Omicron can save caution even if it is not lethal
  • Home
  • Columnist
  • ઓમિક્રોન ભલે ઘાતક ન હોય પણ સાવધાની જ બચાવી શકશે

ઓમિક્રોન ભલે ઘાતક ન હોય પણ સાવધાની જ બચાવી શકશે

 | 4:01 am IST
  • Share

  • ભયજનક સ્તરે વધી રહ્યા છે કોવિડ કેસ

 સાઉથ આફ્રિકામાંથી અચાનક ફૂટી નીકળેલો કોરોનાનો નવો ઓમિક્રોન વેરિઅન્ટ ભલે વધુ ઘાતક ન હોય પણ ગમે ત્યારે તબાહી મચાવી શકે છે. અમેરિકા, ફ્રાન્સ, સ્પેન, ઇટાલી, બ્રિટન સહિત યુરોપનાં દેશોમાં તે તબાહી મચાવી રહ્યો છે. ભારત સહિત તમામ દેશોમાં કોરોના અને ઓમિક્રોનનું સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં સંક્રમણની રફ્તાર ચિંતાજનક સ્તરે વધી રહી છે. 7 મહિના પછી એક્ટિવ કેસની સંખ્યા 11 લાખને વટાવી ગઈ છે. 16 દિવસમાં કોરોનાના કેસમાં 39 ટકાનો જબરદસ્ત વધારો થયો છે. ભારતમાં દરરોજ નવા નોંધાતા દર્દીઓની સંખ્યા અઢી લાખને પાર કરી ગઈ છે. ઓમિક્રોનના કેસમાં વધારા વચ્ચે સરકાર અગાઉની બે લહેરોના અનુભવ પછી આ વખતે આર્થિક પ્રવૃતિઓ પર પ્રતિબંધો લાદીને લોકોની રોજીરોટી છીનવી લેવા માંગતી નથી. બેકારીમાં વૃદ્ધિ થાય કે લોકોની આવકને અસર થાય તેવા આકરાં પગલાંથી તે દૂર રહેવા માંગે છે. સરકાર માટે રાહતની વાત એ છે કે સંક્રમણનો ગ્રાફ ભલે સડસડાટ ઊંચો જઈ રહ્યો હોય પણ ડેથ રેટ ઘણો ઓછો છે. હોસ્પિટલો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સરકારે બેડ, ICU બેડ, ઓક્સિજન, તમામ જરૂરી દવાઓના સ્ટોક સાથે લોકોની સારામાં સારી સારવાર મળે તેવી વ્યવસ્થા કરી છે. જે રાજ્યમાં સંક્રમણ વધારે હોય ત્યાં સરકારને યોગ્ય લાગે તે રીતે પ્રતિબંધો લગાવવા છૂટ આપી છે. સમસ્યા એ છે કે સંક્રમણમાં વધારો થઈ રહ્યો હોવા છતાં બજારો, જાહેર સ્થળો, બસો અને ટ્રેનોમાં ખાસ્સી એવી ભીડ થઈ રહી છે. કોરોના ખતમ થયો નથી. ડેલ્ટા અને ઓમિક્રોનનું ખતરનાક સ્વરૂપ હજી જોવાનું બાકી છે ત્યારે લોકો શા માટે માસ્ક પહેરતા નથી કે સોશિયલ ડિસ્ટન્સ જાળવતા નથી તે સમજાતું નથી. લોકોની આ બેદરકારીને કારણે સ્થિતિ વધુ વિસ્ફોટક બની રહી છે. કેટલાક લોકોની છીછરી માનસિકતાને કારણે હજારો નિર્દોષો કોરોનાનો ભોગ બની રહ્યા છે. મહારાષ્ટ્ર અને દિલ્હી સહિત કેટલાક રાજ્યોમાં તેના માઠા પરિણામ જોવા મળી રહ્યા છે. સંક્રમણ ખતરનાક રીતે વધી રહ્યું છે. પાંચ રાજ્યોમાં ચૂંટણી પંચ દ્વારા કોરોના પ્રોટોકોલ લાગુ કરીને રેલીઓ, સભાઓ, પદયાત્રા તેમજ ભીડભાડ પર પ્રતિબંધો મુકાયા છે. રાજકીય પક્ષો અને ઉમેદવારોને પ્રચાર ડિજિટલ મોડમાં કરવા ફરમાન કરાયું છે પણ તેનું પાલન કેટલા અંશે કરાશે તે કહેવું મુશ્કેલ છે. નિયમોને કોરાણે મૂકીને રાજકીય પક્ષો હવે લગ્નો અને ખાનગી સમારંભોમાં પ્રચાર કરવા લાગ્યા છે. ડેલ્ટા અને ઓમિક્રોનની ઘાતકતા અંગે નિષ્ણાતોનાં જુદા જુદા અભિપ્રાયો આવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે ઓમિક્રોનનું સંક્રમણ જીવલેણ નથી આમ છતાં સજાગ રહેવાની શિખામણ આપી રહ્યા છે. લોકો આવી ચેતવણીનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. આવા સંજોગોમાં સંક્રમણ ઘટાડવા સરકાર પાસે કડક પ્રતિબંધોની ચાબૂક વીંઝવા સિવાય અન્ય કોઈ રસ્તો બચ્યો નથી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો