રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ અન્વયે તાલીમ અને શિક્ષક ભરતીની નવી ફોર્મ્યુલા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ અન્વયે તાલીમ અને શિક્ષક ભરતીની નવી ફોર્મ્યુલા

રાષ્ટ્રીય શિક્ષણનીતિ-૨૦૨૦ અન્વયે તાલીમ અને શિક્ષક ભરતીની નવી ફોર્મ્યુલા

 | 1:31 am IST
  • Share

અધ્યાપનના તીરેથી :- પ્રા. મહેન્દ્રજે. પરમાર

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચ.માધ્યમિક શાળાઓમાં સંપૂર્ણ પારર્દિશતાથી પ્રથમવાર ઓનલાઇન શિક્ષણ સહાયકોની ભરતી, ૨૦૨૦-૨૧ના વર્ષની નોંધપાત્ર ઘટના છે. રાજ્યમાં કેટલીક ગ્રાન્ટેડ સ્કૂલોમાં નવનિયુક્ત શિક્ષકો પાસેથી ડોનેશનના નામે ખૂબ મોટી રકમો માગવાની ફરિયાદો ઊઠતાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ૭ જૂને શિક્ષકો હાજર થાય તે પહેલાં જ સંબંધિત સ્કૂલોમાં ૩ વર્ષ સુધી શિક્ષકની ભરતી નહીં કરવા અને સંસ્થાઓએ સ્વખર્ચે શિક્ષકોની વ્યવસ્થા કરવાના લીધેલ મહત્ત્વપૂર્ણ નિર્ણયની ચોમેર પ્રશંસા થઈ રહી છે. તેની સાથે લઘુમતી સંસ્થાઓને પણ કેન્દ્રીય ભરતીમાં આવરી લેવાનો નિર્ણય પણ ક્રાંતિકારી છે જ.

સને ૨૦૨૧-૨૨ શૈક્ષણિક વર્ષના પ્રથમસત્રનો પ્રારંભ ૭ જૂનથી થયો છે. આજ દિવસે ગ્રાન્ટેડ ઉચ્ચ. માધ્યમિક શાળાઓમાં ૨,૯૩૮માંથી ૨,૭૫૨ વિષયશિક્ષકો હાજર થયાનો અંદાજ છે. પ્રથમ તબક્કામાં સરકારી માધ્યમિક શાળાઓમાં ૧,૩૭૮ અને ઉચ્ચ.મા.શાળાઓમાં ૬૧૭ મળી કુલ ૨,૩૦૭ વિષયશિક્ષકોની ભરતી ડિસેમ્બર જાન્યુઆરીમાં થઈ હતી. ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં ૨,૩૦૭ જગ્યાઓ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. પ્રથમવાર રાજ્યનો એક આખો માધ્યમિક અને ઉચ્ચ. માધ્યમિક વિભાગ વિષય શિક્ષકોથી સંપૂર્ણ સજ્જ હશે. ઓનલાઇન ભરતીની સામે ઓનલાઇન શિક્ષણ પણ ઉત્તમ રીતે બાળકોને મજા પડે તે રીતે આપવાની પ્રત્યેક શિક્ષણ સહાયકની વ્યવસાયિક ફરજ સાથે નૈતિક ફરજ પણ બને છે.

દેશની નવી શિક્ષણ નીતિ ૨૦૨૦માં ઉત્કૃષ્ટ શિક્ષકો ઊભા કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તા ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩ના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે યોજાયેલ શિક્ષક-પ્રશિક્ષણ નવચિંતન શિબિરમાં ૧૦થી ૧૫ લાખ ઉત્તમ શિક્ષકોનું નિર્માણ કરીને વિદેશમાં તેની નિકાસ કરવાનું આહ્વાન કર્યું હતું. પરંતુ રાજ્ય કે રાષ્ટ્ર પાસે ઉત્તમ શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓનો ખૂબ મોટો અભાવ છે. રાજ્યના પૂર્વ નાણાપ્રધાન સ્વ. સનત મહેતાએ નોંધ્યું છે કે,’સારી શિક્ષણ વ્યવસ્થા દેશની પ્રગતિ, વિકાસ તેમજ લોકતંત્રની સફળતા માટે ખૂબ જરૂરી છે. પરમાણુ બોમ્બ, મિસાઇલ, અણુ વીજમથકો, રાષ્ટ્રમંડળ ખેલ મહોત્સવ કે મંગળ પર યાન મોકલવા કરતાં શિક્ષણ વધુ જરૂરી છે.’

દરેક યુનિવર્સિટી સાથે શિક્ષણની વિદ્યાશાખા જોડાયેલી છે. જે શિક્ષણ વિશારદો (બી.એડ્.) શિક્ષણ પારંગત (એમ.એડ્.) અને વિદ્યા વાચસ્પતિ (પી.એચ.ડી.) તૈયાર કરે છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ માટેની સ્વતંત્ર શિક્ષક-પ્રશિક્ષણ સંસ્થાઓ નથી. બી.એડ્. એન એમ.એડ્.ના અભ્યાસક્રમો મોટાભાગે માધ્યમિક, ઉચ્ચ.માધ્યમિક શાળાઓ માટેના હોય છે. આ શાળાઓના શિક્ષકો તૈયાર કરતી બી.એડ્. કોલેજમાંથી બી.એડ્. થયેલા શિક્ષકો પ્રાથમિક શિક્ષક તાલીમી કોલેજોમાં નિમણૂક પામે છે. તાલીમ મેળવે છે માધ્યમિક શિક્ષણની અને ક્ષેત્ર છે પ્રાથમિક શિક્ષણનું. આ છે ખૂબ મોટો વિરોધાભાસ ! સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં અને પછી પણ દેશમાં પ્રાથમિક શિક્ષકો તૈયાર કરનાર પ્રાથમિક શિક્ષક તાલીમી કોલેજોના અધ્યાપકો માટેની સ્વતંત્ર બી.એડ્. કોલેજોનો પ્રારંભ કરવાની દિશામાં રાષ્ટ્રનું ધ્યાન ખેંચાયું નથી.

શાળાકીય માળખું ૨૦૨૦ : આ પરિપ્રેક્ષ્યમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ એ શિક્ષક-પ્રશિક્ષણ ક્ષેત્રે અનેક નવી આશાઓ જન્માવી છે. ૩થી ૧૮ વર્ષની ઉમંરને ધ્યાનમાં લઈ હાલના ૧૦ + ૨ ના શાળાકીય શિક્ષણ માળખામાં બદલાવ લાવી નવું ૫ + ૩ + ૩ + ૪નું માળખું રચવામાં આવ્યું છે. હાલ ૩થી ૬ વર્ષના બાળકોનો ૧૦ + ૨ ના માળખામાં સમાવેશ થતો નથી. કારણ કે ધોરણ ૧નો પ્રારંભ ૬ વર્ષની ઉંમરે થાય છે. નવા ૫ + ૩ + ૩ + ૪ ના માળખામાં પ્રારંભિક બાળ સંભાળ અને શિક્ષણનો મજબૂત પાયો ૩ વર્ષની ઉંમરથી જ સામેલ કરાયો છે. જેનું ધ્યેય વધુ સારું શિક્ષણ, વિકાસ અને સુખાકારી છે.

શિક્ષણ માળખું : ૪ તબક્કામાં પૂર્વ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ.માધ્યમિક સુધીનું શિક્ષણ માળખું રચવામાં આવ્યું છે.  

(૧) પાયાનું શિક્ષણ : કુલ પાંચ વર્ષના પાયાના શિક્ષણમાં ૩થી ૬ વયજૂથના બાળકો માટે પૂર્વશાળા શિક્ષણ બે વર્ષ (આંગણવાડી, બાલવાટિકા, બાલમંદિર) અને ૬થી ૮ વય જૂથના બાળકો માટે ધો. ૧ અને ધો. ૨નું શિક્ષણ. (૨) પ્રારંભિક શિક્ષણ : ૩ વર્ષના સમયગાળામાં ૮થી ૧૧ વયના બાળકો માટે ધો. ૩થી ૫ નું શિક્ષણ. (૩) ઉચ્ચ. પ્રાથમિક શિક્ષણ : ૩ વર્ષના સમયગાળામાં ૧૧થી ૧૪ વયજૂથના બાળકો માટે ધોરણ ૬થી ૮ સુધીનું શિક્ષણ. (૪) માધ્યમિક શિક્ષણ : ૧૪થી ૧૮ વયજૂથના વિદ્યાથીઓ માટે ધો. ૯, ૧૦, ૧૧, ૧૨ કુલ ચાર વર્ષ. શિક્ષકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત સામગ્રી તેમજ શિક્ષણશાસ્ત્રમાં તાલીમની જરૂરિયાતને ધ્યાનમાં લઈ વર્ષ ૨૦૩૦ સુધીમાં શિક્ષકોનું શિક્ષણ ધીમે ધીમે આંતર વિદ્યાકીય કોલેજો અને યુનિ.ઓમાં તબદીલ કરવામાં આવશે જેમ જેમ કોલેજો અને યુનિવર્સિટીઓ બાહ્યવિદ્યા શાખાકીય, બનવા તરફ આગળ વધશે. તેમ તેનો ઉદ્દેશ શિક્ષણમાં B.Ed., M.Ed., અને P.hD. ની ડિગ્રી આપતા ઉત્કૃષ્ટ શિક્ષણ વિભાગોની સ્થાપનાનો છે.

શિક્ષક ભરતી : ૨૦૩૦ સુધીમાં ૪ વર્ષીય સંકલિત બી.એડ્.ની પદવી શાળાના શિક્ષકો માટે ન્યૂનત્તમ બની જશે. જેમાં શિક્ષણ સ્નાતક (બી.એડ્.)ની પદવીની સાથે ભાષા, ઇતિહાસ, સંગીત, ગણિત, કમ્પ્યૂટર જ્ઞાન, રસાયણશાસ્ત્ર, કલા, શારીરિક શિક્ષણ જેવા વિશિષ્ટ વિષયની પસંદગી જરૂરી ગણવામાં આવી છે. ૪ વર્ષના સંકલિત બી.એડ. સાથે સ્નાતકની પદવી ધરાવતા વિદ્યાર્થીઓ માટે ૧ વર્ષના બી.એડ્ની જોગવાઈ રાખવામાં આવી છે. હોશિયાર વિદ્યાર્થીઓ માટે ૪ વર્ષ, ૨ વર્ષ અને ૧ વર્ષના બી.એડ્. અભ્યાસક્રમ તરફ આકર્ષિત કરવા શિષ્યવૃત્તિની જોગવાઈ છે. ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ માટે એક ઉત્કૃષ્ટ ૪ વર્ષીય, એકીકૃત-સળંગ બી.એડ્. કાર્યક્રમ માટે મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ આપવામાં આવશે. સફળતાપૂર્વક બી.એડ્. કરનારને સ્થાનિક વિસ્તારોમાં નિશ્ચિત રોજગાર પણ સામેલ થશે. આ પ્રકારની શિષ્યવૃત્તિ સ્થાનિક વિદ્યાર્થીઓ માટે સ્થાનિક નોકરીઓની તક પૂરી પાડશે.

શિક્ષક યોગ્યતા પરીક્ષા (TET) :  વિષયવસ્તુ અને શિક્ષણશાસ્ત્રને ધ્યાનમાં લઈ આ કસોટી ખૂબ સારી રીતે વિકસાવવામાં આવશે. ડિગ્રી આધારિત માક્ર્સ ગણીને શિક્ષકોની પસંદગી થતી હતી તે હવે બંધ થશે. શાળા શિક્ષણના પાયાની અવસ્થા પ્રારંભિક, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક એમ તમામ તબક્કાઓને આવરી લઈ TET ના વિસ્તરણ પર ભાર મૂકવામાં આવ્યો છે. વિષયશિક્ષકોની ભરતી પ્રક્રિયામાં તેઓના સંબંધિત વિષયોમાં લેવાતી TET કે ગ્દ્છ પરીક્ષાને પણ ધ્યાનમાં લઈ તેના ગુણને પણ સામેલ કરવામાં આવનાર છે.

મૌખિક ઇન્ટરવ્યૂ : સાક્ષાત્કાર કે વર્ગખંડમાં નિર્દેશન કરવું તે શાળાઓ અને શાળા સંકુલોમાં શિક્ષક – ભરતી પ્રક્રિયાનું અભિન્ન અંગ બની જશે. સાક્ષાત્કારનો ઉપયોગ સ્થાનિક ભાષામાંના શિક્ષણમાં સહજતાનું અને કુશળતાનું મૂલ્યાંકન કરવા માટે પણ કરવામાં આવશે. ખાનગી શાળાના શિક્ષકો પણ TET, વર્ગખંડ નિદર્શન, સાક્ષાત્કાર અને સ્થાનિક ભાષાના જ્ઞાનની બાબતમાં સમાન લાયકાત લાગુ પડશે. ટૂંકમાં ઉમેદવારે ચાર પ્રકારની કસોટીમાંથી સફળતાપૂર્વક પસાર કરવાનું રહેશે. કલા, શારીરિક શિક્ષણ, વ્યાવસાયિક શિક્ષણ અને ભાષાઓ.

આકર્ષક પગાર : ફિક્સ પગાર આધારિત પ્રથાનો અંત આવશે. શિક્ષકોના પગાર ધોરણો ખૂબ ઊંચા હશે. જેથી વિદ્યાર્થીઓ IAS, IPS, ડોક્ટર કે એન્જિનિયર બનવા કરતાં શિક્ષકના વ્યવસાયમાં જોડાવાનું વધુ પસંદ કરશે. ગ્રામીણ શાળાઓ તરફ શિક્ષકો આકર્ષાય તે માટે ઉત્તમ આવાસો અને નિવાસ ભથ્થાંમાં વધારો કરવામાં આવનાર છે.

ગુરુમંત્ર : ગુણવત્તાપૂર્ણ શિક્ષણ થકી વિદ્યાર્થીઓ બ્રહ્માંડથી માંડીને રેતીના કણનો તાગ મેળવી લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન