ચોમાસું આવે છે? ચાલો ખાડાપૂર્વક 'વેલકમ' કરીએ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • ચોમાસું આવે છે? ચાલો ખાડાપૂર્વક ‘વેલકમ’ કરીએ!

ચોમાસું આવે છે? ચાલો ખાડાપૂર્વક ‘વેલકમ’ કરીએ!

 | 1:31 am IST
  • Share

રોંગ નંબર :-  હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

નૈઋત્યનાં ચોમાસાએ પોતાનો શાહી ‘સ્કાય શો’ અને ‘રોડ રેલો’ દક્ષિણ કેરળ, દક્ષિણ અરબી સાગર, દક્ષિણ તામિલનાડુ અને લક્ષદ્વીપમાં શરૂ કરી દીધો છે. ગયા શુક્રવારની રાત્રે તો બેન્ડ, બાજા, બારાત સાથે ચોમાસાએ સત્તાવાળાઓને સાનમાં સમજાવી દઈ તૈયાર રહેવા દોઢેક ટનનું વાદળુંય પાર્સલ કરીને ગુજરાતમાં વરસાવી દીધું! આનો અર્થ એ થયો કે ચોમાસું ભારતની દક્ષિણ દિશાએ રહીને પણ આપણને ચેતવણી આપી રહ્યું છે કે, હે ગુજરાતીઓ, આપને ત્યાં વીસમી જૂને મારું આગમન પૂરી આન, બાન અને શાનથી થઈ રહ્યું છે. એવી આગાહી હવામાનખાતાના જ્યોતિષીઓએ કરી દીધી છે. મને વેલકમ કરવા માટેનો તમારા શાસકોએ ‘મોન્સૂન પ્લાન’ કે ‘પ્રિ-મોન્સૂન પ્લાન’ કે પછી રાબેતા મુજબનો ‘પોસ્ટ મોન્સૂન પ્લાન’ તૈયાર કરી દીધો છે કે નહીં? ના કર્યો હોય તો હજુ નવ દિવસ બાકી છે, કરાવી દેજો. આજે અગિયારમી તો થઈ! પછી કહેતા નહીં કે ચોમાસાએ ચેતવ્યા નહીં!

ચોમાસાએ કરેલી આ હાકલ, ગુજરાતના ગ્રામ્યસ્તરે, તાલુકાસ્તરે, જિલ્લાસ્તરે, અવનવાં કોર્પોરેશન લેવલે કે સ્ટેટ લેવલે જે મહાનુભાવો શાસન-વિશાસન કરી રહ્યા છે એમના કર્ણપટલ પર પડી જ હશે એવું અમારું માનવું છે.

જેવી અમને ખબર પડી કે ચોમાસું ટૂંક સમયમાં જ પધારી રહ્યું છે તો લાવને જરા એકાદ-બે જવાબદાર નેતાઓને મળીને જાણી તો લઈએ કે પરોણાની આગતા-સ્વાગતા કરવાની કેવી અને કેટલી તૈયારીઓ કરી છે અને થઈ રહી છે!

‘અરે ઓ સાહેબ!’ મોંઘામાં મોંઘી ખાદીના અને ‘બગલા’ની પાંખ જેવાં ધવલ-શ્વેત લેંઘા-ઝભ્ભા પર એટલી જ મોંઘીએસ્ટ કોટિ પરિધાન કરીને જઈ રહેલા એક નેતાશ્રીને અમે પ્રેમાળ અવાજે કહ્યું, ‘સાહેબજી!’ એમણે તરત જ પાછળ ફરીને અમારી તરફ એવી રીતે જોયું, જાણે એ કોઈ સત્તાબ્રાન્ડ ખુરશીને ન જોઈ રહ્યા હોય! ખુરશીને ભેટવા જતા હોય એવા જ ભાવાવેશમાં આવીને ‘U’ ટર્ન લઈ મારી તદ્દન સામે આવીને એ ઊભા. ભગવાનનો એટલો ઉપકાર કે એમણે અમને ભેટવાનું જ બાકી રાખેલું! અમે રાજપરંપરા મુજબ’નમસ્તે’ની મુદ્રામાં હાથ જોડીને જ રાખ્યા’તા. પણ એમણે તો અમને વિદ્યુતવેગે નમસ્તેની મુદ્રા કરી ન કરી કે તરત જ એનું વિસર્જન કરી નાખતાં કહ્યું, ‘ઓહ, નમસ્કાર… નમસ્કાર! હું તો હજુ હમણાં જ કોર્પોરેટર તરીકે ચૂંટાયો છું. તમે મને કેવી રીતે ઓળખી લીધો કે હું એક રાજનેતા છું?’ અમે નમ્રતાથી કહ્યું, ‘આપના વસ્ત્ર પરિધાન પરથી! નેતા કોઈપણ હોય એનો પરિચય એનાં વસ્ત્રો જ આપી દે છે સાહેબ!’

અમારું આ ‘સાહેબ’ સંબોધન સાંભળીને એ એટલા બધા ભાવુક બનીને અમારી સામે જોઈ રહ્યા, જાણે અમે કોઈ બાહુક ન હોઈએ!

