Massive Fire in Ganesh Meridian at SG Highway Ahmedabad
  • Home
  • Ahmedabad
  • અમદાવાદ: SG હાઈવે પર ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ

અમદાવાદ: SG હાઈવે પર ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં આગ

 | 6:19 pm IST
  • Share

  • બિલ્ડિંગના કેબલ ડકમાં શોર્ટ સર્કિટથી આગ
  • જીવ બચાવવા એક યુવકે બીજા માળેથી છલાંગ લગાવી
  • ગણેશ મેરેડિયન બિલ્ડિંગમાં ફાયર સેફ્ટીના સાધનો શોભાના ગાંઠિયા સમાન!

અમદાવાદ શહેરના સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી ગણેશ મેરેડિયન નામની બિલ્ડિંગમાં માળે આગની ઘટના સામે આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદમાંથી પસાર થતાં સરખેજ-ગાંધીનગર હાઈવે પર આવેલી ગણેશ મેરેડિયન નામની બિલ્ડિંગમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. આ આગ બિલ્ડિંગના બીજા માળેથી પ્રસરીને આઠમાં માળ સુધી પહોંચી ગઈ હતી.

આ બનાવની જાણ થતાં ફાયર વિભાગની 6 ગાડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

ગણેશ મેરેડિયન બિલ્ડિંગના કેબલ ડકમાં શોર્ટ શર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ડકમાં નાંખવામાં આવેલા કચરાના કારણે આગે વિકરાળ રૂપ ધારણ કર્યું હતુ અને તે 8માં માળ સુધી પ્રસરી હતી.

આ આગની ઘટનામાં કોઈ મોટી જાનહાનિ ના થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે બિલ્ડિંગમાં ફસાઈ ગયેલા 5થી વધુ લોકોને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર કાઢ્યા હતા. જ્યારે એક યુવકે પોતાનો જીવ બચાવવા માટે બીજા માળેથી છલાંગ મારતા તેને ઈજા પહોંચી છે. હાલ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યો છે.

બિલ્ડરની બેદરકારી સામે આવી
ગણેશ મેરેડિયન બિલ્ડિંગના ફાયર સેફ્ટીના સાધનો બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ બિલ્ડિંગના બિલ્ડર મુકેશ પટેલ વિરુદ્ધ લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું કે, કેબલ ડક બંધ કરવા માટે માલિકોને અનેક વખત જાણ કરવામાં આવી હતી. જો કે કોઈ પગલા ના લેવાતા આગનો બનાવ બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સવારે શહેરના રિલીફ રોડ પર આવેલા આકાશ કોમ્પલેક્ષની એક દૂકાનમાં આગ લાગી હતી. જેમાં ત્રણ માળના કોમ્પલેક્ષની 6 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી. જો કે ફાયર વિભાગની 6 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો