સામાજિક ચિંતા : 15-17 વર્ષનાં બાળકો પણ સેક્સ રેકેટમાં પકડાય તે આંખ ખોલનારી ઘટના છે
શિક્ષણ તથા વેપારનું કેન્દ્ર ગણાતા ગુજરાતમાં કેફી દ્રવ્યો-ડ્રગ્સનું વેચાણ બેરોકટોક વધી રહ્યું છે. ડ્રગ્સનો કાળો કારોબાર મોટા શહેરો ઉપરાંત હવે નાના શહેરો અને ગામડાં સુધી વિસ્તરી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 5388 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં દ્વારકામાં છેલ્લા બે વર્ષમાં રૂપિયા 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ઉપરાંત વડોદરા અને સુરત, અમદાવાદ, ભરૂચ, રાજકોટ અને અમરેલી સુધી ડ્રગ્સનો કાળો કારોબાર વિસ્તરી રહ્યો છે અને ત્યાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ પણ પકડાયું છે. તાજેતરમાં ગુજરાતમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીઓનો પર્દાફશ થયો છે. જે ચિંતાજનક બાબત છે. યુવાધન બરબાદીના કૂવા તરફ્ ધકેલાઈ રહ્યું છે. આ કારોબાર રોકવામાં નહીં આવે તો ગુજરાતે મોટી કિંમત ચૂકવવી પડશે. હવે પાણી માથા પરથી નીકળી રહ્યું છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ચાર મહિનામાં એમડી ડ્રગ્સની ચાર ફેક્ટરીઓ શરૂ કરનાર મનોહરલાલ એનાની અને તેના સાગરીતો ઝડપાયા છે. તેમણે કરેલી કબૂલાત મુજબ તેઓનો દેશભરમાં ડ્રગ્સની ફેક્ટરી શરૂ કરવાનો પ્લાન હતો. ગુજરાત એટીએસ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમે એકસાથે ગાંધીનગરના પીપળજ, અમરેલી અને રાજસ્થાનના સિરોહી અને જોધપુરમાંથી એમડી ડ્રગ્સ બનાવતી ચાર ફેક્ટરીઓ પકડી પાડી હતી. આ ચાર ફેક્ટરીઓમાંથી અંદાજે રૂપિયા 230 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. 13 આરોપી પણ પકડાયા છે. ડ્રગ્સ બહારથી આવતું હોવાના સમાચારો સાંભળ્યા છે. પરંતુ, હવે તો મોતનો સામાન ડ્રગ્સ ગુજરાતની જ ફેક્ટરીમાં બનવા લાગ્યું છે. ડ્રગ્સના આ કાળા કારોબારથી તંત્ર પણ ચોકી ઊઠયું છે.
વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ફેક્ટરીઓમાં ડ્રગ્સ બનાવી દેશભરમાં અને વિદેશમાં સપ્લાય કરવામાં આવતું હતું. ડ્રગ્સની હેરાફેરીમાં મળેલા કરોડો રૂપિયાની હવાલા મારફ્ત આપ-લે થતી હતી. ડ્રગ્સના કારોબારની તપાસમાં એન.સી.બી. સાથે ઇ.ડી અને ઇન્કમટેક્સ વિભાગ પણ જોડાયાં છે. ડ્રગ્સનો કારોબાર માત્ર પકડાય કે તપાસ થાય તેટલું પૂરતું નથી. નશીલા પદાર્થો અને ડ્રગ્સનો કારોબાર અટકવો જોઈએ. વેપાર તો જ થઈ શકે જો ગ્રાહકો મળતા હોય. ગુજરાતમાં યુવાધન ડ્રગ્સના કારોબારમાં ફ્સાઈ રહ્યું છે. પોતે અને પરિવાર બરબાદ થઈ રહ્યા છે. શહેરો ઉપરાંત હવે ગામડાં સુધી ડ્રગ્સની લત પહોંચી રહી છે. જે ગુજરાતને પાયમાલ કરશે, તે અટકવાના બદલે ધંધો વિસ્તરી રહ્યો છે.
થોડા દિવસ પહેલાં સુરતના લાલગેટ વિસ્તારમાંથી એક કરોડનું એક કિલો એમડી ડ્રગ્સ પકડી પાડવાના કેસમાં જાણવા મળ્યું કે, પેટના રોગ માટે વપરાતા સ્પાસમો પ્રોક્સિવોન કેપ્સુલમાંથી દવાનો પાઉડર કાઢી ડ્રગ્સમાં ભેળવી ડ્રગ્સ માફ્યિા એક કિલોમાંથી 3.50 કિલો ડ્રગ્સ બનાવી 20 જેટલા પેડલરો મારફ્ત સુરત શહેરમાં સપ્લાય કરતા હતા. પેડલરો ખાસ કરી રાંદેર, અડાજણ, પાલ, સિટી લાઇટ, પીપલોદ, વેસુ, વીઆઈપી રોડ, ઉધના, મગદલ્લા રોડ, ડુમસ, વરાછા સહિતના વિસ્તારોમાં ગ્રાહકો સુધી પહોંચાડવાનું નેટવર્ક ઝડપાયું છે. એમડી ડ્રગ્સના એક ગ્રામના સાતથી આઠ હજારના ભાવે વેચાણ થતું હતું. યુવાધન ખોખલું બની રહ્યું છે અને પરિણામે ગુનાખોરી વધી રહી છે.
પોરબંદર નજીક દરિયામાંથી ગુજરાત એટીએસ અને એનસીબીના સંયુક્ત ઓપરેશનમાં 600 કરોડના 86 કિલો હેરોઈન સાથે 14 પાકિસ્તાનીઓ પકડાયા છે. તે પહેલાં પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ સાથે પાંચ આરોપી પકડાયા હતા. તે પૈકી મુખ્ય સૂત્રધાર કૈલાશ વેજનાથે કોરોના પહેલાં મરાઠી ફ્લ્મિ બનાવી હતી. આ ડ્રગ્સ બોલિવૂડ માટે લઈ જવાતું હોવા અંગે એટીએસ તપાસ કરી રહી છે. દરિયાના માધ્યમથી પાકિસ્તાન અને અન્ય દેશોમાંથી ડ્રગ્સ અને નશીલા પદાર્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે. ગુજરાતમાંથી હવે બીજા રાજ્યોમાં સપ્લાય થાય છે. ગુજરાત ડ્રગ્સ ઘુસાડવાનું માત્ર પ્રવેશદ્વાર નહીં હવે તો મોટું ગ્રાહક બની ગયું છે. યુવાધન નશાખોર નહીં, પેડલર બની વધુ ગ્રાહકો ઊભા કરી રહ્યા છે જે વધુ ખતરનાક બાબત છે.
ગત અઠવાડિયે સુરતથી દમણ બર્થ ડે પાર્ટી કરવા જઈ રહેલી ત્રણ યુવતીઓ પાસેથી એમડી ડ્રગ્સ પકડાયું છે. ત્રણ યુવતીઓ સહિત કુલ સાત વ્યક્તિઓની ધરપકડ થઈ છે. જેમ પાન, બીડી, તમાકુ કે માવાનાં વ્યસનો સામાન્ય થઈ ગયાં છે. તેવી રીતે ડ્રગ્સના વ્યસન સામાન્ય થતા જાય છે. પોતે અને પરિવાર બરબાદ થઈ રહ્યા છે. નશાખોરીના ખપ્પરમાં લોકો હોમાઈ રહ્યા છે. ડ્રગ્સ પાઉડર કે પ્રવાહી ઇન્જેક્શનથી નશો થઈ રહ્યો છે. આ ડ્રગ્સ લોકો સુધી સરળતાથી પહોંચી જાય છે. તંત્ર-પોલીસની ગમે તેટલી રેડ કે કાર્યવાહી છતાં કાળા કારોબારને અટકાવી શકે તેમ લાગતું નથી. લોકો જાતે જ સજાગ થાય અને આ બાબતે ગંભીર બની જાગૃતિ માટે પ્રયાસ કરે તો કદાચ પરિણામ મળી શકે એટલી ગંભીર બાબત છે.
પેડલરો ગ્રાહકો બનાવવા માટે નવી-નવી તરકીબો અજમાવી યુવાધનને ફ્સાવી રહ્યા છે. પ્રથમ તો શ્રીમંત ઘરના નબીરાઓ સાથે મિત્રતા કેળવી એમડી ડ્રગ્સની લત લગાવે છે. પાનના ગલ્લા કે દુકાનો પર મોટા ઘરના યુવક-યુવતીઓ સિગારેટ પીવા આવતા હોય છે. ત્યારે પેડલરો સિગારેટ પીવાના બહાને નબીરાઓ સાથે મિત્રતા કરે છે. મિત્રતા કરી પોતાના જ ખર્ચે નશાનો ટેસ્ટ પણ કરાવે છે. નશો કરવા માંગતા ન હોય છતાં તેને યેનકેન પ્રકારે ફ્સાવે છે. બળજબરી પણ કરે છે અને નશાની આદત પાડી દે છે. પછી આ યુવાનો ગમે ત્યાંથી પૈસા લાવીને પેડલર પાસેથી ડ્રગ્સ ખરીદે છે. જ્યારે ઘરમાંથી પૈસા મળતા બંધ થાય ત્યારે ઘરમાં ચોરી કરે છે. ઘરમાં ચોરી ન થઈ શકે ત્યારે બહારથી વાહન કે અન્ય ચોરી કરી પૈસા મેળવી નશો કરે છે. પછી નશો કરવા માટે ગમે તેવાં કૃત્યો કરવા લાગે છે. જે મોટા ગુનાખોરીમાં ફ્સાઈ જાય છે. મોટાભાગના આર્થિક કે હનીટ્રેપ જેવા ગુનાઓમાં પકડાતા આરોપીઓ નશાખોર હોય છે. માતા-પિતાએ બાળકના બેફમ ખર્ચા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. નાની કુમળી વયનાં બાળકો આત્મહત્યા કરે છે અને મોટા ગુનાઓ કરે છે.
તાજેતરમાં સુરતમાં એક સ્પામાંથી પકડાયેલા સેક્સ રેકેટમાં ધોરણ 12મું ભણતા બે વિદ્યાર્થીઓ પણ ઝડપાયા છે. 15-17 વર્ષનાં બાળકો પણ સેક્સ રેકેટમાં પકડાઈ તે આંખ ખોલનારી ઘટના છે. ડ્રગ્સમાં પકડાયેલ આરોપીએ કરેલી કબૂલાત મુજબ તેઓ પોશ વિસ્તારમાં નાના પેડલરોને એમડી ડ્રગ્સ આપતા હતા. નાના પેડલરો નાની પડીકી બનાવી શહેરભરમાં વેચતા હતા. તેમણે જણાવ્યા પ્રમાણે સારા ઘરની યુવતીઓ અને મહિલાઓ કાર લઈને ખરીદવા આવતી હતી. તેઓ કોડવર્ડમાં વાત કરી વેચાણ કરતા હતા.
સપ્ટેમ્બરમાં સુરતમાં મુન્દ્રા પોર્ટ પરથી 2988 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું. જેની બજારકિંમત 21,000 કરોડ હતી. આ મોટામાં મોટું ઓપરેશન હતું. પરંતુ, હવે તો અસંખ્ય ગેંગ ડ્રગ્સ સપ્લાયના કારોબારમાં લાગી ગઈ હોય તેવું લાગે છે. ગુજરાતના 1600 કિલોમીટરના કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુઓ છે અને વધારામાં પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક છે. ડ્રગ્સની હેરાફેરી મુખ્યત્વે પાકિસ્તાન અને ઈરાન કરે છે. ગુજરાતથી મુંબઈ સહિત દેશના અનેક શહેરોમાં મોકલવામાં આવે છે. ગુજરાતમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધ્યું છે તે સ્વીકારવું રહ્યું. દેશમાં ડ્રગ્સ ટ્રાફ્કિંગ માટે દરિયાઈ માર્ગો તેમજ ડાર્કનેટનો મોટાપાયે ઉપયોગ થાય છે. તંત્ર અને એજન્સીઓની પહોંચની બહાર ડ્રગ્સનો મોટો વેપાર ચાલી રહ્યો છે.
હવે નશામાં ફ્સાયેલા લોકોને નશા વગર ચાલતું નથી અને પૂરતા પૈસા ન હોય ત્યારે ખુદ પેડલર બની ગયા છે. કમિશનની આવકમાંથી તેના નશાના પૈસા નીકળી જાય છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ વધતા નશાના દૂષણ માટેના કારણમાં લોકો ખુદ પેડલર બનવા લાગ્યા છે. તેને કારણે કારોબાર મોટો થવા લાગ્યો છે. હવે અટકાવવું મુશ્કેલ થતું જાય છે. પબ્લિક ખુદ પેડલર હોય, સોસાયટીઓમાં કે એપાર્ટમેન્ટમાં પણ કોઈ પેડલર હોય તો તેની રહીશોને ખબર ન હોય...જ્યારે ડ્રગ્સ ઘર સુધી પહોંચી ગયું હોય ત્યારે આપણા યુવાધનને નશાખોરીની દુનિયાથી બચાવવા મુશ્કેલ છે. સુરત પોલીસે ડ્રગ્સ ફ્રી સુરત' નું કેમ્પેઇન અસરકારક રીતે ચલાવ્યું હતું. લોકોને જાગૃત કર્યા...ઘણી સંસ્થાઓએ કાર્યક્રમો પણ આપ્યા છે. પરંતુ, કોઈ અસર થઈ હોય તેવું લાગતું નથી. લોકો ખુદ જાગે...યુવાનો નશો નહીં પરંતુ, પ્રગતિ માટે ઝનૂનથી કામમાં કાર્યરત થાય તો જ બરબાદીમાંથી બચાવી શકાશે.
કાનમાં કહું દારૂ-જુગાર-ડ્રગ્સ પકડાય પછી તે જ સ્થળે ફરી શરૂ થઈ જાય છે ! આવું કેમ હશે?










