ગાંધીનગર નજીક આવેલા અને માતાજીની આસ્થાના પ્રતિક સમા રૂપાલ વરદાયિની માતા મંદિરે દર વર્ષે નવરાત્રિના નોમના દિવસે પલ્લી મેળો ભરાય છે. જેમાં દર્શન કરવા માટે લાખો ભક્તો ઉમટી પડે છે. જાણો પલ્લીના મેળા અને તેના મહત્વ વિશે...
પલ્લીનો ઉત્સવ કોમી એકતાનુ પ્રતિક
દર વર્ષે આસો સુદ નોમના દિવસે ગાંધીનગરના રૂપાલ ગામમાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઉમટે છે. ગામના તમામ કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર ઉમંગથી માંના કામમાં લાગી જાય છે. બધા કોમના લોકો સાથે મળીને આ પલ્લીનો ઉત્સવ મનાવે છે. દેશભરમાં માતા વરદાયીનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. ધાર્મિક મહત્વની સાથે આ પલ્લી કોમી એકતાનુ પણ પ્રતિક છે.
રૂપાલની પલ્લી કોણ તૈયાર કરે?
પલ્લીની શરૂઆત વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ પલ્લી બનાવવા માટે ખીજડાનું લાકડું લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લીનું નિર્માણ કરે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા છાન્દે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પુરે છે. પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી માટીના ગરબામાં કોડીયા પ્રગટાવે છે. પલ્લીની આગળ ક્ષત્રિય સમાજના ચાવડા ભાઈઓ ખુલ્લી તલવારે ઉપસ્થિત રહે છે. પંચાલ સમાજના લોકો માતાજીના નિવેદ તૈયાર કરે છે જેમાં સવા મણનો ખીચડો તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ વાજતે ગાજતે પલ્લીની શરૂઆત થાય છે.
પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે
પલ્લી સમગ્ર યાત્રા દરમિયાન 27 ચકલાઓ આગળ ઉભી રાખવામાં આવે છે, જ્યાં લાખો ભક્તો ઘીનો અભિષેક કરે છે. સમગ્ર ગામમાં ફર્યા બાદ આરતી અને પૂજા અર્ચના બાદ પલ્લી પૂર્ણ થાય છે. આ પલ્લીના દર્શન માટે વિવિધ સ્થળોથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે.
માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક
ગાંધીનગર જિલ્લાના રૂપાલમાં આવેલું માતા વરદાયીનું મંદિર અંતિ પ્રાચીન અને અલૌકિક છે. કહેવાય છે કે, અહીં માતાજી સૃષ્ટીના નિર્માણ સમયથી જ બિરાજમાન છે. આદ્યશક્તિના નવ સ્વરૂપો પૈકી દ્વિતીય સ્વરૂપ બ્રહ્મચારીણી હંસાવાહીની સ્વરૂપે રૂપાલમાં માતા વરદાયીની બિરાજમાન છે.
(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.