Most of the crypto will come to an end soon: Rajan
  • Home
  • Featured
  • ક્રિપ્ટોકરન્સીને લઇ રઘુરામ રાજને આપ્યું મહત્ત્વનું નિવેદન

ક્રિપ્ટોકરન્સીને લઇ રઘુરામ રાજને આપ્યું મહત્ત્વનું નિવેદન

 | 8:08 am IST
  • Share

  • આગામી સમયમાં મોટાભાગના ક્રિપ્ટોનો અંત આવી જશે : રાજન
  • લોકોનો ડિજિટલ કરન્સીઓનો મોહ ઊતરી જશે

  • ચીટફંડની જેમ જ સમસ્યાઓ ઊભી થશે

     

ભારતમાં ક્રિપ્ટોકરન્સી ઉપર પ્રતિબંધ મૂકવાનો તખતો તૈયાર થઈ ગયો છે ત્યાં સમગ્ર વિશ્વમાં તેના મોટા પડઘા પડી રહ્યા છે. તાજેતરમાં આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને પણ ક્રિપ્ટોકરન્સી અંગે પોતાનો મત રજૂ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, હાલમાં ભલે દુનિયામાં ક્રિપ્ટોકરન્સીનું બજાર ગરમ હોય પણ આગામી સમયમાં આ તમામનો અંત આવી જશે. થોડાઘણા વર્ષમાં જ મોટાભાગની ક્રિપ્ટોકરન્સીઓ અને ડિજિટલ કરન્સીઓનો નાશ થઈ જશે.

ઉલ્લેખનીય હાલમાં દુનિયામાં 7,000 જેટલી ક્રિપ્ટોકરન્સીઓ અસ્તિત્વ ધરાવે છે. તેમાંથી કેટલીક ખૂબ જ લોકપ્રિય છે તો કેટલાકના માત્ર નામ ગણાય છે અને ઘણી વિશે દુનિયાના ઘણા લોકોને જાણ નથી. હાલમાં બિટકોઇન, ઈથેરિયમ, ટેથર, ડોજેકોઇન જેવી કેટલીક કરન્સીઓ છે જે મોટાપાયે ચલણમાં અને ચર્ચામાં છે. રઘુરામ રાજનના મતે અત્યારે ભલે ગમે તેટલી ક્રિપ્ટો ચલણમાં હોય કે ચર્ચામાં આવેલી હોય પણ આગામી સમયમાં માત્ર એકાદ-બે કરન્સીઓ જ ચલણમાં રહેશે.

રાજને વધુમાં જણાવ્યું કે, થોડા વખત પહેલાં ચીટફંડ મોટાપાયે ચલણમાં આવ્યા હતા. અંદરખાને આજે પણ મોટા ચીટફંડ ચાલતા હોય છે પણ તેની વિગતો સામે આવતી નથી. લોકો મોટાપાયે ચીટફંડોમાં રોકાણ કરતા હોય છે અને એકાએક આ બધા ચીટફંડ ભાંગી જતા હોય છે, તૂટી જતા હોય છે અને રોકાણ કરાવનારા લોકો ભાગી જતા હોય છે.

ટૂંક સમયમાં ક્રિપ્ટોકરન્સીમાં પણ ચીટફંડ જેવી જ સમસ્યાઓ આકાર લેવા માંડશે. રોકાણકારો પણ આ મુદ્દે હાથ ઘસતા રહી જશે કે પછી વિરોધ પ્રદર્શનો કે ન્યાય માટેની રેલીઓ કાઢતા જોવા મળશે. આગામી સમયમાં ક્રિપ્ટો રાખનારો મોટો વર્ગ નુકસાનીથી પીડાવાનો છે. રાજને ક્રિપ્ટો ટ્રેડિંગ અંગે જણાવ્યું કે, આ માત્ર મૂર્ખામીનો સોદો છે. રાજનના મતે હાલમાં ઘણીબધી ક્રિપ્ટોકરન્સીઓનું અસ્તિત્વ એટલા માટે છે કે, મૂર્ખ લોકો તેને ખરીદવા માગે છે, મૂર્ખ લોકો તેને પ્રમોટ કરે છે અને લોકોને મૂર્ખ બનાવીને તેને વેચવામાં આવે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો