આતંકવાદ સૌથી મોટું જોખમ, તેનો ખાત્મો જરૂરીઃ રાજનાથસિંહ - Sandesh
  • Home
  • World
  • આતંકવાદ સૌથી મોટું જોખમ, તેનો ખાત્મો જરૂરીઃ રાજનાથસિંહ

આતંકવાદ સૌથી મોટું જોખમ, તેનો ખાત્મો જરૂરીઃ રાજનાથસિંહ

 | 3:12 pm IST
  • Share

સાર્ક દેશોના ગૃહપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદ પહોંચેલા કેન્દ્રના ગૃહપ્રધાન રાજનાથસિંહે આંતકવાદને સૌથી મોટું જોખમ ગણાવતાં જણાવ્યું હતું કે આતંકવાદનો ખાત્મો અત્યંત જરૂરી છે. તેમણે આ સાથે કાબુલ, ઢાકા અને પઠાણકોટમાં થયેલા આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો.

રાજનાથસિંહે સાર્ક સંમેલનમાં જણાવ્યું હતું કે ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ જેવું કાંઈ હોતું નથી. આતંકવાદીઓના ગુણગાન ગાવા જોઈએ નહીં. આતંકવાદીઓની ફક્ત નિંદા જ પૂરતી છે.

આતંકવાદીઓને આશરો આપનારા દેશોની ઝાટકણી કાઢતાં રાજનાથસિંહે જણાવ્યું હતું કે આતંકવાદની સહાનુભૂતિ ધરાવતાં દેશો સામે સખ્ત કાર્યવાહી થવી જોઈએ.

રાજનાથસિંહના સંબોધનનું પ્રસારણ કરવાની પાકિસ્તાનની ટીવી ચેનલોને પરવાનગી અપાઈ ન હતી.

સાર્ક દેશોના ગૃહપ્રધાનોના એક દિવસના સંમેલનનો પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં ગુરુવારે આરંભ થયો હતો. પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફના સંબોધન સાથે સંમેલનનો શુભાંરભ થયો હતો. પાકિસ્તાન સરકારે રાજનાથસિંહના ભાષણનું કવરેજ કરતાં મીડિયાને અટકાવ્યા હતાં.

પાકિસ્તાનના ગૃહપ્રધા નિસારઅલીખાને જણાવ્યું હતું કે સાર્ક સંગઠનની મનોકામના અને ઈચ્છાઓ પૂરી કરવા પાકિસ્તાન કટિબદ્ધ છે. સાર્કમાં સામેલ દેશોએ વાસ્તવિકતાનો પણ ખ્યાલ મેળવવો જોઈએ. તેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણે અત્યાર સુધી શું કર્યું અને હવે શુ કરવાની જરૂર છે. આ મહત્વની બેઠકમાં આપણે બધાએ સાથે મળી ભવિષ્ય વિશે રણનીતિ ઘડી કાઢવી જોઈએ.

દરમિયાન ગૃહપ્રધાન રાજનાથસિંહ અને પાકિસ્તાનના ગૃહપ્રધાન ચૌધરી નિસારઅલીખાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાવવાની શક્યતા નથી. કેન્દ્રના ગૃહસચિવ રાજીવ મહર્ષિ અને રાજનાથસિંહ સાર્ક દેશોના તેમના સમોવડિયા સાથે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને મળવા જશે.આ મુલાકાત વખતે તેઓ અંધારીઆલમના ડોન દાઉદ ઈબ્રાહીમ અને સરહદ પારના આતંકવાદનો મુદ્દો ઉઠાવે તેની શક્યતા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો