• સુપ્રીમ કોર્ટનું આવકાર્ય પગલું

આઝાદી પછી દેશનાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગના લોકોના ઉત્કર્ષ માટે બંધારણમાં અનામતની જોગવાઈ કરવામાં આવી હતી.

આ જોગવાઈ મુજબ ઉચ્ચ શિક્ષણ માટે કોલેજોમાં તેમજ યુનિવર્સિટીઓમાં પ્રવેશ માટે, નોકરીમાં અનામત, રાજકીય સંસ્થાઓ તેમજ અન્ય મહત્ત્વની સંસ્થાઓમાં પછાત વર્ગના લોકોને અનામતના લાભ આપવામાં આવે છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ (SC) તેમજ અનુસૂચિત જનજાતિ (ST)માં અનામતને લગતા એક કેસમાં દૂરોગામી અસરો જન્માવતો મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. આ ચુકાદા મુજબ રાજ્ય સરકારો અનામત કેટેગરીમાં લાભથી વંચિત રહી જતા લોકો માટે અનામતમાં પેટા અનામત આપી શકે છે તેવું ઠરાવ્યું હતું. આનો હેતુ વધુમાં વધુ પછાત વર્ગના લોકો માટે પેટા અનામતનો ક્વૉટા નક્કી કરીને તેમને અનામતનો પૂરેપૂરો લાભ આપવાનો હતો. કેસમાં એક મહત્ત્વની વાત એ હતી કે SC/ST હેઠળ આવનારા ગ્રૂપને એક સમાન માનવું કે કેમ? 2004માં બહુચર્ચિત કેસમાં ઈ.વી. ચિન્નૈયાના કેસમાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની બેન્ચે એવો ચુકાદો આપ્યો હતો કે આ કેટેગરીમાં કોઈ પેટા કેટેગરી બનાવી શકાશે નહીં. પણ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં 7 સભ્યોની બેન્ચે તેનાં ચુકાદામાં 2004નાં ચુકાદાને પલટી દીધો છે. 6 વિરુદ્ધ 1 જસિસ દ્વારા આપવામાં આવેલા ચુકાદામાં જસ્ટિસ બેલા ત્રિવેદી સિવાય અન્ય 6 જજિસનો ચુકાદો સમાન હતો. જસ્ટિસ બેલા ત્રિવેદી અનામતમાં પેટા અનામત આપવાની તરફેણમાં ન હતા. કોર્ટનાં આ ચુકાદાની ભવિષ્યમાં શું અસર પડશે તે તો આવનારો સમય જ કહેશે પણ અત્યારથી અનામતમાં પેટા અનામતના લાભ આપવા માટે કેટલાક રાજ્યો થનગની રહ્યા છે. અનામતના અમલ પર નજર કરીએ તો જણાઈ આવશે કે અનામતનો ફાયદો SC/ ST હેઠળ આવનારી તમામ જાતિના લોકો સમાન રીતે ઉઠાવી શક્યા નથી. કોર્ટે તમામ લોકો સુધી અનામતના સમાન લાભ પહોંચે તે માટે આ જોગવાઈ કરી છે. ખાસ તો સમાજના વંચિત લોકો સુધી અનામતના લાભ પહોંચાડવા પર કોર્ટ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદામાં એ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ પ્રકારનું જાતિ આધારિત પેટા વર્ગીકરણ સ્પષ્ટ અને ભરોસાપાત્ર ડેટાને આધારે જ કરવામાં આવેલું હોવું જોઈશે. આ શરતનો ઉદ્દેશ રાજકીય હિતોનો ઉપયોગ કરવા પર અંકુશ મૂકવાનો છે. આ એક એવો કેસ છે કે જેમાં 6 જેમ 1ની બહુમતી છતાં પાંચ જજિસના અલગ અલગ અભિપ્રાય આવ્યા છે. આ જજોએ ક્રિમિલેયર માટે SC/ST લાગુ કરવાનાં મામલે તેમજ અનામતને એક પેઢી સુધી જ સીમિત કરવાની વાત પણ કરવામાં આવી છે. વાત ગમે તે હોય પણ અત્યાર સુધી જે લોકો અનામતને પાત્ર હોવા છતાં તેમનાં સુધી અનામતના લાભ પહોંચતા થાય તે માટે અનામતમા પેટા અનામતની જોગવાઈ કરવા રાજ્યોને છૂટ આપવામાં આવી છે.


  • Follow us on: