- કાવ્ય મીમાંસા : સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે
- વસંતના વૈભવને કવિઓએ બહુ હરખથી ગાયો છે
- કેટલાંક જૈનેતર કવિઓએ પણ આપણને ફગુકાવ્યો આપ્યા છે
રચનાકાર નાયિકાઓ, સુંદરીઓનાં દેહસૌન્દર્ય, લાલિત્ય અને શૃંગારમંડનને મનને હરી લે એવી અલંકારિકતાથી વર્ણવે છે ''રૂડો જુઓ આ ઋતુરાજ આવ્યો, મુકામ તેણે વનમાં જમાવ્યો !'' કહીને કવિ દલપતરામે જેને ઋતુરાજ કહી પોંખી છે, એવી વસંતઋતુનું આગમન બે દિવસ પછી થવાનું છે. શિશિર એની કડકડતી ઠંડીની બંડી ઓઢી વિદાય થશે એટલે વસંતઋતુ વાતાવરણમાં નવો ઉન્માદ ભરી સચરાચરને નવપલ્લવિત કરશે. કમળ અને કેસૂડો ધરતી ઉપર પોતાના કામણ વેરશે.આમ્રઘટાઓમાં મંજરીઓ મહોરી ઊઠશે. વસંતનાં આવા વૈભવી, માદક માહોલને માણવાનું સૌ કોઈને ગમે જ. અને એટલે જ કવિઓએ પણ સમયાંતરે વસંત ઉપર આપણને ઉલ્લાસિત કરતા અનેક ગીતોની ભેટ આપી છે. વસંતના વૈભવને કવિઓએ બહુ હરખથી ગાયો છે. વસંતના ઉન્માદને આલેખતી એક વૈભવી રચના આપણને માધ્યકાલીન ગુજરાતી સાહિત્યના કાલખંડમાંથી મળી આવે છે. આ રચના એટલે ફગકાવ્ય સ્વરૂપની રચના *વસંતવિલાસ.*
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મુખ્યત્વે જૈનકવિઓએ ફગુકાવ્ય સ્વરૂપના સાહિત્યનું ખેડાણ કરેલું. કેટલાંક જૈનેતર કવિઓએ પણ આપણને ફગુકાવ્યો આપ્યા છે. ફગુ મુખ્યત્વે વસંતવર્ણનના વિશિષ્ટ કાવ્યપ્રકાર તરીકે જાણીતો છે. જેમાં વસંતવર્ણન નિમિત્તે શૃંગારરસની નિષ્પત્તિ પ્રભાવક રૂપે જોવા મળે છે.
*વસંતવિલાસ* ઈ. સ.ની 14મી સદીના પૂર્વાર્ધમાં રચાયું હોવાનું મનાય છે. જો કે એના રચયિતાનું નામ સ્પષ્ટ રૂપે સામે નથી આવતું, પણ આ ફગુમાં જૈન-કવિઓની રચનામાં હોય છે એવી જૈન ધર્મની અસર જોવા નથી મળતી. એટલે આ કૃતિ જૈનેતર કવિની કૃતિ હોવાનું પણ કેટલાંક વિદ્વાનો માને છે. વળી, આ ફગુકાવ્ય પ્રાકૃત-અપભ્રંશ પિંગળોના દોહક અને ઉપદોહક સાથે સરખાપણું ધરાવતા દુહા પ્રકારના છંદમાં રચાયેલું છે. જેમાં યમક-સાંકળીને મનભાવક રૂપે પ્રયોજીને રચનાકારે મસ્ત મજાનું લયસૌંદર્ય પ્રગટાવ્યું છે.એટલે જ *વસંતવિલાસ*ને કેશવ હર્ષદ ધ્રુવે 'ચમક ચમક થતી ચાંદરણી જેવું કાવ્ય' કહીને બિરદાવ્યું છે.
ચીમનલાલના શબ્દોને ટાંકીને વાત કરીએ તો આ ફગુમાં પ્રત્યેક કડીમાં જીવનનો ઉલ્લાસ ઊભરાતો હોવાનું આપણને અનુભવાય છે. આ રચનાની ઊડીને આંખે વળગે એવી વિશેષતા એ છે કે, અહીં કાવ્યમાં નાયક-નાયિકા તરીકે કોઈ એક યુગલ નથી, અનેક યુગલો અહીં કાવ્યમાં પ્રતિનિધિત્વ કરતા જણાય છે. આરંભમાં મંગલાચરણ રૂપે સરસ્વતી-સ્તવન આવે છે. પછી વસંતવર્ણનની માદક ઉદ્દીપકતાનું નિરૂપણ આવે છે. કાવ્યની બીજી મહત્ત્વની ખાસિયત એ છે કે, વનને અહીં નગરનું રૂપક આપવામાં આવ્યું છે. રચનાકાર નાયિકાઓ, સુંદરીઓનાં દેહસૌન્દર્ય, લાલિત્ય અને શૃંગારમંડનને મનને હરી લે એવી આલંકારિકતાથી વર્ણવે છે. આ વર્ણનો સંસ્કૃત પરિપાટીના હોવા છતાં એમાં અનુભવાતું પદમાધુર્ય, નિરૂપણની મનોરમ લાક્ષણિકતાઓ અને લાઘવને કારણે શૃંગારના ઉદ્દીપન માટે ખૂબ જ પ્રભાવક બની રહે છે. વનના સૌંદર્યને નીરખતી વિરહિણીની તીવ્ર મનોવેદના, એના પ્રલાપ, એને થતા શુભ શુકન, પ્રિયતમનું આગમન, એનો પ્રેમવિલાસ, નાયિકાની ભ્રમરને સંબોધીને ઉચ્ચારાયેલી અન્યોક્તિઓ વગેરે કાવ્યના શૃંગારરસને ઉઠાવ આપે છે. કાવ્યમાં વસંતનો વૈભવ ઉત્તમ રીતે વર્ણવાયો છે. સંસ્કૃત સુભાષિત-સાહિત્ય કે અન્ય ગ્રંથોમાંથી કવિએ આ માટે પ્રેરણા મેળવી છે. વસંત અને કામ બંનેનો અહીં અનોખો સંયોગ રચાયો છે. આપણી ભાષામાં અને કદાચ બીજી ભાષાઓમાં પણ વસંત અને વિલાસનું આવું પ્રતિષ્ઠાગાન અન્યત્ર જડવું મુશ્કેલ છે. વસંતના વર્ણન ઉપરાંત સંભોગ અને વિપ્રલંભશૃંગાર આ ફગુકાવ્યમાં અવિનાભાવી સંબંધે જોડાયેલ છે. વસંતવિલાસના બે ગ્રંથો ઉપલબ્ધ છે. પ્રથમમાં 52 પદો છે જ્યારે અન્યમાં 84 પદો છે. સ્વરૂપની દૃષ્ટિએ વસંતવિલાસ દુહા/દોહરા છંદમાં લખાયેલ કાવ્ય છે. વસંતવિલાસની ખરી ખૂબી વાક્યાંતે આવતા ચુસ્ત અંત્યાનુપ્રાસ ઉપરાંત પંક્તિઓમાં વચ્ચે આવતા આંતર્પ્રાસમાં છે, જેને વિદ્વાનો યમક-સાંકળી કહે છે. બે ચરણખંડોને જોડતી યમક-સાંકળી ઉપરાંત કાવ્યસંગીતને અદકેરી ઊંચાઈએ લઈ જતી અભૂતપૂર્વ વર્ણસગાઈ વસંતવિલાસને તત્કાલીન ફગુકાવ્યોમાં શિરમોર બનાવી અપ્રતિમ કવિપ્રતિભાનું પ્રમાણ પૂરું પાડે છે.
'પહુતીય શિવરતિ સમરતિ હવ રિતુ તણીય વસંત,
દહ દિસિ પસરઇં પરિમલ નિરમલ થ્યા દિશિ અંત.'
'વસંત તણા ગુણ ગહગહ્યા, મહમહ્યા સવિ સહકાર
ત્રિભુવનિ જયજયકાર પિકા રવ કરઇં અપાર.'
'માનિની જનમનક્ષોભન શોભન વાઉલા વાઈ,
નિધુવનકેલિ કલામીય કામીય અંગિ સુહાઇં.'
આવા એકથી એક ચડિયાતા દુહાઓથી રમણીય બનેલ *વસંતવિલાસ*ની હસ્તપ્રત શોધી કાઢવાનું કાર્ય સૌ પ્રથમ આપણાં વિદ્વાન સારસ્વત શ્રી કેશવ હર્ષદ ધ્રુવે કરેલું. 1455માં નકલ કરાયેલ વસંતવિલાસની સચિત્ર હસ્તપ્રત શોધી કાઢી એમણે તેને શાલપત્રમાં પ્રકાશિત કરી હતી. પ્રકાશિત સંસ્કરણ અંગે ખુદને અસંતોષ જણાતા પુનઃ સંપાદન સાથે તેમણે હાજી મુહમ્મદ સ્મારક ગ્રંથ (ઈ.સ.1923) માં નોંધો સાથે ફ્રીથી પ્રકાશિત કરેલું. એમના પ્રયત્નોને લીધે *ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ, પૂણે*માંથી તેમને બીજી હસ્તપ્રત મળી આવી. તેથી તેમણે લખાણને ફ્રીથી સંપાદિત કર્યું. ઈ.સ.1943માં, અન્ય વિદ્વાન કાંતિલાલ બી. વ્યાસે આ કાવ્યની કાળજીપૂર્વક સંપાદિત બીજી આવૃત્તિ પ્રકાશિત કરી. જેણે દેશ-વિદેશના વિદ્વાનોમાં રસ જગાડયો. ઈ.સ.1946માં શ્રી કાંતિલાલ બી.વ્યાસે તેનો અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો હતો. અન્ય વિદ્વાનોના મંતવ્યોનું પૃથક્કરણ કર્યા પછી તેમણે તારણ કાઢયું કે આ કોઈ જૈનની કૃતિ નથી. હસ્તપ્રતોની ઓર્થોગ્રાફી અને જૂના ગુજરાતીના જુદા જુદા સમયગાળાના ભાષાકીય નમૂનાઓ સાથે તેમની ઉચ્ચારણશાસ્ત્ર અને લખાણના આકારશાસ્ત્રની તુલના પરના એમના અભ્યાસના આધારે *વસંતવિલાસ* ફગુકાવ્યની એક સચિત્ર હસ્તપ્રત મળી, જે અજંતાની શૈલીના ચિત્રો ધરાવે છે.
કાંતિલાલ વ્યાસના કહેવા મુજબ - *જૂના ગુજરાતી સાહિત્યમાં આ કવિતા અનેક બાબતોમાં અજોડ છે. એવા યુગમાં જ્યારે તમામ સાર્થક સાહિત્ય હંમેશાં ધર્મ સાથે જોડાયેલું હતું, આ કવિતાએ તમામ પૌરાણિક સંદર્ભોને છોડીને, સામાન્ય માણસની વિચિત્ર લાગણીને ચિત્રિત કરીને નવી જમીન ખેડી આપી. તેની ભાષામાં વિશાળ શાસ્ત્રીય સંસ્કૃત આધાર સાથે એક દુર્લભ તાજગી અને લાવણ્ય છે. જાણીતા ક્લાસિકમાંથી સંસ્કૃત શ્લોકોનું વિનિમય, અદ્ભુત છબીથી ભરપૂર દરેક શ્લોકમાં આંતરિક અનુક્રમણિકા, અને શૃંગારનું સંયમિત ચિત્રણ, તેને ગુજરાતી સાહિત્યમાં અનન્ય સ્થાન આપે છે.*
*વસંતવિલાસ* આપણી જૂની ગુજરાતીની સમૃદ્ધિનો આધારભૂત દસ્તાવેજ કહી શકાય એવી પ્રબળ રચના છે, જે એના મોહિત કરતા કલાવૈભવના કારણે આપણને આજે પણ, જ્યારે જ્યારે વસંતનું આગમન થાય છે, ત્યારે ત્યારે આંદોલિત કરે છે.
::: થ્રી ડૉટ્સ :::
આપણો પડછાયો જોવા માટે પણ આપણે તડકે તો જવું જ પડે છે.