• બાંગ્લાદેશ ચૂંટણી : સતત ચોથી વાર શેખ હસીનાની પાર્ટી જીતી ગઈ, કટ્ટરવાદીઓના હાથ હેઠે પડયા

ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાંથી સારા સમાચાર આવ્યા છે. બાંગ્લાદેશની આમ ચૂંટણીમાં ભારત તરફી શેખ હસીનાની સરકાર સતત ચોથી વખત જીતી ગઈ છે. વડાંપ્રધાન શેખ હસીનાની અવામી પાર્ટી અને સાથી પાર્ટીઓએ લોકસભાની 300 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાં 223 ઉમેદવારો જીતી ગયા છે. આ પ્રચંડ જીતને કારણે શેખ હસીના વધુ પાંચ વર્ષ બાંગ્લાદેશનાં વડાંપ્રધાન તરીકે ચાલુ રહેશે. શેખ હસીના પહેલીવાર 1996માં વડાંપ્રધાન બન્યાં હતાં. 2009માં ફરીવાર તેઓ ચૂંટાયાં હતાં. 2009 બાદ સતત 2023 સુધી તેઓ સત્તામાં રહ્યાં. હવે 2028 સુધી તેઓ બાંગ્લાદેશનું વડાંપ્રધાન પદ ભોગવશે.

બાંગ્લાદેશ ભારત માટે બહુ અગત્યનો દેશ છે. પડોશી દેશ તરીકે ભારતની બાંગ્લાદેશની તમામ ગતિવિધિઓ પર નજર રહેતી હોય છે. અગાઉ સરહદના મુદ્દે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થોડી તણાવભરી સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ શેખ હસીના અને વડાપ્રધાન મોદીએ કુશળતાથી આ તણાવભરી સ્થિતિને થાળે પાડી હતી. બાંગ્લાદેશ પર ચીન અને પાકિસ્તાન બંનેની નજર છે. ચીન કોઈપણ હિસાબે બાંગ્લાદેશને પોતાના પ્રભાવ નીચે લાવવા પ્રયત્ન કરી રહ્યું છે. ચીનની એ ચાલ છે કે ભારતના તમામ પડોશી દેશોને એક પછી એક પોતાના પ્રભાવ હેઠળ લાવવા. વિકાસના નામે મોટી મોટી લોન આપીને ભારતના પાડોશી દેશોને દબાવમાં લાવવાનો આ ચીનનો પેંતરો છે. પાકિસ્તાન તેનો સૌથી પહેલો ભોગ બન્યું છે. પાકિસ્તાનને અમેરિકાએ આર્થિક સહાય બંધ કરી અને આતંકવાદના મુદ્દે કડક નજર હેઠળ રાખ્યું છે. તે સંજોગોમાં પાકિસ્તાન ચીન તરફ ઢળ્યું. પાકિસ્તાને બલુચિસ્તાનમાં આવેલું ગ્વાદર બંદર ચીનને સોંપી દીધું. આ ઉપરાંત ચીનનો જે આંતરરાષ્ટ્રીય રોડ પ્રોજેક્ટ છે તેમાં પણ પાકિસ્તાન સહભાગી બનીને પોતાના હાથના કાંડા કાપી આપ્યા છે. ચીને આ જ દાવ ભારતના અન્ય પાડોશી દેશો શ્રીલંકા, નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશમાં અપનાવ્યા છે. જોકે, બાંગ્લાદેશ ચીનની ચાલ સમજી ગયું છે અને એટલે જ શેખ હસીના ચીનની પકડમાં હજુ પૂરેપૂરા આવ્યા નથી.

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને પૂરેપૂરી ખબર છે કે, બાંગ્લાદેશની રચનામાં ભારતે કેવી મદદ કરી હતી. શેખ મુજીબર રહેમાનને પૂરેપૂરો ટેકો આપીને ભારત સરકારે પાકિસ્તાનથી પૂર્વ પાકિસ્તાનને જુદું પાડી બાંગ્લાદેશની રચના કરાવી હતી અને ત્યારથી બાંગ્લાદેશમાં પાકિસ્તાનના જુલમી સૈનિક શાસનનો અંત આવ્યો હતો. જોકે બાંગ્લાદેશના કટ્ટરવાદીઓએ શેખ મુજીબર રહેમાનની હત્યા કરી હતી. સદ્ભાગ્યે શેખ હસીના તેમાં બચી જવા પામ્યાં હતાં અને આજે છેલ્લાં કેટલાંય વર્ષોથી બાંગ્લાદેશમાં તેમનું શાસન છે.

બાંગ્લાદેશમાં શેખ હસીનાની સામે મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનલ પાર્ટી છે. આ પાર્ટીના નેતા પૂર્વ પ્રધાનમંત્રી ખાલિદા ઝિયા છે. જોકે, ચૂંટણી પહેલાં વિપક્ષોની રેલી દરમિયાન થયેલી હિંસાને કારણે વિપક્ષના તમામ નેતાઓને જેલમાં પૂરવામાં આવ્યા છે. આ હિંસામાં 16 લોકોના મોત નીપજ્યાં હતા અને 5000થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયાં હતા. આ હિંસક રેલી બાદ બીએનબી પાર્ટીના મોટાભાગના નેતાઓ સહિત 10,000 લોકોની શેખ હસીનાની સરકારે ધરપકડ કરી હતી. પરિણામે બાંગ્લાદેશની ચૂંટણીનો મુખ્ય વિપક્ષી પાર્ટી બીએનબીએ બહિષ્કાર કર્યો હતો. આ ચૂંટણીનાં પરિણામો પછી ચૂંટણીને છેતરપિંડી તરીકે વિપક્ષે ઓળખાવી છે. વિપક્ષનો આરોપ છે કે 40 ટકાથી પણ ઓછું મતદાન થયું છે. એટલે આ ચૂંટણી યોગ્ય નથી. તેમાં બાંગ્લાદેશની જનતાનો સ્પષ્ટ ચુકાદો નથી. ચૂંટણી ઇન્ટરનેશનલ ઑબ્ઝર્વેશન હેઠળ યોજાઈ હતી. હ્યુમન રાઈટ્સ કમિશનના સભ્યોએ ચૂંટણીમાં ગેરરીતિઓ થયાનો આરોપ પણ લગાવ્યો છે. પરંતુ અત્યારે જમીની હકીકત એ છે કે, બાંગ્લાદેશના વડાંપ્રધાન તરીકે અવામી લિગ પાર્ટીના શેખ હસીના પાંચ વર્ષ માટે ફરીવાર નિયુક્ત થઈ ગયાં છે.

હકીકત પણ એ છે કે, બાંગ્લાદેશમાં આર્થિક સ્થિરતા શેખ હસીનાના કાર્યકાળ દરમિયાન આવી છે. બાંગ્લાદેશની મુસ્લિમ ગરીબ દેશ તરીકેની છાપ હતી. પરંતુ 2009 પછી શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશે ઘણીબધી આર્થિક સફળતાઓ હાંસલ કરી. આજે એ હાલત છે કે, બાંગ્લાદેશ દુનિયાભરમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ધિ કરતી અર્થવ્યવસ્થામાં સામેલ થઈ ગયો છે. આર્થિક વૃદ્ધિની ઝડપમાં બાંગ્લાદેશ ભારત કરતાં પણ આગળ નીકળી ગયો છે. જે એક આૃર્યની વાત છે. ગત દશકમાં બાંગ્લાદેશમાં વ્યક્તિદીઠ આવક વધીને ત્રણ ગણી થઈ ગઈ છે. વર્લ્ડ બૅન્કના માનવા મુજબ બાંગ્લાદેશમાં છેલ્લાં 20 વર્ષમાં અઢી કરોડ લોકો ગરીબીરેખાથી બહાર આવી ગયા છે.

બાંગ્લાદેશ અત્યારે તૈયાર કપડાં બનાવવામાં અગ્રેસર છે. ચીન પછી સૌથી વધારે કાપડનું ઉત્પાદન બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે. જે દેશની આર્થિક વૃદ્ધિનું કારણ છે.

જોકે કોરોનાના કાળને કારણે બાંગ્લાદેશની આર્થિક વૃદ્ધિ પર રોક લાગી હતી. 2022થી બાંગ્લાદેશની આર્થિક પરિસ્થિતિ ડામાડોળ થઈ ગઈ હતી. મોંઘવારીમાં વધારો થયો હતો અને સરકારને વર્લ્ડ બૅન્કમાંથી લોન લેવાની ફરજ પડી હતી. આના કારણે લોકોનો સરકાર પર ગુસ્સો વધારે હતો. વિપક્ષી પાર્ટી આ ગુસ્સાનો લાભ લઈને સરકાર રચવા તત્પર બની હતી. પરંતુ શેખ હસીનાએ વિપક્ષને આ તક આપી ન હતી.

ભારત તરફી શેખ હસીનાને ડિસ્ટર્બ કરવા ચીન અને પાકિસ્તાન સતત પ્રયત્નમાં હતા. તેવામાં ગત સપ્ટેમ્બરથી અમેરિકા પણ આૃર્ય રીતે બાંગ્લાદેશના વિરોધમાં જોડાયું હતું. અમેરિકાએ બાંગ્લાદેશમાં લોકશાહીને નબળી પાડવાનો વડાંપ્રધાન શેખ હસીના પર આરોપ લગાવ્યો છે અને કેટલાક પ્રતિબંધો પણ લગાવવાના શરૂ કર્યા હતા. માનવ અધિકારના ઉલ્લંઘન માટે પણ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ બાંગ્લાદેશ તરફ નિશાન તાક્યા છે. પરંતુ જ્યાં સુધી ભારતનો સપોર્ટ છે ત્યાં સુધી શેખ હસીનાને ખબર છે અમારો વાળ વાંકો થવાનો નથી. અમેરિકા જેવા દેશોના પ્રતિબંધથી પણ શેખ હસીના સરકાર ભારતના સપોર્ટને કારણે ડરી નથી.

બાંગ્લાદેશનો કબજો લેવા દેશના કટ્ટરવાદી તત્ત્વો પણ સક્રિય છે અને ભારત તરફી શેખ હસીનાનો વિરોધ કરી રહ્યાં છે. આમ શેખ હસીનાની સરકારે દેશની અંદર અને દેશની બહારનાં તત્ત્વો સામે ઝઝૂમવાનું છે. ભારત અત્યારે શેખ હસીનાને તમામ સપોર્ટ કરી રહ્યું છે અને બાંગ્લાદેશ કોઈપણ સંજોગોમાં કટ્ટરવાદીઓના હાથમાં જવા ના દેવા તત્પર છે.

જોકે, શેખ હસીના ચૂંટાઈ ગયાં છે પરંતુ તેમનો રસ્તો સરળ નથી. કટ્ટરવાદી તત્ત્વો બહારના પરિબળોની મદદથી તેમની સરકારને અસ્થિર કરવાના તમામ પ્રયત્નો આગામી દિવસમાં કરવાના છે. જોઈએ શેખ હસીના આ કટ્ટરવાદીઓની સામે કેટલું ટકી શકે છે.


  • Follow us on: