- ગૃહની બહાર પગથિયે ઉભા રહીને દેખાવો કર્યો
- ગુજરાત સરકાર ડુંગળી ખરીદી કેન્દ્રો, MSPમાં ભાવ વધારે તેવી માગણી
વિધાનસભામાં સોમવારે કૃષિ, નાની સિંચાઈ, પશુપાલન અને મત્સોઉદ્યોગ એમ ચાર વિભાગોની માંગણીઓ પરની ચર્ચામાં દરમિયાન ગૃહની અંદર કોંગ્રેસના ધારાસભ્યો સરકારી નીતિઓ સંદર્ભે પોતાના ઓછા સંખ્યાબળને કારણે ખાસ કંઈ વિરોધ પ્રદર્શન કરી શક્યા નહોતા. આથી, કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભાના પગથિયે ઉભા રહી દેખાવો કર્યો હતો. અર્જૂન મોઢવાડિયાએ દિલ્હીમાં ચાલતા કિસાન આંદોલનને સર્મથન આપતા ગુજરાતમાં ખેડૂતોને દિવસે વીજળી આપવા, ડુંગળીના ખરીદી કેન્દ્રો શરૂ કરવા અને MSPમાં ભાવ વધારવાની માંગણી કરી હતી. આવુ પહેલીવાર થયું છે કે ગૃહની અંદર નરમ રહેલા વિપક્ષી સભ્યો બહાર જઈને વિરોધ પ્રદર્શન કરી આવ્યા !
પાટણનો પ્રશ્ન, પાટણના ધારાસભ્ય અને જવાબ આપનારે પહેર્યું પટોળું !
પાટણમાં આંગણવાડી અંગેના પ્રશ્નમાં એ જ મતક્ષેત્રથી કોંગ્રેસના ધારાસભ્ય પ્રો.કિરિટ પટેલે પૂરક સવાલ ઉઠાવતા મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબહેન બાબરિયાએ પહેરેલી સાડી એ પટોળુ હોવાનું કહી તેમણે અભિનંદન આપ્યા ! પછી સરકાર આંગણવાડીની બહેનોનો પગાર વધારો કરવા માંગે છે કે કેમ ? સવાલ પૂછતા ગૃહમાં સૌ દંગ થઈ ઊઠયા હતા. પ્રો. કિરિટ પટેલની પ્રશ્ન પૂછવાની આવી કૂનેહ જોઈને મહિલા મંત્રી પણ એક તબક્કે હસી પડયા હતા. અલબત્ત જવાબમાં 'સૂચન છે' એવુ કહી ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું હતું.
ભૂપત ભાયણી, ચિરાગ પટેલને ટેબલેટ મુદ્દે ફરી નોટિસ મળશે
રાજીનામુ આપનારા ચાર પૈકી બે ધારાસભ્યો પહેલી જ નોટિસમાં ટેબલેટ પરત જમા કરાવી ચૂક્યા છે. જ્યારે વિસાવદરથી રાજીનામુ આપી ભાજપ ભેગા થયેલા પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયણી અને ખંભાતના ચિરાગ પટેલે હજી સુધી રૂપિયા સવા લાખના એક એવા બે ટેબલેટ પાછા આપ્યા નથી ! આથી, વિધાનસભા સચિવાલયે આ બન્ને પૂર્વ ધારાસભ્યોને ફરીથી એક નોટિસ મોકલવા નિર્ણય કર્યો છે. ત્યારપછી પણ આ બેઉ ટેબલેટ જમા નહિ કરવે તો તેમની સામે ટેબલેટની કિંમત વસૂલવા પણ કાર્યવાહી થશે. જે ગુજરાત વિધાનસભાના વહીવટી ઈતિહાસમાં પહેલીવાર હશે.
મંત્રી ધારાસભ્યને પૂછે છે કે, હોસ્પિટલ ક્યારે શરૂ કરો છો?
વિધાનસભા ગૃહમાં રાધનપુર અંધાપાકાંડના જાહેર અગત્યના મુદ્દામાં રાજકીય આક્ષેપબાજીનો દોર જામ્યો હતો, ભાજપના ધારાસભ્યે કિરીટભાઈ જેવા અને અન્ય એક પૂર્વ ધારાસભ્યની રાજકીય સ્ટંટબાજીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, એક સ્થાનિક અગ્રણીને મૂર્ખ બનાવીને કરોડોની જમીન લઈ લીધી હતી, છેલ્લી વિધાનસભાની ચૂંટણી વખતે એક રાજ્યના મુખ્યમંત્રીને બોલાવાયા હતા અને એક લાખ કાર્ડ વહેંચી મફત સારવારની વાત કરાઈ હતી, જોકે આજે હોસ્પિટલ બની નથી, ખંડેર હાલત છે, બીજી તરફ વિપક્ષના ધારાસભ્યે સૂર પુરાવ્યો કે, અમારા લોકોએ 10 કરોડથી વધુનું દાન આપ્યું છે, દાન માટે જીગર જોઈએ, ભાજપના ધારાસભ્યે તો દારૂબંધીની વાતો કરી હતી. એક તબક્કે સ્પીકરે ટાપસી પુરાવી કે, મંત્રી ધારાસભ્યને પૂછે છે કે, હોસ્પિટલ ક્યારે શરૂ કરો છો?
ગૃહ શરૂ થયાના અડધો કલાકમાં કૌશિક જૈન ઘસઘસાટ ઊંઘી ગયા
ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી શરૂ થયાને અડધો કલાક પણ વીત્યો ન હતો ત્યાં દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન ગૃહની અંદર ઘસઘસાટ ઊંઘી ગયા હતા, ઘસઘસાટ ઊંઘ વચ્ચે ક્યારેક ક્યારેક પાટલીનો થપથપાટ સંભળાય તો આ ધારાસભ્યની ઊંઘમાં ખલેલ પહોંચતી અને ક્ષણિક જાગી જતાં જોવા મળ્યા હતા, એ પછીયે વચ્ચે વચ્ચે ઝોંકા ખાઈ લીધા હતા.