મેરા સુંદર સપના બીત ગયા...! - Sandesh
1.6M
1M
1.7M
APPS

મેરા સુંદર સપના બીત ગયા…!

 | 12:10 am IST
  • Share

સિને ફ્લેશબેક :- અક્ષરકુમાર વિદ્યાર્થી

ગીતા દત્તનો જન્મ ૧૯૩૦માં ફરીદપુર નગરમાં થયો હતો. એ સમયે એ ભારત દેશનું શહેર હતું, આજે બાંગ્લાદેશમાં છે. ગીતા દત્તની સંગીત અને ગાયકીની તાલીમ હનુમાન પ્રસાદ નામના સંગીત કમ્પોઝર પાસે થઈ હતી. આ કમ્પોઝરે જ ગીતાને ૧૯૪૬માં પહેલું ગીત પોતાના સંગીતવાળી ફિલ્મ ભક્ત પ્રહ્લાદમાં ગવડાવ્યું. એ ફિલ્મમાં ગીતાને પહેલું ફિલ્મી ગીત ગાવાનો સંતોષ મળ્યો, પરંતુ લોકપ્રિયતા કે ઓળખાણ મળ્યાં નહોતાં.

એક વર્ષ પછી ૧૯૪૭માં ફિલ્મીસ્તાનની ફિલ્મ દો ભાઈમાં એસ ડી બર્મને ગીતાને બોલાવી અને કહ્યું, દેખો બેટા, તુમ સે એક ગીત ગવાના ચાહતા હૂં. ઉસ મેં મુઝે ગઝલવાલી ગાયકી ચાહિયે, પર ગઝલ નહીં ચાહિયે. પછી સચીનદેવ બર્મને પોતે એ ગીત ગાઈને બતાવ્યું. પછી પૂછયું, મુઝે તો વિશ્વાસ હૈ કિ તુમ ગા લોગી! તુમ્હેં કોઈ શક હૈ?

ગીતાએ કહ્યું, આપ કો ઈતના ભરોસા હૈ તો ઝરૂર ગા લૂંગી! અને એણે ગીત ગાયું, મેરા સુંદર સપના બીત ગયા… મૈં પ્યાર મેં સબકુછ હાર ગઈ બેદર્દ ઝમાના જીત ગયા, મેરા સુંદર સપના બીત ગયા…! અમીરબાઈ કર્ણાટકી અથવા શમશાદ બેગમની યાદ અપાવી દે એવું આ ગીત સાંભળનાર દરેકના હૃદયમાં ઊતરી ગયું અને ગીતા દત્તનું નામ સિનેજગતમાં ટોચની હરોળમાં આવી ગયું. પછી તો ૧૯૫૦માં જોગન ફિલ્મનું બુલો સી. રાનીએ કમ્પોઝ કરેલું, ઘૂંઘટ કે પટ ખોલ રે… અને ૧૯૫૩માં અનારકલીનાં ગીત પણ લોકપ્રિય બન્યાં. ૧૯૫૧માં ગીતાએ ગુરુદત્તની ફિલ્મ બાઝીમાં તદબીર સે બિગડી હૂઈ તકદીર બના લે… ગીત ગાયું અને અનોખી સ્ટાઈલના કારણે સુપરસ્ટાર ગાયિકા બની ગઈ. પછી તો ગુરુદત્તની મિસ્ટર એન્ડ મિસીઝ ૫૫, પ્યાસા, કાગઝ કે ફૂલ, સાહિબ બીબી ઔર ગુલામ જેવી ફિલ્મોમાં યાદગાર ગીતો આપ્યાં. ગુરુદત્ત સાથે પ્રેમમાં પડી અને લગ્ન પણ કરી લીધાં!

આજ સજન મોહેં અંગ લગા લો…, જાને ક્યા તુને કહી, જાને ક્યા મૈંને સુની…, હમ આપ કી આંખોં મેં, ઈસ દિલ કો બસા લેં તો…, વક્ત ને કિયા ક્યા હસીં સિતમ… બાબુજી ધીરે ચલના…, અય દિલ હૈ મુશ્કિલ…, મેરા નામ ચિન ચીન ચુ…જેવાં અમર યાદગાર ગીતો આપ્યા પછી ગીતા દત્તને ગુરુદત્ત સાથે અણબનાવ થયો. વાત એ હદે વણસી કે ગીતા દત્ત આલ્કોહોલના રવાડે ચઢી ગઈ. એને કારણે લિવર બગડયું. દારૂ છૂટયો નહીં અને દર્દ ચેન લેવા નહોતું દેતું. ત્યારે ઊંઘની ગોળીઓની ટેવ પડી. એક રાત્રે વધુ પડતા આલ્કોહોલ અને ઊંઘની ગોળીઓના કારણે ગીતા એવી ઊંઘમાં સરી પડી કે ફરી કદી ઊઠી ન શકી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન