવનભર સદ્ગુણ અને દુર્ગુણનું દૃઢ ચાલ્યુ હતુ.

પણ તેના સદ્ગુણો ઢંકાઈ ગયા- દુર્ગુણો યાદ રાખ્યા.”જોધપુરમા રાવણનું મંદિર બન્યું છે. આ ગામ મંદોદરીનું પિયર ગણાય છે. કાનપુરમાં રાવણનું એવું મંદિર છે. જે માત્ર વિજ્યા દસમીએ જ ખૂલે છે. રાવણ શિવનો પરમભક્ત અને પ્રખંડ પંડિત હતો, સીતાના હરણ માટે તેના મંત્રી મારિચે સુવર્ણમૃગનું રૂપ ધારણ કરેલુ આજે પણ દુરાચારીઓ, કામચોરો સજ્જનના સ્વાંગમાં આપણી આસપાસ જોવા મળે છે. રાવણના રાજમાં લંકા સોનાની હતી, ત્યા પ્રજા સુખી હતી આજે વાતો રામરાજ્યની થાય છે પરંતુ પ્રજાની સ્થિતિ તો પ્રજા જ જાણે છે.

દશેરા આવતા રહે છે જતા રહે છે, રાવણને બાળવો હશે તો પૂતળા નહીં, આપણી અંદરના આસુરી તત્ત્વને જલાવવું પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો