
નવલા નોરતાનો આજથી આરંભ થયો છે. નવરાત્રિ તહેવારમાં માતા અંબાજીનું પૂજન કરવામાં આવશે. આજે અનેક ઘરોમાં શુભમૂહુર્તમાં ઘટસ્થાપન કરી ભક્તો ઉપવાસનો આરંભ કરશે. ત્યારે રાત્રિના સમયે વિવિધ સ્થાનો પર પારંપરિક ગરબાથી લઈને આધુનિક સ્ટાઈલના ગરબાની રમઝટ બોલાશે. નવરાત્રિમાં 9 દિવસ માતાના વિવિધ સ્વરૂપોને સમર્પિત છે. આ 9 દિવસ દેવીના આ વિવિઘ સ્વરૂપની પૂજા કરી ચોક્કસ રંગના પોશાક પહેરવાથી ચમત્કારિક પરિણામો મળે છે તેવી માન્યતા છે.

નવરાત્રિનો પ્રથમ દિવસ માતા શૈલપુત્રીને સમર્પિત છે. તેમને પર્વત રાજા હિમાલયની પુત્રી કહેવામાં આવે છે. પ્રથમ નોરતામાં સફેદ રંગનું મહત્વ છે જે શાંતિ અને સૌમ્યતાનું પ્રતિનિધત્વ કરે છે.

નવરાત્રિનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. માતા બ્રહ્મચારિણી તપસ્યા અને સંયમનું પ્રતિનિધિત્વ કરે છે. આ દિવસે કેસરી રંગના પોશાક પહેરાય છે. આ રંગ ઉર્જા, ઉત્સાહ અને ખુશીનું પ્રતિક છે.

નવરાત્રિમાં ત્રીજો દિવસ દેવી ચંદ્રઘંટાને સમર્પિત છે. આ દિવસે સ્થિરતા અને સંતુલનના પ્રતિક વાદળી રંગનું છે મહત્વ. આ રંગ એકાગ્રતા અને શાંતિનું પ્રતિનિધિત્વ કરે છે. આ રંગના પોશાકથી શાંતિ અને સુખાકારી મળે છે.

નવરાત્રિમાં ચોથો દિવસ દેવી કુષ્માંડાને સમર્પિત છે. બ્રહ્માંડનું સર્જન કરનાર દેવી છે માતા કુષ્માંડા. આ દિવસે લાલ રંગના પોશાક પહેરાય છે. લાલ રંગ શક્તિ, પ્રેમ, શૌર્ય અને જુસ્સો દર્શાવે છે.

નવરાત્રિમાં પાંચમા દિવસે દેવી સ્કંદમાતાની પૂજા કરવાનું માહાત્મય છે. આ દિવસે નારંગી રંગના પોશાક પહેરવાની પરંપરા છે. આ રંગ યુવાની, ઉર્જા અને ખુશી દર્શાવે છે.

નવરાત્રિમાં છઠ્ઠો દિવસ માતા કાત્યાયનીને સમર્પિત છે. તેમને હિંમત અને સ્વાસ્થ્યની દેવી માનવામાં આવે છે. આ દિવસ પીળો રંગના પોશાક પહેરાય છે. આ રંગ ઉત્સાહ, ખુશી, બુદ્ધિ અને સાહસિકતા દર્શાવે છે.

નવરાત્રિમાં સાતમો દિવસ કાલરાત્રિ દેવીને સમર્પિત છે. માતાનું સ્વરૂપ સ્વરૂપ ઉગ્ર છે જે દુષ્ટતાનો નાશ કરવા સક્ષમ છે. આ દિવસે લીલા રંગના પોશાક પહેરવાથી ભય દૂર થાય છે. આ રંગ દઢ મનોબળ, કૌશલ્ય અને શક્તિ દર્શાવે છે.

નવરાત્રિમાં આઠમો દિવસ મહાગૌરીને સમર્પિત છે. આ દિવસે મોરપીંછ રંગના પોશાક પહેરાય છે. મોરપીંછ રંગ આનંદ, ઉમંગ અને ઉત્સાહ દર્શાવે છે. આ દિવસે માતાનું પૂજન કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.

નવરાત્રિમાં નવમા દિવસે આ દિવસે દેવી સિદ્ધિદાત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. માતા સિદ્ધિદાત્રી પવિત્રતા અને કરુણાની દેવી માનવામાં આવે છે. આ દિવસે ગુલાબી રંગના પોશાક પહેરાય છે. આ રંગ પ્રેમ, સ્નેહ અને સંવાદિતાનું પ્રતીક મનાય છે.