અલાબાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે 24 માર્ચ સોમવારે સાંસદ રાહુલ ગાંધીની નાગરિકતાની સાથે જોડાયેલી એક પિટિશન પર સુનાવણી કરી. આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કેન્દ્ર સરકારને પોતાનો જવાબ રજૂ કરવા આદેશ કર્યો. હાઈકોર્ટમાં અરજી કરનાર શખસ ભાજપનો કાર્યકર છે. તેણે પોતાની અરજીમાં કહ્યું છે કે, રાહુલ ગાંધી પાસે બ્રિટનની નાગરિકતા છે. આના કારણે રાહુલ ગાંધી ભારતમાં ચૂંટણી લડવા યોગ્ય નથી અને તેમનું લોકસભાનું સભ્યપદ આથી રદ થવું જોઈએ. અરજી કરનાર એસ. વિગ્નેશ શિશિરે કોર્ટને કહ્યું છે કે, આ અંગે દેશના ગૃહમંત્રાલયને મેં બે વખત અરજી કરી છે. પરંતુ મંત્રાલય તરફથી મને કોઈ જવાબ ન મળતા મારે અલાબાબાદ હાઈકોર્ટમાં આવવું પડયું. ભારતીય ન્યાયસંહિતા અને પાસપોર્ટ ઍક્ટ અનુસાર બે દેશની નાગરિકતા એ અપરાધ છે એ માટે આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવો તે મારો અનુરોધ છે. અલાબાબાદ કોર્ટે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે જવાબ માગ્યો છે. એપ્રિલ મહિનામાં આગળની સુનાવણી થશે.


બે દેશની નાગરિકતા આપણા દેશમાં સ્વીકાર્ય નથી. બ્રિટન જેવા દેશોમાં આ સ્વીકાર્ય છે. જેમાં તમે બ્રિટનના નાગરિક છો અને સાથે અમેરિકાના પણ નાગરિક હોવ તો બંને દેશોના પાસપોર્ટ તમારી પાસે રાખી શકો છો. આ ઉપરાંત બંને દેશોમાં મતદાનના અધિકાર અને ચૂંટણી લડવાના અધિકાર પણ મળે છે. સાથે સાથે બંને દેશોમાં વિઝા વગર આવન-જાવન કરી શકો છો.

જોકે, ભારતમાં બે દેશોની નાગરિકતા માન્ય નથી. ભારતીય બંધારણના અનુચ્છેદ 9 તથા નાગરિકતા અધિનિયમ 1955નાં સેક્શન 9 પ્રમાણે ભારતમાં બે દેશોની નાગરિકતાની મંજૂરી નથી. જો કોઈ વ્યક્તિ વિદેશી નાગરિકતા મેળવે છે તો તેને પોતાનો ભારતીય પાસપોર્ટ રાખવો અને તેનો ઉપયોગ કરવો તે ગુનો બને છે. એકવાર જો તમે વિદેશી નાગરિકતા મેળવી લો છો તો તમારે તમારો ભારતીય પાસપોર્ટ રદ કરાવવા ભારતીય દૂતાવાસને સોંપી દેવાનો હોય છે. આ દૂતાવાસ તમને સરેન્ડર સર્ટિફિકેટ આપીને તમારો પાસપોર્ટ જમા લેશે. જોકે, વિદેશમાં વસતા ખાસ કરીને પિૃમના વિદેશી દેશોમાં રહેતા પ્રવાસી ભારતીય નાગરિકોની સતત માગને કારણે ભારત સરકારે 2005માં બેવડી નાગરિકતા અંગેના કાયદામાં થોડો સુધારો કર્યો છે. તે અનુસાર નાગરિકતા અધિનિયમ 1955માં સુધારા કરીને ઓવરસીઝ સિટીઝનશિપ ઓફ ઈન્ડિયા (OCI) સ્કિમ્ની શરૂઆત કરવામાં આવી છે. OCI સ્કીમ મુજબ ભારતીય મૂળના નાગરિકો જેમને વિદેશની સિટીઝનશિપ મેળવી હોઈ તેઓની નોંધણી ભારતના વિદેશી નાગરિક OCI તરીકે કરવામાં આવે છે અને તેમને OCI પાસપોર્ટ ભારત આપે છે. આ સ્કીમ મુજબ જે લોકો 26 જાન્યુઆરી 1950 કે તેના પછી ભારતના નાગરિક હોય તે લોકો વિદેશમાં સ્થાયી થયા હોય અને વિદેશની નાગરિકતા સ્વીકારી હોય તેઓ OCI પાસપોર્ટ મેળવી શકે છે. આ સ્કિમ્નો ફાયદો એ લોકો નથી લઈ શકતા જેઓ પાકિસ્તાન કે બાંગ્લાદેશના નાગરિક છે અને જે દેશોના નામ કેન્દ્ર સરકારે ઓફિશિયલ ગેજેટમાં નોટિફિકેશન દ્વારા જાહેર કર્યા હોય. જોકે, ભારત સરકારે OCI પાસપોર્ટ મેળવનારને કોઈ રાજકીય અધિકાર આપ્યાં નથી. એટલે કે જે લોકોએ વિદેશી નાગરિકતા સ્વીકારી હોય અને OCI પાસપોર્ટ મેળવ્યો હોય તો તેઓ ભારતમાં ચૂંટણી લડી નથી શકતા કે પછી ચૂંટણી દરમિયાન મત પણ આપી શકતા નથી. આ ઉપરાંત OCI પાસપોર્ટ મેળવનાર નાગરિકો સરકારી નોકરી મેળવવા માટે પણ હકદાર બનતા નથી. બંધારણના અનુચ્છેદ 16 મુજબ OCI પાસપોર્ટ વાળા ભારતીય મૂળના નાગરિકોને ભારતના નાગરિકોને મળતા અધિકારો મેળવી શકતા નથી. OCI પાસપોર્ટવાળા નાગરિકો ભારતીય મૂળના નાગરિકો છે. એટલે તેમને ભારતમાં આવવા જવાની કોઈ તકલીફ ના પડે તે માટે ખાસ આ પ્રકારનો પાસપોર્ટ ભારત સરકારે તેમને આપ્યો છે.

હવે સવાલ એ છે કે, રાહુલ ગાંધીએ શું વિદેશી નાગરિકતા મેળવી છે ? અલાબાબાદ હાઈકોર્ટમાં અરજી કરનાર ભાજપના કાર્યકર મુજબ તેમની પાસે પુરતા પુરાવા છે કે, રાહુલ ગાંધી પાસે બ્રિટિશ પાસપોર્ટ છે. હાઈકોર્ટમાં અરજી કરનારનું કહેવું છે કે, બ્રિટિશ સરકારના કેટલાક દસ્તાવેજો અને કેટલાક ઈમેઈલ તેમની પાસે છે જે પુરવાર કરી શકે છે કે, રાહુલ ગાંધીની પાસે બ્રિટનની નાગરિકતા છે. અને એટલે જ તેઓ ભારતમાં ચૂંટણી લડવાને પાત્ર નથી. જોકે આ જ પ્રકારની અરજી દિલ્હી હાઈકોર્ટમાં જાણીતા વકીલ અને રાજનેતા સુબ્રમણ્યમ સ્વામીએ કરી હતી અને રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરી હતી. સુબ્રમણ્યમ સ્વામીએ તો રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ બ્રિટિશ અધિકારીઓને આપેલા દસ્તાવેજોમાં જાતે બ્રિટિશ નાગરિક હોવાની જાહેરાત કરી છે.

આ એક ગંભીર મામલો છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ રહી ચૂકેલા અને અત્યારે કોંગ્રેસના નેતા એવા સાંસદ રાહુલ ગાંધી પાસે જો બ્રિટિશ નાગરિકત્વ હોય તો તેમને ભારતીય નાગરિકત્વ છોડવું પડે. અથવા તો બ્રિટિશ નાગરિકત્વ છોડવું પડે. પરંતુ જો તેમને પોતાનું બ્રિટિશ નાગરિકત્વ છુપાવીને સાંસદની ચૂંટણી લડી હોય તો તે એક અપરાધ બને છે અને હાઈકોર્ટ તેમનું સાંસદ પદ પણ રદ કરી શકે છે.

અલાબાબાદ હાઈકોર્ટના ભૂતકાળના ચુકાદા ગાંધી પરિવાર માટે કફોળી પરિસ્થિતિ ઊભી કરનાર અગાઉ બન્યાં છે. આ જ અલાબાબાદ હાઈકોર્ટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને લોકસભાની ચૂંટણી દરમિયાન સરકારી મશીનરીનો ઉપયોગ કર્યો હોવાનો આરોપ સાબિત થતાં તેમની ચૂંટણી ગેરકાયદે ઠેરવી હતી. અને ઈન્દિરા ગાંધીને વડાપ્રધાન પદ છોડવાનો હુકમ કર્યો હતો. જોકે ત્યારબાદ ઈન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી જાહેર કરી દીધી હતી અને સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના આદેશને બદલાવી નાખ્યો હતો. જોઈએ હવે અલાબાબાદ હાઈકોર્ટમાં રાહુલ ગાંધીની સિટીઝનશિપ અંગેનો શું ચુકાદો આવે છે.


  • Follow us on: