No lessons learnt from Kargil : Ex-Army chief General VP Malik
  • Home
  • Featured
  • કારગિલ યુદ્ધને લઈ પૂર્વ સેનાધ્યક્ષે જ કર્યો સનસની ખુલાસો, ભયંકર ષડયંત્રનો પર્દાફાશ

કારગિલ યુદ્ધને લઈ પૂર્વ સેનાધ્યક્ષે જ કર્યો સનસની ખુલાસો, ભયંકર ષડયંત્રનો પર્દાફાશ

 | 11:18 pm IST

કારગિલ યુદ્ધના 20 વર્ષ બાદ એને લગતાં નવા તથ્યો બહાર આવવાનો સિલસિલો જારી છે. કારગિલ યુદ્ધ વખતે ભારતને તાત્કાલિક ધોરણે દારૂગોળો અને શસ્ત્રો જોઈતાં હતાં, સેટેલાઇટની ઈમેજ જોઈતી હતી પણ એ સમયે હથિયારો અને ઈમેજ વેચનારા દેશોએ ભારતનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી હતી અને જૂનો દારૂગોળો અને શસ્ત્રો આપ્યાં હતાં એવો સનસનાટીભર્યો ખુલાસો ઈન્ડિયન આર્મીના ભૂતપૂર્વ આર્મી ચીફ વી. પી. મલિકે કર્યો હતો. કારગિલ યુદ્ધ વખતે આર્મીએ તેમના નેતૃત્ત્વમાં લડાઈ લડી હતી અને કારગિલમાંથી પાકિસ્તાની ઘૂસણખોરોનો સફાયો કરીને ભારતે વિજય મેળવ્યો હતો.

ચંડીગઢમાં મિલિટરી લિટરેચર ફેસ્ટિવલના ઉદઘાટન પ્રસંગે ‘મેક ઈન ઈન્ડિયા એન્ડ નેશન્સ સિક્યુરિટી’ મુદ્દે પેનલ ચર્ચામાં વી. પી. મલિકે કહ્યું હતું કે કારગિલ યુદ્ધ સમયે ભારતને તાકીદે શસ્ત્રો, દારૂગોળો અને સેટેલાઇટ ઈમેજની જરૂર હતી પણ ભારતના મિત્ર દેશ હોય કે બીજો કોઈ પણ દેશ, તમામે ભારતનો ફાયદો ઉઠાવ્યો હતો. એ સમયે જાણ થઈ હતી કે દેશના સંરક્ષણના મામલે સ્વનિર્ભર થવું જરૂરી છે. આજના સમયમાં ટેકનોલોજીમાં ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે પણ શસ્ત્રોની ખરીદીની આપણી પ્રક્રીયામાં થતા વિલંબના કારણે જ્યાં સુધીમાં એ ટેકનોલોજી આપણા સુરક્ષા દળોની પાસે પહોંચે છે ત્યાં સુધીમાં એ જૂની થઈ જાય છે.

જ્યાં સુધી ભારત આત્મિનર્ભર નહીં થાય ત્યાં સુધી આપણા સુરક્ષા દળો અસુરક્ષિત રહેશે.

શસ્ત્રોની ખરીદી વિશે બોલતાં તેમણે કહ્યું હતું કે ભારતે સાઉથ આફ્રિકા પાસેથી ડેનેલ ગન ખરીદવાની કોશિશ કરી હતી. પહેલાં તેમણે કહ્યું હતું કે તે હથિયાર આપવા માટે તૈયાર છે, પણ જ્યારે ભારતે ડિલિવરી માગી તો તેમણે કહ્યું કે અમારી પાસે નવી ગન તૈયાર નથી, તેમણે જૂની ગનને રિપેર કરીને આપી હતી. આપણી પાસે દારૂગોળો નહોતો. એક જાણીતા દેશ પાસે આપણે ગયા તો તેણે જે દારૂગોળો આપ્યો એ 70ના દાયકામાં બન્યો હતો. મિત્ર દેશો અને બીજા દેશોએ યુદ્ધ સમયે ભારતને મદદ કરવાના બદલે ખૂબ બધા વધારે નાણાં લઈને હથિયાર અને દારૂગોળો આપ્યો હતો અને એ પણ જૂનો હતો. મદદ કરવાના નામે આ દેશોએ જૂની અને ખરાબ સામગ્રી આપી હતી.

સેટેલાઇટ ઈમેજની ખરીદી બાબતે બોલતાં તેમણે કહ્યું હતું કે અમને સેટેલાઇટ ઇમેજની જરૂર હતી અને એ માટે દરેક ફ્રેમ માટે આપણે 36,000રૂપિયા ચૂકવ્યા હતા. જ્યારે એ ફ્રેમ આપણી પાસે આવી ત્યારે ખબર પડી કે એ ત્રણ વર્ષ જૂની હતી અને આપણા કોઈ કામની નહોતી.

વી. પી. મલિકે કહ્યું હતું કે આ બધું થયા બાદ કારગિલ યુદ્ધના અંતે મેં કહ્યું હતું કે આર્મીને કોઈ પણ ભોગે વિદેશી સૈન્યના સહારે રહેવું જોઈએ નહીં. ડિફેન્સ સેક્ટરમાં પ્રાઇવેટ સેક્ટરની કંપનીઓ આવશે તો રક્ષા ક્ષેત્રનો તેજીથી વિકાસ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન