Navratri 2021: Meet Mother in Law and Daughter in law jodi in gujarat
  • Home
  • Featured
  • અરે વાહ! ગુજરાતમાં આ સાસુ વહુની જોડી મચાવી રહી છે ગરબામાં ધૂમ

અરે વાહ! ગુજરાતમાં આ સાસુ વહુની જોડી મચાવી રહી છે ગરબામાં ધૂમ

 | 4:18 pm IST
  • Share

  • સાસુ વહુની જોડી મચાવી રહી છે ગરબામાં ધૂમ

  • ગુજરાતી સાસુ-વહુના ગરબા માણો ખાસ અંદાજ સાથે

  • ગુજરાતના સાસુ વહુની કેટલીક જોડીની ખાસિયતો

નવરાત્રિ પૂરી થવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે અમે તમને ગુજરાતી કે જેના રગ રગમાં ગરબા વસેલા છે તેવા કેટલાક સાસુ વહુની જોડીની વાત કરી રહ્યા છીએ. સાસુ વહુની જોડીને આજકાલ અનેક અલગ રૂપમાં જોવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય એવા સાસુ વહુની જોડીની કલ્પના કરી હોય જે પ્રેમથી એકસાથે એક તાલે ગરબે ઘૂમતી હોય, એટલું નહીં એકસરખા આઉટફિટ હોય અને સાથે શોપિંગ કે પાર્લર જતી હોય. કદાચ નહીં. તો સંદેશ ડિજિટલ આજે તમને આવી ગુજરાતની કેટલીક ખાસ જોડીઓથી માહિતગાર કરાવશે જે તમારા રોમાંચમાં પણ વધારો કરશે.

નવરાત્રિમાં સાસુનો પુષ્કળ સપોર્ટ મળી રહે છેઃ હેતલબેન પારેખ

અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા હેતલબેન પારેખ કહે છે કે ભગવાનની દયાથી મને ખૂબ જ પ્રેમાળ અને સપોર્ટિવ સાસુ મળ્યા છે અને તેના કારણે હું સુખી છું. પરંતુ જો વાત નવરાત્રિની હોય તો પૂછવું જ શું. અમે વર્ષોથી શેરી ગરબા જ રમીએ છીએ અને સાથે જ રમીએ છીએ. છેલ્લા દિવસે તો અમે સવારે 6 વાગ્યા સુધી ગરબા રમીએ છીએ. તેઓ વધુમાં કહે છે કેમારા લગ્નને 22 વર્ષ થયા પણ મારા કરતા મારા સાસુને વધારે શોખ છે. જ્યારે ઢોલ વગે છે ત્યારે અમારા બંનેના પગ ઘરમાં કે રસોડામાં ટકતા નથી. અમે અમારું કામ પહેલા જ પતાવી લઈએ છીએ. હું ઓફિસથી આવું તે પહેલા મારા સાસુ રસોઈ પણ કરી લે છે જેથી ફટાફટ કામ પતાવીને ગરબા વધારે સમય રમી શકાય. તેમનો સપોર્ટ મારા શોખને પૂરો કરે છે. ઘણી વાર લોકો અમને છેલ્લે સુધી ગરબા રમતા જોઈને કહે પણ છે કે અરે વાહ, સાસુ વહુની જોડીએ તો રંગ રાખ્યો છે બોસ…હેતલબેન ટ્રેડિશનલ અને સાડી બંને પહેરીને ગરબા રમે છે તો તેમના સાસુ ઈલાબેન પારેખ સાડી પહેરીને મોજથી ગરબે ઘૂમે છે. ઈલાબેનના પતિને ગરબાનો શોખ ન હોવાથી તેઓ તેમના શોખને પૂરો કરવા માટે રૂટિનમા સેટ થઈ જાય છે.

