બોલિવૂડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધનના સમાચારથી તેમના ચાહકો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકની લાગણી ફેલાઈ છે. લગભગ 5 દાયકાની કારકિર્દીમાં નાના પાટેકરે આશરે 90 ફિલ્મોમાં કામ કર્યું હતું અને પોતાના દમદાર અભિનયથી અલગ ઓળખ બનાવી હતી.
2026માં પણ નાના પાટેકર અનેક પ્રોજેક્ટ્સમાં જોવા મળ્યા હતા. હવે તેમના નિધન બાદ તેમની છેલ્લી ફિલ્મને લઈને ચર્ચા શરૂ થઈ છે. ચાહકો માટે નાના પાટેકરને છેલ્લી વખત પડદા પર અભિનય કરતા જોવા એ ખૂબ જ ભાવુક ક્ષણ બની શકે છે.
‘શક્તિ શાલિની’ હશે નાના પાટેકરની છેલ્લી ફિલ્મ
નાના પાટેકરની છેલ્લી ફિલ્મ ‘શક્તિ શાલિની’ હોઈ શકે છે. તેમને છેલ્લી વખત પડદા પર જોવા મળવું તેમના ચાહકો માટે ચોક્કસપણે ભાવુક ક્ષણ હશે.
આ ફિલ્મ મેડૉક ફિલ્મ્સના હોરર-કોમેડી યુનિવર્સનો ભાગ છે અને તેનું દિગ્દર્શન આદિત્ય સરપોતદારે કર્યું છે. ફિલ્મમાં નાના પાટેકર ઉપરાંત અનીત પડ્ડા અને વિશાલ જેઠવા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
‘શક્તિ શાલિની’ ક્યારે રિલીઝ થશે?
‘શક્તિ શાલિની’નું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે અને નાના પાટેકરે પણ પોતાના ભાગનું શૂટિંગ પહેલેથી જ પૂર્ણ કરી લીધું હતું. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની હતી, પરંતુ નિર્માતાઓએ તેની રિલીઝ મુલતવી રાખી છે.
એક અહેવાલ મુજબ, ફિલ્મ હવે જાન્યુઆરી 2027માં થિયેટરમાં રિલીઝ થઈ શકે છે. જોકે, નિર્માતાઓએ હજુ સુધી ફિલ્મની રિલીઝ તારીખની સત્તાવાર જાહેરાત કરી નથી.
‘શક્તિ શાલિની’ના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર થયા ભાવુક
નાના પાટેકરના નિધનથી ‘શક્તિ શાલિની’ના દિગ્દર્શક આદિત્ય સરપોતદાર પણ આઘાતમાં છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર નાના પાટેકરની એક તસવીર શેર કરી હતી, જેમાં તેઓ ઝૂલા પર બેઠેલા જોવા મળે છે.
તસવીર સાથે તેમણે લખ્યું હતું, “મને તેમની એ તસવીર યાદ છે, જે મેં પુણેમાં આવેલા તેમના ફાર્મહાઉસ પર લીધી હતી. તેમણે પોતે જ ઝાડ પર ઝૂલો બાંધ્યો હતો અને સંપૂર્ણપણે નિશ્ચિંત થઈને એ ક્ષણનો આનંદ માણી રહ્યા હતા. હું તેમને આ જ રૂપમાં યાદ રાખવા માંગુ છું- જીવંત ઉત્સાહ, જિજ્ઞાસા અને બાળકો જેવી અદ્ભુત ભાવનાથી ભરપૂર. નાના કાકા, તમારી આત્માને શાંતિ મળે.”
https://www.instagram.com/p/DeOGwuuMJpE/?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==
'ઇઠા' માં પણ જોવા મળશે નાના
લક્ષ્મણ ઉટેકરે દિગ્દર્શિત કરેલી ‘છાવા’ બાદ હવે તેઓ ‘ઈથા’ લઈને આવી રહ્યા છે. આ ફિલ્મ જાણીતી મરાઠી તમાશા અને લાવણી કલાકાર વિઠાબાઈ નારાયણગાંવકરના જીવનથી પ્રેરિત બાયોગ્રાફિકલ ડ્રામા છે.
ફિલ્મમાં શ્રદ્ધા કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે રણદીપ હૂડા, અનંત જોશી અને નાના પાટેકર પણ મહત્વની ભૂમિકામાં છે.
‘ધ કન્ફેશન ઑફ મેરી’
નાના પાટેકરની ફિલ્મ ‘ધ કન્ફેશન ઑફ મેરી’નું પ્રીમિયર ટોરન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થવાનું છે.
નેશનલ એવોર્ડ વિજેતા ફિલ્મમેકર અનંત નારાયણ મહાદેવને દિગ્દર્શિત કરેલી આ ફિલ્મ 1966માં થયેલી મરિયાકુટ્ટીની હત્યાની ઘટના પર આધારિત છે. મરિયાકુટ્ટી કેથોલિક મહિલા હતી. તેના મૃત્યુ બાદ એક પાદરી પર હત્યાનો આરોપ લાગ્યો હતો અને તેને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, બાદમાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો અને મુક્ત કરવામાં આવ્યો હતો.
ફિલ્મમાં નાના પાટેકર ઉપરાંત આદિલ હુસૈન, આશિષ વિદ્યાર્થી, ગૌતમ રોડે, જોય સેંગુપ્તા, નેહા મહાજન, પંખુરી અવસ્થી અને મીનાક્ષી માર્ટિન્સ પણ જોવા મળશે.
‘કુકુ કી કુંડળી’
શરણ શર્મા દિગ્દર્શિત ‘કુકુ કી કુંડળી’માં નાના પાટેકર સાથે ભુવન બામ અને વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં છે.