‘વાહ!’ એમણે ભાવભીનાશથી કહ્યું, ‘બધા લોકો તમારા જેવા સમજદાર હોય તો કેવું સારું! તમારા જેવા પાંચ માણસો મને મળી જાય તો દેશને હું આમ ચપટીમાં ઊંચો લાવી દઉં! બાય ધ વે, મારા લાયક કોઈ કામ હોય તો કહેજો.’

‘કામ છે સાહેબ!’

‘બોલો, બોલો! નેતા બન્યા પછી જનતાની સેવા કરવાનો મને અવસર આપનાર તમે પહેલા છો!’

‘હમણાં તમે દેશને ઊંચો લાવવાની વાત કરી ને…’

‘હા… લાવી દઈએ, બોલો ને? ક્યારે લાવવો છે?’

‘હમણાં નહીં,’ અમે નમસ્તેની મુદ્રામાં હાથ જોડયા. નમસ્તેની મુદ્રાના ઘણા સંદર્ભો હોય છે એની આ નવોદિત નેતાને કદાચ ખબર નહીં હોય! એ જ મુદ્રામાં અમે કહ્યું, ‘હમણાં તો સાહેબ, ચોમાસું આવી રહ્યું છે…’

‘અરે વાહ! તો આવવા દો, એને આપણે રોકી ના શકીએ.’ અમારી એકદમ નજીક આવીને એમણે ધીરેથી કહ્યું, ‘જુઓ ભાઈ, તમને મારામાં ઇન્ટરેસ્ટ પડયો એટલે સ્વાભાવિક છે કે મને પણ તમારામાં ઇન્ટરેસ્ટ પડે. તમને મારા અંગત માનીને કહું છું કે કુદરતની બે વસ્તુઓને રોકી શકાતી નથી. (૧) કુદરતી ઋતુ પરિવર્તન, અને (૨) કુદરતી આવેગ. આ બંનેમાંથી એકને પણ જો રોકવામાં આવે તો વાતાવરણ બગડી જાય. ચોમાસું આવે છે તો આવવા દો, એ કુદરતી પરિવર્તન છે!’

‘પણ સાહેબ,’ ખોદી કાઢેલા રસ્તા પર ઉપસી આવેલા ખાડા-ટેકરા તરફ આંગળી ચીંધતાં અમે કહ્યું, ‘આ જુઓને, કેટલા બધા ખાડા પડી ગયા છે..’

‘તો સામે ટેકરાય થયા જ છે ને! તમે નુકસાનીમાં નથી!’

‘પણ સાહેબ…’

‘એક વાત યાદ રાખો નાગરિકભાઈ કે દરેક ખુરશીની બે બાજુ હોય છે.’

‘ખુરશીની? આમાં ખુરશી ક્યાં આવી સાહેબ?’

‘અરે સોરી… સિક્કાની… દરેક સિક્કાની બે બાજુ હોય છે : (૧) પોઝિટિવ, અને (૨) નેગેટિવ. હંમેશાં પોઝિટિવ સાઇડ જુઓને ? નેગેટિવ કેમ જુઓ છો?’

‘પણ સાહેબ, ચોમાસું તો હમણાં આવી પહોંચશે અને આ ખાડા હજુ પણ જેમના તેમ છે… અને આવા ખાડા કાંઈ એક-બે એરિયામાં નથી, શહેરના મોટાભાગના એરિયામાં ખાડા જ ખાડા જોવા મળે છે. મારી એટલી જ વિનંતી છે કે તમે જેમ બને તેમ વેળાસર આ બધા ખાડા પુરાવો, નહીંતર…’

‘નહીંતર? નહીંતર શું?’ નવોદિત નેતાશ્રી અકળાયા, ‘તમે મને ધમકી આપો છો? મને એક ચૂંટાયેલા નેતાને? રાષ્ટ્રદોહનો કેસ ઠોકી દઈશ, જો ફરી વાર આ રીતે ‘નહીંતર’ શબ્દનો ઉપયોગ કર્યો છે તો? તમે લોકો સમજો છો શું અમને?’

‘અમે તમને નેતા જ સમજીએ છીએ સાહેબ અને એટલે તો તમારી આગળ અમારી સમસ્યાની રજૂઆત કરીએ છીએ…’

‘આ રીતે રજૂઆત કરાય? નહીંતર શબ્દની દમદાટી ભીડાવીને?’

‘અરે સાહેબ, અમે એમ કહીએ છીએ કે ચોમાસું શરૂ થાય એ પહેલાં ખાડા પુરાવી નહીં દો, તો ઠેરઠેર પાણી ભરાવા માંડશે અને નાના-મોટા અકસ્માતો થવા માંડશે.’

‘તો એમ બોલોને? નહીંતર શબ્દ બોલીને તો તમે મને ચેલેન્જ ફેંકી હોય એવું જ લાગે ને? આજ પછી અમારા જેવા સમાજસેવકો સાથે બોલતાં જરા વિવેક જેવું રાખજો. અને હા, આ ખાડા પૂરવાની કામગીરી મારા વિભાગમાં નથી આવતી, પણ તમારી આ સમસ્યાને હું અમારી ખાડાકમિટીના ચેરમેનશ્રી આગળ રજૂ કરીશ. જુઓ ભાઈ, સેવા કરવા માટે તો અમે રાજકારણમાં આવ્યા છીએ.’

બીજા દિવસે અમે કોર્પોરેશનના ‘ખાડા ટેકરા કમિટી’ના ચેરમેનને મળ્યા.

‘નમસ્કાર સાહેબ,’ અમે નમસ્કાર કરી સાહેબને ફૂલનો હાર પહેરાવી એમનું સન્માન કર્યું. સાહેબે ખુશ થઈ ફૂલના હારને સ્પર્શ કર્યો.

‘સાહેબ,’ સાહેબની બાજુમાં ઊભેલા એક રાજસેવકે કહ્યું, ‘ઓરિજિનલ છે…’ રાજસેવકની વાતને વચ્ચેથી જ કાપતાં સાહેબે સહેજ ગરમ થઈને કહ્યું, ‘ડફોળ… હું ઓરિજિનલ તો છું.;

‘સોરી સર, હું તમારી નહીં, ફૂલની વાત… આઇ મીન ફૂલના હારની વાત કરું છું.’

‘શાંતિ રાખ.’ સાહેબે પછી અમારી સામે જોઈને પૂછયું, ‘બોલો, અમે શું સેવા કરીએ?’

‘સાહેબ, ચોમાસું હવે આજ આવું, કાલ આવું, એમ આવું… આવું કરી રહ્યું છે, અને…’

‘જુઓ ભાઈ,’ અમારી વાતને એમણે, નેતાસહજ સ્વભાવને લીધે અધવચ્ચે કાપતા કહ્યું, ‘એને આવું, આવું કે તેવું, તેવું – જેવું જેવું કરવું હોય એવું કરવા દો, આ ચોમાસામાં અમે અંધારામાં રહેવાના નથી…’

‘અરે મારા સાહેબ, આવું…આવું… એટલે ચોમાસાના આવવાની વાત કરું છું અને શહેરમાં તો હજુ ચારેય બાજુ ખાડા જ ખાડા છે તો એ બાબતે કાંઈ વિચાર્યું છે કે નહીં?’

‘અમે એવું તેવું વિચારવામાં ટાઇમ બગાડતા નથી. વિચારવા માટે પહેલાં આયોજન કરીએ છીએ, પછી એનો અમલ કરીએ છીએ અને એ પછીથી અમે શાં…તિ…થી વિચારીએ છીએ, આવું નહીં થવા જેવું કેવી રીતે થયું?’

‘વાહ, તો હવે આ ખાડાપુરાણ વિષે શું વિચાર્યું?’

‘અરે આમભાઈ… માફ કરજો તમારું નામ હું જાણતો નથી, એટલે અમારા માટે જેવો પેલો આમઆદમી એવા તમે આમભાઈ… હું કોઈ ધાર્મિક-આધ્યાત્મિક કે એવો કોઈ શાસ્ત્રી-વિદ્વાન નથી, પણ એટલી ખબર છે કે આપણે ત્યાં કુલ અઢાર પુરાણ છે. એમાં આ ખાડાપુરાણમાં શું આવે છે એ હું જાણતો નથી. બીજી કોઈ સેવા બોલો!’

‘સાહેબ, પ્રિ-મોન્સૂન પ્લાન વિષે કંઈક કહેશો? ભારેથી અતિભારે વરસાદને લીધે જૂનાં-મોટાં વૃક્ષો, જર્જરિત મકાનો તૂટી જતાં હોય છે. ગટર ભરાઈ જતી હોય છે, તો આ બધાં પડકારોનો સામનો કઈ રીતે કરશો?’

‘આવા પડકારોનો મુકાબલો કરવા અને પૂરેપૂરા શક્તિમાન બનવા માટે મુંબઈથી માનનીય શ્રી મુકેશ ખન્નાજી અને ચેન્નઈથી માનનીય શ્રી રજનીકાંતજીને અમે બોલાવવાના છીએ અને એમની પાસેથી કોઈપણ પ્રકારના પડકારોને પરાસ્ત કરવા માટેની અજબગજબની શક્તિનું ડેમોન્સ્ટ્રેશન મેળવી પડકારોને પહોંચી વળવાનું સઘન આયોજન કર્યું છે. બોલો હવે કાંઈ પૂછવું છે?’

‘અરે હોય સાહેબ! તમે તો અમારા નહીં પુછાયેલા પ્રશ્નોનાય ઉત્તરો આપી દીધા… થેન્ક્યૂ સર, થેન્ક્યૂ વેરી મચ!’

ડાયલટોન :

હોદ્દાની ઊંચાઈ કરતાં, નૈતિકતાની ઊંચાઈ માણસને માનવ બનાવે છે.

  • સોક્રેટિસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન