No official announcement that vaccinations have stopped, annoying hundreds of people
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ‘અંધેરી નગરી ના રાજા’ જેવી આ સરકાર શેખચલ્લીની જેમ મનફાવે તેમ નિર્ણયો કરે છે, કોઈ જ સત્તાવાર જાહેરાત નહીં

‘અંધેરી નગરી ના રાજા’ જેવી આ સરકાર શેખચલ્લીની જેમ મનફાવે તેમ નિર્ણયો કરે છે, કોઈ જ સત્તાવાર જાહેરાત નહીં

 | 7:21 am IST
  • Share

કોરોનાના બીજા કાળમુખા વેવને સમજી શકવામાં ધરાર નિષ્ફળ નિવડેલી રાજ્ય સરકાર કોરોનાગ્રસ્તને ૧૦૮ની એમ્બ્યુલન્સ, ઓક્સિજનનો સપ્લાય, હોસ્પિટલના બેડ પૂરા પાડવામાં ય નિષ્ફળ રહી છે. અને છતાં હજુ પણ ‘અંધેરી નગરી ના રાજા’ જેવી આ સરકાર શેખચલ્લીની જેમ મનફાવે તેમ નિર્ણયો કરે છે, પણ તેની તમામ નાગરિકોને અસરકારક જાણ જ ન કરતાં કોરોનાના મારથી બચવા હવાતિયાં મારતા સેંકડો નાગરિકોને મંગળવારે હેરાનગતિ ભોગવવી પડી હતી.

AMCના સત્તાવાળાઓને સોમવારે મોડી રાત્રે અચાનક ભાન થયું કે મંગળવારે તો રસીનો જથ્થો જ નથી. બસ, એક પ્રેસનોટ પ્રસિદ્ધ કરી દીધી કે મંગળવારે ૪૫થી વધુ વયના માટે રસી બંધ રહેશે. પણ આનાથી આગળ કશું જ નહીં. સામાન્ય લોકોને આવા મહત્ત્વના નિર્ણયની જાણકારી થાય તે માટે બીજા કોઈ જ પગલાં ભર્યાં નથી. હાલના કોરોનાની હતાશાના માહોલમાં સેંકડો લોકો એવા છે જે કદાચ ટીવી કે સોશિયલ મીડિયાથી સાવ દૂર રહે છે. આવા લોકોને પોતાની વેક્સિનનો બીજો ડોઝ લેવાનો આજે સમય હતો. પણ તેમને કોઈ જ જાણ થઈ નહીં. પરિણામે, અમદાવાદમાં અનેક વેક્સિન કેન્દ્રો પર રસી લેવા પહોંચેલા લોકોએ નિરાશ થઈ પાછા ફરવું પડયું હતું.

HCના નિર્દેશો પણ ઘોળીને પી ગયાં

હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે તમામ સરકારને સ્પષ્ટ આદેશ આપેલા છે કે, કોરોના સંદર્ભે કોઈપણ નિર્ણય કે પગલાં સરકાર ભરે તેની તમામ નાગરિકોને જાણ થાય તેની ખાત્રી કરવી પડશે. આમ છતાં, રસી બંધ છે ના નિર્ણયની કોઈ જ જાહેરાત કરવાનું સરકારે મુનાસિબ માન્યું નહોતું. આ જ હાલત ટેસ્ટિંગની સુવિધાની છે. શહેરમાં સરકારી રાહે થતા RT-PCR ટેસ્ટની સુવિધા તો અડધી કરી જ દીધી છે. હવે ખાનગી લેબની સાથે રહી વિવિધ વિસ્તારોમાં ડ્રાઈવ-થ્રુ ટેસ્ટિંગ ફેસિલિટી કરે છે. પણ જ્યાં આવી નવી વ્યવસ્થા થાય છે તેની ય યોગ્ય જાહેરાત કરવાની સરકાર દરકાર કરતી નથી.

હવે આજથી ૪૫ વર્ષથી વધુનાને વેક્સિન અપાશે

AMC દ્વારા આવતીકાલ તા. ૫ મે, ૨૦૨૧થી શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થકેર વર્કર, ફ્રન્ટલાઈન વર્કર, તથા ૪૫ વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને રાબેતા મુજબ કોવિડની રસી અપાશે.  સોમવારે મોડી રાત્રે મ્યુનિ. સત્તાવાળાઓના અણઘડ આયોજન, તઘલખી નિર્ણયને કારણે મંગળવારે ૪૫ વર્ષથી વધુ વયના વેક્સીનેશન બંધ કરવાની અને રસીનો જથ્થો મળ્યેથી રસી અપાશે તેવા નિર્ણયને પગલે મંગળવારે હજારો નાગરિકો પરેશાન થયા હતા. ૪૫ વર્ષથી વધુ વયના રસી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હોય અને વેક્સીન સેન્ટર પર તેની એપોઈન્ટમેન્ટ પણ નક્કી થઈ હોય તેમ છતાં તે શિડયુલ મુજબ નાગરિકોને રસી મળશે તેવી કોઈ ગેરેંટી નહીં હોવાનું વિવિધ વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

૪૫ વર્ષથી વધુ વયના લોકો રસી લેવા પહોંચ્યા પણ નિરાશ થઈને પરત ર્ફ્યા

કોરોના સામે રક્ષણ માટે રસીકરણ શરૂ કરાયું પણ રસીનો જથ્થો ખૂટી પડતા મંગળવારે શહેરમાં ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી આપવાનું બંધ કરાયું હતું. તેમ છતાં કેટલાક લોકો રસીકરણ કેન્દ્ર ઉપર સવારથી જ રસી મુકવા પહોંચી ગયા. પરંતુ સ્ટાફ દ્વારા રસીકરણ બંધ કરાયું હોવાનું કહેતા વિલા મોંઢે તેમને પરત ફ્રવું પડયું હતું. એએમસી દ્વારા મંગળવારથી માત્ર ૧૮ વર્ષથી વધુ વયના લોકોને જ રસી આપવાની અને ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી બંધ કરવાની જાહેરાત કરાઈ હતી.

પરંતુ આ નિર્ણયથી અજાણ કેટલાક ૪૫ વર્ષથી વધુ વયના લોકો શહેરના જુદા જુદા અર્બન હેલ્થ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ટાગોર હોલ સહિતના રસીકરણ કેન્દ્રો ઉપર પહોંચી ગયા હતા. રસીકરણ કેન્દ્ર ખૂલે તે પહેલાં જ કેટલીક જગ્યાએ લોકોએ રીતસરની લાઈન લગાવી દીધી હતી. પરંતુ જ્યારે કેન્દ્ર ખુલ્યું ત્યારે તેમને રસી મળશે નહીં તેવી ખબર પડતા નિરાશ થઈ ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન