- અમેરિકા 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના'
કેનેડા દ્વારા ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનાં આક્ષેપો કરવામાં આવ્યા છે. કેનેડાએ ત્યાં ચાલતી તપાસમાં ભારતનો સહયોગ માંગ્યો છે. અમેરિકાએ પણ તપાસમાં સહયોગ માટે ભારતને અનુરોધ કર્યો છે. આમ આ મામલે અમેરિકા બેવડું વલણ અપનાવી રહ્યું છે. અમેરિકાની સ્થિતિ આ કેસમાં 'બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના' જેવી છે. ભારતનાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાને જાહેરમાં તતડાવી નાંખ્યું છે. ડબલ ઢોલકી બજાવવા માટે યુએસની આકરી ટીકા કરવામાં આવી છે. વાસ્વતમાં અમેરિકાએ આ કેસમાં કેનેડાને સીધું ભારત સાથે ભેખડે ભરાવી દીધું છે. તેણે કોઈ ઓડિયો ટેપ કેનેડાને આપી છે જેને પૂરાવો ગણીને કેનેડાએ જોયા જાણ્યા વિના ભારત પર આક્ષેપો કરી દીધા છે. હવે તે ફેસ સેવિંગની સ્થિતિમાં આવી ગયું છે. ભારતનાં આકસ્મિક અને તત્કાળ રિએક્શનથી તે હેબતાઈ ગયું છે. ભારત સાથે સંબંધો સુધારવા એક યા બીજી રીતે કાલાવાલા કરી રહ્યું છે. જયશંકરે યુએનમાં તેમનાં ભાષણમાં અમેરિકાનાં બેવડા વલણને ખુલ્લું પાડયું છે અને કેનેડાને પણ લક્ષ્મણ રેખા નહીં ઓળંગવા ચેતવણી આપી દીધી છે. જયશંકરે આ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું છે અને અન્ય દેશોને પણ તેમની સીમામાં રહેવા તાકીદ કરી દીધી છે. તેમણે કહ્યું હતું કે હવે સમય બદલાઈ ગયો છે. કેટલાક ગણ્યાંગાંઠયા દેશ તેમનો એજન્ડા નક્કી કરીને ડૂગડૂગી વગાડે અને બીજા દેશો કઠપૂતળીની જેમ તેમનાં ઇશારે નાચે તે દિવસો હવે વીતી ગયા છે. હવે કોઈ એક દેશનો એજન્ડા ચાલશે નહીં. ન્યૂયોર્કમાં કાઉન્સિલ ઓન ફોરેન રિલેશન્સની બેઠકમાં જયશંકરે સ્પષ્ટ કર્યું હતું કે, કેનેડા જો કોઈ નક્કર પૂરાવા આપશે તો ભારત તેનાં પર ચોક્કસપણે વિચાર કરશે. ભારતે સાફ શબ્દોમાં કહ્યું કે કેનેડામાં ભારતીય રાજદૂતોને ધમકીઓ આપવામાં આવે છે. ભારતનાં કોન્સ્યુલેટ પર હુમલાઓ કરાઈ રહ્યા છે. આવી નાપાક હરકતો કરનારના નામની યાદી કેનેડાને આપી હોવા છતાં ત્યાંની સરકાર દ્વારા આવારા તત્ત્વો સામે કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ભારતને બદનામ કરનારા તત્ત્વોને લોકતાંત્રિક અધિકારોને નામે છૂટોદોર આપવામાં આવ્યો છે. આવું કેવી રીતે ચલાવી લેવાય? કેટલાક દેશોમાં લોકોનાં અધિકારોનો ભંગ કરાઈ રહ્યો છે ત્યારે અન્ય દેશો કેમ ચૂપ રહે છે? ભારતને બદનામ કરવામાં જ તેમને કેમ શૂરાતન ચઢે છે? જ્યાં સુધી રશિયા સાથેનાં સંબંધોની વાત છે ત્યાં સુધી ભારતે અને જયશંકરે સ્પષ્ટતા કરી છે કે બંને દેશો વચ્ચે દાયકાઓથી ગાઢ સંબંધો ચાલ્યા આવે છે. અનેક સમસ્યાઓ અને પ્રતિકૂળતાઓની તેનાં પર કોઈ અસર પડી નથી. રશિયા સાથેના ભારતના દ્વિપક્ષીય સંબંધો ગાઢ હતા છે અને રહેશે. આમ અમેરિકાને તેની મર્યાદામાં રહેવાનો ઇશારો ભારતે કરી દીધો છે.










