આઝાદી પછીનું પત્રકારત્વ : મિશનનાં મૂલ્યોનું ધોવાણ ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • આઝાદી પછીનું પત્રકારત્વ : મિશનનાં મૂલ્યોનું ધોવાણ !

આઝાદી પછીનું પત્રકારત્વ : મિશનનાં મૂલ્યોનું ધોવાણ !

 | 4:26 am IST
  • Share

સાંપ્રત : મનોજ ગાંધી

ફિલ્મ હોય કે પત્રકારત્વ, બંનેમાં સમાજની છબી જ ઝીલાતી હોય છે. નેતા, અભિનેતા કે પત્રકારો, બધાં જ સમાજમાંથી જ પેદા થતા હોય છે તેથી જ રાજકારણ, ફિલ્મ કે પત્રકારત્વમાં સમાજમાં જોવા મળતી સારપ કે બુરાઈ પણ દેખા દેતી જ હોય છે. હા, આઝાદી મળી તે પહેલાંના પત્રકારત્વમાં એક મિશનની ભાવના હતી જે બદલાતા સમય સાથે પત્રકારજગતમાં આવેલા વ્યવસાયીકરણને પગલે ધોવાઈ ગઈ છે, જેનો ઈન્કાર કોઈ કરી શકે એમ નથી. છતાં સાવ હાથ ધોઈ નાંખવા જેવા પણ નથી. હજુ ક્યારેક આશાના કેટલાક દ્વીપનો મહાસાગરમાં ઉદય થતો જોવા મળે છે, તેની પ્રતીતિ નૈતિકતા મરી પરવારી નથી એવી ગવાહી પૂરે છે.

પત્રકારત્વને પણ ત્રણ ભાગમાં વહેંચી શકાય એમ છે : પહેલું આઝાદીની લડત દરમિયાનનું, બીજું આઝાદી પછીનું અને ત્રીજું ઉદારીકરણ બાદ ટેક્નોલોજીમાં આવેલા ઉછાળા દરમિયાનનું પત્રકારત્વ. આઝાદીની લડત ચાલતી હતી ત્યારે તો ગાંધીજીના એકી બોલે લોકો એક થઈ જતા હતા અને લડતમાં પત્રકારો પણ એ જ સૂર આલાપતા હતા અને એ વખતે ગાંધીજીની કડપને પગલે નૈતિક મૂલ્યોનું સંવર્ધન સમાજમાં પણ વધુ હતું. જેને પરિણામે પત્રકારો અને પત્રકારત્વમાં પણ અંગ્રેજ શાસન સામે પ્રજાનો રોષનો પડઘો પાડવામાં બધા જ મંડી પડયા હતા. આઝાદીનું ધ્યેય પાર પડયું અને થોડા જ સમયમાં ગાંધીજીની હત્યા થઈ હતી. તેને પગલે સમાજમાં જે મૂલ્યોનું સિંચન કરવાની જરૂર હતી એ થઈ ન શક્યું પરંતુ આઝાદીનો લાભ લણી શકાય એ માટેની હોડ શરૂ થઈ હતી. સરકારમાં પણ નેતાઓ અંગત લાભો લેવાની લાલચમાં ખેંચાઈ રહ્યા હતા અને તેની સામે ધીરે ધીરે ઢાંકપિછોડો શરૂ થયો અને હવે તો છાપરે ચઢીને કૌભાંડ પોકારે છે છતાં ગેંડા જેવી ચામડીના થઈ ગયેલા નેતાઓને કૌઈ નૈતિક મૂલ્યોની અસર ઔથતી નથી.

સ્વભાવિક છે કે આઝાદી પછી સમાજ ઘડતરમાં જે જરૂરી હતું એ ખાતર-પાણી આપી શકાયું નથી અને તેને કારણે એક સમયે જે સમાજમાં નૈતિક મૂલ્યો દેખાતાં  હતાં, અનુભવાતા હતાં તે ધીરે ધીરે લુપ્ત થઈ ગયાં છે. સમાજમાંથી એટલે કે આપણા બધાંમાંથી જ પત્રકારો પણ પેદા થાય છે, તેથી સમાજમાં જે અસર જોવા મળતી હોય છે તે અસર પત્રકારમાં પણ જોવા મળતી હોય છે. પત્રકારોની ફરજ છે કે તે કાન પકડીને નેતા કે સમાજની ભૂલ દેખાડે અને એ જ તો અખબારી ધર્મ છે. પરંતુ જ્યાં આભ ફાટે ત્યાં થીંગડું દેવું ક્યાં ? છેલ્લા વર્ષોમાં થયેલા કોલસા કૌભાંડ હોય કે સ્પેક્ટ્ર્રમ કૌભાંડ, રાજકારણીઓની એ મેલી મથરાવટી બહાર પાડવાનું કામ પત્રકારોએ જ કર્યું છે. દિલ્હીમાં કોઈ પણ સરકાર હોય તેને જાગતી રાખવાનું કામ મહદઅંશે એક અંગ્રેજી અખબાર જૂથે કર્યું છે. બોફોર્સ કૌભાંડ બહાર લાવવાનું કામ સ્વીડનસ્થિત ભારતીય પત્રકારે કર્યું હતું. આપણે ત્યાં તપાસ રાજકારણીઓના ઈશારે જ થતી હોય છે અને તેને કારણે બોફોર્સકાંડની તપાસ પાછળ પ્રજાના પરસેવાના કરોડો રૂપિયા ખર્ચાયા. વર્ષો સુધી તપાસ થતી રહી અને આખરે એકપણ કસૂરવાર પકડાયો નહીં! અખબારો ચીસ પાડતા રહ્યા. પત્રકારો પોતાનો ધરમ બજાવતા રહ્યા પણ નફ્ફટ રાજકારણીઓએ કૌભાંડને છાવરી લેવા માટે તનતોડ મહેનત કરી અને એમાં ફાવી પણ ગયા. ધાર્યું પરિણામ લાવી ને!

બોફોર્સ જ શું કામ, કેટલાય કૌભાંડો પત્રકારો જ બહાર લાવ્યા હતા. હા, અમેરિકાની વાત કરીએ તો વોટરગેટ કૌભાંડ પણ પત્રકારે જ બહાર પાડયું હતું. જોકે, એ હેવાલ સાથે જ અમેરિકાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો અને નિકસને રાજીનામું દેવું પડયું હતું. લંડનના બહુ જ જાણીતા ન્યૂઝ ઓફ ધ વર્લ્ડ નામના અખબારના પત્રકારોએ લગભગ એકાદ દાયકા સુધી બ્રિટનના રાજકારણીઓ, સેલિબ્રિટી અને રાજવી પરિવારના ટેલિફોન હેક કર્યા હોવાનું કૌભાંડ ત્યાંનું અગ્રણી અખબાર ‘ર્ગાિડયન’ બહાર લાવ્યું હતું. કોઈના ફોન હેક કરવા એ પત્રકારો માટે અનૈતિક કામ ગણાય અને એ આખી વાત ર્ગાિડયને બહાર પાડતાં મીડિયા મુઘલ ગણાતા રૂપર્ટ મર્ડોકે એ આખું અખબાર જ બંધ કરી દેવું પડયું હતું.

પત્રકારો અને અખબાર તો સમાજસેવાનું ઉત્તમ સાધન બની શકે છે. ૨૦૦૧માં ભીષણ ભૂકંપ આવ્યો હતો, એ વેળાની વાત કરીએ તો ભૂજના પરેશ કપાટે નામના ફોટોગ્રાફરે ઉમદા ઉદાહરણ બહાર પાડયું હતું. એ વખતે પરેશ કોઈ શુભ પ્રસંગની ફોટો અને વીડિયોગ્રાફી કરતા હતા એ જ ટાણે ધરતી ધ્રુજી હતી. પરેશે તરત જ પોતાના વીડિયોને ઓન કરી દઈને ભૂકંપના લાઈવ દૃશ્યો ઉતારી દીધા હતા. એ પછી તો કચ્છના એ ભીષણ ભૂકંપની કરુણાંતિકાને કવર કરવા માટે દેશ-વિદેશના પત્રકારો આવ્યા હતા. એમાંથી કોઈક વિદેશી પત્રકારને મદદની જરૂર હોય તો પોતે તૈયાર હોવાનું પરેશે પોલીસને કહી રાખ્યું હતું. એક વિદેશી પત્રકારને જરૂર હતી અને પરેશે પોતાના લાઈવ ફૂટેજ પેલા વિદેશી પત્રકારને આપ્યા, તે તો રાજીનો રેડ થઈ ગયો હતો. વિદેશી માધ્યમો આવા કોન્ટ્રીબ્યુટ માટે નાણાંની કોથળી ખુલ્લી રાખે છે. ગોરા પત્રકારે ફૂટેજ જોઈને તરત જ પોતાના ગજવામાં હાથ નાંખીને થોકડી પરેશના ગજવામાં નાંખી દીધી. આમાં જરાય કૌભાંડ ન હતું. વીડિયો ફૂટેજની પરેશને કિંમત ચૂકવાઈ હતી. પરેશને ફૂટેજ આપ્યા ત્યારે નાણાં મળશે એવી પણ કોઈ ખેવના ન હોય, પણ વિદેશીની સજ્જતાએ તેનું ગજવું ભરી દીધું હતું. ઘરે જઈને જોયું તો એક બે નહીં પૂરા દસ લાખ રૂપિયા હતા! પરંતુ એ નાણા જોઈને પરેશનાં પત્નીએ તરત જ “મડદા પરના પૈસા ન જોઈએ” એવું ફરમાન કાઢયું. હવે પૈસાનું કરવું શું? પોતાના ઘરવપરાશમાં તો એ વાપરવાની ધર્મપત્નીએ ના પાડી હતી, તો બીજી બાજુ પેલા ગોરાને શોધવો ક્યાં? આખરે એ દસ લાખનું એક ટ્રસ્ટ બનાવીને અસરગ્રસ્તોને મદદ કરવાની માનવતા એ દંપતીએ દેખાડી હતી. આ તો બહુ મોટી માનવતા છે. ગરીબ પ્રજાને સરકારની યોજનાના નાણા મળતાં ન હોય એવી તમામ માહિતીને અખબારના પાને ચમકાવીને અખબારી ધર્મ પાળવામાં મોટું યોગદાન પત્રકાર જ આપે છે.

એવા અહેવાલોને પગલે કેટલીયે સમસ્યાઓ ઉકેલાઈ જતી હોય છે. આપનું માનીતું સંદેશ પણ કેટલીય વખત અખબારી ધર્મ નિભાવી ચૂક્યું છે. આઝાદી પછીના પત્રકારત્વની વાત કરીએ તો કટોકટીને યાદ કર્યા વિના ન ચાલે. કટોકટીએ લોકશાહીના આત્મા એવી અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વાણીસ્વાતંત્ર્યનું ગળું ઘોંટી દેવાયું હતું, એ વખતે ગુજરાતના પત્રકારત્વમાં સંદેશે પોતાના અગ્રલેખ કોરો મૂકી દીધો હતો. બીજે જ દિવસે સંદેશના તંત્રી ચીમનભાઈ પટેલે અગ્રલેખમાં માત્ર “સબ કો સન્મતિ દે ભગવાન” લખીને કટોકટીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો.

આજકાલ ઘણી વખત પીળા પત્રકારત્વનો ઉલ્લેખ થતો જોવા મળે છે. અખબાર ચલાવવું એ હવે એક ઉદ્યોગ થઈ પડયો છે અને એ કામ પણ ખર્ચાળ છે તેમ છતાં કમીટેડ જર્નાલિઝમના કોન્સેપ્ટથી કોઈપણ ઘટનાનું વાસ્તવિક ચિત્રણ કરવાને બદલે વ્યક્તિ કે પાર્ટીની તરફેણે કે વિરોધમાં ચિત્ર ઉપસાવવાનું જર્નાલિઝમ પણ આજના યુગનું સત્ય છે. આજકાલ તો સેટેલાઈટ ન્યૂઝ ચેનલનું ચલણ વધી રહ્યું છે ત્યારે તટસ્થ પત્રકારત્વની વાતો કરવી પણ ગૂંચવાડાભરી કહી શકાય. જુઓને એક જ ઘટનાના જુદા જુદા પરિણામ જુદી જુદી ન્યૂઝ ચેનલોમાં જોવા મળે છે. એક ન્યૂઝ ચેનલમાં દરેક ઘટનામાં ભાજપ, બલ્કે મોદી તરફનો ઝોક હોય એવું લાગે, તો કોઈ બીજી ન્યૂઝ ચેનલમાં તમને કોંગ્રેસ તરફી વલણ હોય એવું લાગે, એ સ્થિતિમાં દર્શકો માટે ઘટનાનું સાચું રૂપ કર્યું એ ઓળખવું પણ અઘરું થઈ જાય એમ છે, ત્યારે તટસ્થ પત્રકારત્વ સામે પણ શંકા થયા વિના રહે ખરી ? પરંતુ જેમ સમાજમાં બધંુ જ સારું નથી તેમ બધંુ જ ખરાબ પણ નથી, એ સત્ય પત્રકારત્વ અને પત્રકારને પણ લાગુ પડે છે. એ જોતા આજે તો આઝાદી સમયનું પત્રકારત્વ એક મિશન હતું, એ સમયનાં મૂલ્યોનું ધોવાણ ઘણેક અંશે સમાજમાં થયું છે. પત્રકારત્વ પણ તેમાંથી બાકાત નથી, તેમ છતાં આજે પણ કેટલાય પત્રકારો ભેખધારી બનીને મિશનની ઉદાત ભાવના સાથે જીવતા હોય છે, એનો પણ ઈન્કાર થઈ શકે એમ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન