- ચિંતન : હિન્દુ ધર્મ શાસ્ત્રમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ એમ ત્રણ ઋણનો ઉલ્લેખ છે
કેટલાક લોકોને કહેતા સાંભળીએ છીએ કે,'ફલાણા ભાઈનું મારા પર ખૂબ મોટું ઋણ છે. આ ઋણ હોવું એટલે શું? ઋણ એટલે 'દેવું' કે 'કરજ' થાય. આપણે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો આપણે એના દેવાદાર ગણાઈએ, આ એકવાત. બીજી વાત, કોઈએ આપણી કોઈ આપત્તિમાં સહાય કરી હોય, મદદમાં આવ્યા હોય અને આપણને ગબડી પડતાં પહેલાં હાથ પકડીને ઊભા કર્યા હોય, એ ઋણ. કોઈએ આપણા ઉપર નાનો કે મોટો ઉપકાર કર્યો હોય, એ કેવી રીતે ભુલાય? સૌથી પહેલાં આપણે હિન્દુ ધર્મ શાસ્ત્રમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ એમ ત્રણ ઋણનો ઉલ્લેખ છે. એનાં પણ ત્રણ ઉપઋણ છેઃ અતિથિ ઋણ, મનુષ્યઋણ અને ભૂતઋણ તો કેટલાક માને છે કે, માણસ ચાર ઋણ લઈને જન્મે છેઃ પિતૃઋણ, દેવઋણ, ઋષિઋણ અને માનવઋણ. યજ્ઞથી દેવ, વેદના સ્વાધ્યાયથી મુનિ, પુત્રોની ઉત્પત્તિથી પિતૃ તથા પ્રેમથી મનુષ્ય સંતોષાય છે. અહીં જુઓ, શાસ્ત્રોની રીતે માતૃઋણનો ઉલ્લેખ નથી. પણ એ ઋઋણની તોલે કોઈ ઋણ આવી શકે જ નહીં, ખેર.'મનુસ્મૃતિ'માં કહ્યું છેઃ ત્રણે ઋણ (દેવ, પિતૃ અને ઋષિ) ચૂક્વીને મનને મોક્ષમાં જોડો. ઋણ મુક્તિ વિના મોક્ષ માટે પ્રયત્ન કરવાવાળો પાપી હોય છે.' આપણી સૌથી મોટી ફરજ છે, જે ઋણ છે તેને ચૂક્વવાની. આપણે એમના મોટા દેવાદાર છીએ. મોક્ષ તરફ જવાનું એ પ્રથમ પગથિયું છે, એવું શાસ્ત્ર વચન છે. એમાંથી આપણે છટકી શકીએ નહીં. આટલી વાત થઈ શાસ્ત્રને ધ્યાનમાં રાખીને. હવે ઋણ વિશે એટલે કે 'કરજ' વિશે જોઈએ તો 'કલિવિડમ્બનમ્'માં કહ્યું છેઃ 'યમરાજ પણ પ્રાણીઓના અંતિમ સમયની રાહ જોતો હોય છે. પરંતુ ઋણદાતા માટે કોઈ સમય નક્કી નથી હોતો. એના મોંઢામાં જડબાં કે હાથમાં બાંધવાની દોરી દેખાતી નથી. છતાંય ઋણ દાતાને જોઈને એનું મન ઉદાસ થઈ જાય છે.' કોઈ માગનાર આવે ત્યારે કેવી સ્થિતિ થાય?
આજે તો કેટલાક માથાભારે લોકો નાણાંના ધીરધારનો ધંધો કરતા હોય છે, વ્યાજ સાથેની રકમ પાછી મેળવ્યા પછી પણ કેવાં દંગલ થાય છે, એ સમાચારપત્રોમાં વાંચીએ છીએ. 'શુક્રનીતિ'માં આવે છેઃ 'મૂળ ધનથી ચાર ઘણું વ્યાજ સાથે પાછું આપ્યું હોય તોય જો લેણનાર વધારે માગતો હોય તો રાજાએ એને રોકવો જોઈએ.' જે સત્તામાં હોય, એમણે એવા કાયદા બનાવવા જોઈએ, જેથી સામાન્ય માણસને લૂંટાવું ન પડે. જે ઋણ લે છે, એની સ્થિતિ અતિ ખરાબ હોય છે. આજે બેંકો પણ લોન આપે છે. કેટલાક સજ્જન લોકો નિયમિત હપતા ભરતા જ હોય છે. તો કેટલાક લોકો મોઢું ફેરવતા હોય છે. એના કારણે બેંકોની સ્થિતિ પણ ખરાબ થાય છે. જે માણસ દબાયેલો છે, કચડાયેલો છે, જેને ઘર ચલાવવાની પણ સ્થિતિ નથી એ દેવું કરતો હોય છે. પાછું આપી શકવાની ક્ષમતા ન હોવાના કારણે દેવાના ડુંગરા ખડકતો હોય છે. ઋણમુક્તિ ન થતાં કેટલાક તો આપઘાત પણ કરતા હોય છે. બીજીબાજુ સગા-સંબંધી-દોસ્તોને જો આપીએ તો શું થાય છે? હિન્દીમાં લોકોક્તિ છેઃ 'ઉધાર દીજે, દુશ્મન કીજે.' જ્યારે આપેલું પાછું ન આવે ત્યારે ઝઘડા સિવાય બીજું શું કરી શકે? એના કારણે સદાને માટે સંબંધોમાં તિરાડ ઊભી થઈ જતી હોય છે. તેલુગુમાં વેમનાએ કહ્યું છેઃ 'ઋણ બૂરી બલા છે. ઋણ લેવું અને આપવું એ બંને ઉચિત નથી. ઋણ લેનાર ઋણ આપનારને ઉપકાર કરતો હોય એવી રીતે જોતો હોય છે, જાણે સૂર્યદેવ ન હોય! જ્યારે ઋણ પાછું માગતો હોય ત્યારે તે યમરાજ જેવો ભયંકર લાગે છે. ઋણ ચૂક્વી ન શકનાર વ્યક્તિની એવી જ દુદર્શા થતી હોય છે.' માણસ ક્યાંક ફસાઈ ગયો હોય, એમાંથી બહાર નીકળવા માટે દેવું કરતો હોય છે. જ્યારે બીજા પાસેથી નાણાં મળે છે ત્યારે તે ભગવાન જેવો લાગે છે, પણ પરત આપતી વખતે એ દુશ્મન જેવો લાગવા માંડે છે. હિન્દીમાં લોકોક્તિ છેઃ 'કર્જદાર શિર પર સવાર.'










