- સોશિયલ મીડિયાના ચાહકો માટે નિરાશા
વિશ્વના ટોચના અબજોપતિઓમાં જેની ગણના થાય છે તેવા ટેસ્લા કાર કંપનીના માલિક એલન મસ્કે આખરે હા...ના...હા...ના.... કરતા સોશિયલ મીડિયા સાઈટ ટ્વિટરને 44 અબજ ડૉલરમાં ખરીદી લીધી છે. મસ્કે ટ્વિટર ખરીદવાની સાથે જ તેના ભારતીય સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ અન્ય વહીવટકર્તાઓની હકાલપટ્ટી કરી દીધી છે. હવે તેઓ પોતે કંપનીના સીઈઓ બનીને મનમાની રીતે ટ્વિટર ચલાવવા માંગે છે. ટ્વિટર ખરીદીને તેમણે રીતસર વિશ્વના 24 કરોડ યૂઝર્સને લૂંટવાની દુકાન ખોલી દીધી છે. હવે ટ્વિટર પર બ્લ્યૂ ટીક માટે યૂઝર્સે દર મહિને રૂ. 660 ચૂકવવા પડશે. મસ્ક સારી રીતે જાણે છે કે ભારતમાં મોબાઈલ ફોનના વપરાશકારો, ઈન્ટરનેટ યૂઝર્સ તેમજ સોશિયલ મીડિયા સાઈટ્સના યૂઝર્સ સૌથી વધારે છે. પહેલાં ટ્વિટરનો સસ્તા દરે ઉપયોગ કરવાની છૂટ આપ્યા પછી યૂઝર્સને તેના વ્યસની બનાવી દેવાયા છે. હવે મસ્કને તેમાં કમાણીનું સાધન દેખાઈ રહ્યું છે. ટ્વિટરના 50 ટકા સ્ટાફ પર છટણીની તલવાર તોળાઈ રહી છે. એક્ઝિક્યુટ્વ્ઝિ વિના મસ્ક પોતાની રીતે કંપનીની આવક વધારવાનાં પગલાં લઈને તાનાશાહ બનવા માગે છે. મસ્કની આવી મનસ્વી હરકતોથી જાણકાર અનેક વિદેશી સેલિબ્રિટીઝ હવે ટ્વિટર પર તેમનું પોતાનું એકાઉન્ટ બંધ કરી રહ્યા છે. તેઓ સારી રીતે જાણે છે કે ટ્વિટર પર તેમની ટ્વિટ કે અન્ય કોઈ પ્રકારનું પોસ્ટ હવે સલામત નથી. તેમને ડર છે કે મસ્ક કોઈ સેલિબ્રિટીઝની ટ્વિટ સાથે ચેડાં કરીને તેમનું બ્લેકમેલ કરે તો પણ ના નહીં. મસ્કે યૂઝર્સને ચોખ્ખેચોખ્ખું સંભળાવી દીધું છે કે મને તમે લોકો ભલે ગમે તેટલી ફરિયાદો કરો પણ ટ્વિટરના ઉપયોગ માટે બ્લ્યૂ ટીક માટે મહિને 8 ડૉલર તો ચૂકવવા જ પડશે. યૂઝર્સે મસ્કની આવી મનમાનીનો ભારે વિરોધ કર્યો છે. યૂઝર્સમાં અસંતોષનો ચરુ ફાટી નીકળ્યો છે. મસ્ક એવું માને છે કે ફક્ત જાહેરાતો દ્વારા કંપની માટે આવક ઊભી કરી શકાય તેમ નથી. આટલાં વર્ષો સુધી ટ્વિટરનું સારી રીતે સંચાલન કરનારા એક્ઝિક્યુટિવ્ઝ દ્વારા ક્યારેય ગ્રાહકોને લૂંટવાનો વિચાર સુદ્ધાં કરાયો નથી. આમ છતાં ટ્વિટર સારી રીતે ચાલી રહ્યું હતું અને તેનું અસ્તિત્વ તો ટકાવ્યું જ હતું પણ તેને લોકપ્રિય પણ બનાવ્યું હતું. બ્લ્યૂ ટીક અંગે પૈસા વસૂલ્યા પછી પણ ટ્વિટરની કે યૂઝર્સની વિશ્વસનીયતા પહેલાં જેવી જળવાઈ રહેશે કે કેમ તેની કોઈ ગેરંટી નથી. મસ્ક પર અગાઉથી જ દેવાનો કરોડોનો બોજ છે તેમાં તેમણે ટ્વિટરને ખરીદીને જોખમ વહોરી લીધું છે. વિશ્વની રેટિંગ એજન્સીઓ મસ્કની કંપનીઓ પર દેવાનો બોજ ધ્યાનમાં લીધા પછી તેનું રેટિંગ ઘટાડી રહી છે. મસ્ક ટ્વિટરને 3 વર્ષમાં નફો કરતી કરવા માગે છે. આ માટે તેઓ ગમે તે હદે જઈ શકે છે. શાણા યૂઝર્સ મસ્કની પૈસા ભેગા કરવાની લાલચ પારખી ગયા છે અને અત્યારથી જ ટ્વિટર સાથે છેડો ફાડી રહ્યા છે. ટ્વિટર અને યૂઝર્સ બંનેનું ભવિષ્ય હવે મસ્કના હવાલે છે.










