આજે એટલે કે 19 ઓક્ટોબર, 2026ના રોજ શારદીય નવરાત્રિનો નવમો અને છેલ્લો દિવસ છે. નવરાત્રિની નવમી તિથિને મહાનવમી તરીકે ઓળખવામાં આવે છે. આ પવિત્ર દિવસે માતા દુર્ગાના નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, માતા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી ભક્તોને સિદ્ધિઓ, સુખ-સમૃદ્ધિ અને આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. મહાનવમીના દિવસે માતાજીની પૂજા ઉપરાંત કન્યા પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. આ દિવસે નાની બાળકીઓને ભોજન કરાવીને તેમનું પૂજન કરવામાં આવે છે, જેને કન્યા પૂજન અથવા કંજક પૂજા કહેવામાં આવે છે.

માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ કેવું છે?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, માતા સિદ્ધિદાત્રી લાલ વસ્ત્રો ધારણ કરીને કમળના ફૂલ પર બિરાજમાન રહે છે. માતાજીને ચાર ભુજાઓ છે. તેમના જમણા હાથમાં કમળનું ફૂલ અને શંખ છે, જ્યારે ડાબા હાથમાં ગદા અને ચક્ર શોભે છે. માતા સિદ્ધિદાત્રીને અલૌકિક શક્તિઓ અને સિદ્ધિઓ પ્રદાન કરનાર દેવી માનવામાં આવે છે.

‘સિદ્ધિ’નો અર્થ અલૌકિક શક્તિ અને ‘દાત્રી’નો અર્થ આપનાર થાય છે. માર્કંડેય પુરાણ અનુસાર, અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ એમ આઠ સિદ્ધિઓ છે. માન્યતા છે કે માતા સિદ્ધિદાત્રીની ભક્તિ કરવાથી તેમની કૃપા પ્રાપ્ત થાય છે.

માતા સિદ્ધિદાત્રીની પૌરાણિક કથા

પૌરાણિક માન્યતાઓ અનુસાર, સૃષ્ટિના આરંભમાં ચારે તરફ અંધકાર હતો અને સર્જનકાર્ય શરૂ થયું ન હતું. તે સમયે ભગવાન શિવે શક્તિના સર્વોચ્ચ સ્વરૂપ આદ્યશક્તિની કઠોર તપસ્યા કરી હતી. ભગવાન શિવની તપસ્યાથી પ્રસન્ન થઈને આદ્યશક્તિ પ્રગટ થયાં હતાં. તેમનાં દિવ્ય સ્વરૂપોમાં માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ પણ સામેલ હોવાનું માનવામાં આવે છે.

માતા સિદ્ધિદાત્રીની કૃપાથી ભગવાન શિવને આઠેય સિદ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. એવું પણ માનવામાં આવે છે કે માતાજીની શક્તિથી ભગવાન શિવના શરીરનો અડધો ભાગ દેવીના સ્વરૂપમાં પરિવર્તિત થયો હતો. ત્યારથી ભગવાન શિવ અર્ધનારીશ્વર તરીકે ઓળખાવા લાગ્યા.

અર્ધનારીશ્વર સ્વરૂપ શિવ અને શક્તિની એકતાનું પ્રતીક છે. આ સ્વરૂપ દર્શાવે છે કે શિવ અને શક્તિ એકબીજાના પૂરક છે અને સૃષ્ટિનું સંચાલન બંનેની સંયુક્ત શક્તિથી થાય છે.

માતા સિદ્ધિદાત્રીનો પ્રિય ભોગ, ફૂલ અને શુભ રંગ

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીને કાળા ચણા, પૂરી, ખીર અને હલવાનો પ્રસાદ ધરાવવાની પરંપરા છે. ત્યારબાદ આ પ્રસાદ કન્યાઓને ભોજનમાં પીરસવામાં આવે છે. માતાજીને ચંપા, કમળ અથવા જાસૂદનાં ફૂલ અર્પણ કરવાં શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, માતા સિદ્ધિદાત્રીની પૂજામાં ગુલાબી રંગનું વિશેષ મહત્ત્વ છે. ગુલાબી રંગ પ્રેમ, સૌમ્યતા અને નારીત્વનું પ્રતીક માનવામાં આવે છે.

મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા, કન્યા પૂજન અને દાન-પુણ્ય કરીને ભક્તો નવરાત્રિની સાધનાનું સમાપન કરે છે. એવી માન્યતા છે કે સાચા મનથી માતાજીની આરાધના કરવાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે.

આ પણ વાંચો : Navratri 2026: અષ્ટમી-નવમીના દિવસે કરો આ ઉપાયો, સુખ-સમૃદ્ધિ અને પારિવારિક શાંતિ માટે જાણો ખાસ મંત્રો

(Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય માહિતી પર આધારિત છે. (sandesh news) સંદેશ ન્યૂઝ આની પુષ્ટિ કરતું નથી.)