અમારા ઘરમાં નવરાત્રિ 9 દિવસ નહીં પણ મહિના સુધી રહે છેઃ દક્ષાબેન સોલંકી

ગુજરાતના આણંદમાં રહેતા સાસુ વહુની જોડી પણ ખાસ છે. સાસુ દક્ષાબેન સોલંકી અને વહુ વૈષ્ણવી સોલંકી હંમેશા સાથે જ ગરબા રમે છે. વાત એમ છે કે આ બંને સાસુ વહુને ગરબાનો ખૂબ જ શોખ છે. તેઓ હંમેશા નવરાત્રિના નવ દિવસની તૈયારીઓ પહેલાથી કરતા રહે છે. આ માટે 15 દિવસ પહેલાથી શોપિંગ ચાલુ કરી દે છે અને સાથે જ તમામ પ્રકારની જ્વેલરી અને બ્યૂટી ટ્રીટમેન્ટની પણ પહેલાથી તૈયારી કરી લેતા હોય છે. હસતા હસતા તેઓ કહે છે કે અમારા ઘરમાં નવરાત્રિ 9 દિવસ નહીં પણ મહિના સુધી રહે છે. સાસુ દક્ષાબેન કહે છે કે હું સાદા ગરબા પણ રમું છું અને વૈષ્ણવીની સાથે સ્ટેપ્સ પણ શીખીને નવી સ્ટાઈલથી પણ રમું છું. મને ગરબાનો શોખ છે અને વહુને પણ ગરબા રમવાનો શોખ હોવાથી અમારી જોડી ખાસ બની છે. આ સિવાય પરિવારની વાત કરીએ તો અમારા બંનેના પતિના ગરબાનો શોખ નથી, પરંતુ આ દિવસોમાં અમને રમવા જવા માટે તેઓ અમારા સમયાનુસાર સેટ થઈ જાય છે. નવરાત્રિ કલેક્શનની વાત કરીએ તો અમારા બંનેની પાસે 9-10 જોડી જેટલા ચણિયાચોળીનું કલેક્શન છે. પરંતુ તો પણ અમે નવી સ્ટાઈલના ઓર્નામેન્ટ્સ અને દુપટ્ટા વગેરે લેવા જતા હોઈએ છીએ.

એક્ઝીબિશનમાંથી કરીએ છીએ નવરાત્રિનું શોપિંગઃ પિઆ કલવાની

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા વહુ પિઆ કલવાની અને સાસુ સુનીતા કલવાનીને પણ ગરબાનો ગજબનો શોખ છે. તેઓ હંમેશા સાથે જ ગરબા રમે છે. આ પરિવારની વાત કરીએ તો અહીં સાસુ અને વહુની સાથે પરિવારને પણ ગરબે ઘૂમવાનો શોખ છે. પિઆબેન કહે છે કે અમે દર વર્ષે પ્રેમથી ગરબા રમીએ છીએ. મારી અને મારા સાસુની જોડી અમારી સોસાયટીમાં જાણીતી છે. જો નવરાત્રિની તૈયારીઓની વાત કરીએ તો અમે એક્સેસરીઝ અને ચણિયાચોળીનું શોપિંગ જ્યારે કોઈ એક્ઝીબિશન યોજાય છે ત્યારે તેમાંથી કરીએ છીએ. આ કારણે તે થોડું વધારે કોસ્ટલી રહે છે. આ સિવાય દુપટ્ટાની વાત કરીએ તો તે અમે લો ગાર્ડનના ચણિયાચોળી માર્કેટથી કરીએ છીએ. અહીં અમે બાર્ગેનિંગ કરીને અનેક વેરાયટીમાંથી પસંદગી કરીએ છીએ. તેઓ વધુમાં કહે છે કે અમારી પાસે 8-9 જોડી ચણિયાચોળી છે અને 1 પેરની કિંમત આશરે 3000 રૂપિયાની આસપાસની રહે છે. ગરબાની વાત કરીએ તો અમે ખાસ કરીને સિમ્પલ ગરબા, ત્રણ તાળી અને રાસ ગરબા જ રમીએ છીએ. પણ અમે તેમાં પણ આનંદ શોધી લઈએ છીએ. 8 વાગતા જ ઘરના તમામ કામ પતાવીને અમે તૈયાર થવાનું શરૂ કરી દઈએ છીએ અને સાથે જ ગરબા પૂરા થાય ત્યાં સુધી અમે રમતા જ હોઈએ છીએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો