- આયોજન : વ્યક્તિ કમાણી કેટલી કરે છે ? તે અગત્યનું નથી. તેમાંથી બચત કેટલી કરે છે ? તે મહત્ત્વનું છે
વર્તમાન અર્થતંત્ર અને ઊભી થયેલી પરિસ્થિતિમાં દરેક ડગલે પૈસાની જ જરૂર પડે છે, માણસ જાણે પૈસાની જ માયાજાળમાં ફસાઈ ગયો છે. આવક કરતાં ખર્ચની યાદી મોટી થતી જાય છે. તેમાં સૌથી વધુ પરેશાની મધ્યમ વર્ગની છે. મર્યાદિત આવક છે પરંતુ અમર્યાદિત ખર્ચની ટેવ છે. પરિણામે આવક કરતાં ખર્ચ વધી જવાથી મધ્યમ વર્ગની મુશ્કેલીઓ શરૂ થાય છે. આવનારી વિષમ પરિસ્થિતિ માટે કોઈ આયોજન ન હોવાથી દેવાંના વમળમાંથી બહાર નીકળતો જ નથી. ઢસરડામાં જ જિંદગી પૂરી થઈ જાય છે. ભારતનો મોટાભાગનો મધ્યમ વર્ગ પ્રમાણમાં કમાણી સારી કરે છે પરંતુ પૈસાદાર થતો નથી તેનું કારણ તેનું આર્થિક આયોજન જ નથી...આર્થિક બાબતોની જોઈએ તેવી સજ્જતા જ નથી...પરિણામે ગણતરી કે લાંબુ વિચાર્યા વગર ખર્ચ કરે છે. લોન મેળવે છે. પરિણામે આર્થિક મુશ્કેલીમાં જિંદગી બરબાદ કરે છે. બિનસંગઠિત ક્ષેત્રમાં નોકરી કરતા લોકો અને મધ્યમ ધંધો-વ્યવસાય કે વેપાર કરતા લોકો કમાણી કરે જ છે. પરંતુ કમાણી વાપરી નાખે છે. બચત થતી નથી...પરિણામે જરૂરિયાતના સમયે દેવું કરવું જ પડે છે. તે મધ્યમ વર્ગની મર્યાદા છે. આ મર્યાદા અને આવી માનસિકતામાંથી હવે લોકોએ બહાર આવવાની જરૂર છે.
શ્રીમંત એટલે મોટી મૂડીવાળા વર્ગને તો મૂડી જ તેનું કમાણીનું સાધન છે એટલે મોજ શોખથી જીવન જીવે છે. તેમાં પણ આર્થિક આયોજનના અભાવે મોટા પ્રશ્નો ઊભા થાય છે. ખૂબ ગરીબ વર્ગને જરૂરિયાત ઓછી છે પણ જો પૈસાની જરૂર પડે તો તેનું આર્થિક શોષણ થાય છે. મધ્યમ વર્ગ કરતા જરૂરિયાત ઓછી છે તેથી તેને મોટું દેવું કરવું પડતું નથી. જ્યારે મધ્યમ વર્ગની આવક મધ્યમ છે પરંતુ તેને દેખાદેખીમાં ખૂબ ખર્ચાળ જિંદગી જીવવી છે. પરિણામે મધ્યમ વર્ગ વધુ પરેશાન છે. ખરેખર તો મધ્યમ વર્ગના પરિવારમાં કમાણી કરનાર મુખ્ય વ્યકિત માત્ર કમાણી માટે મહેનત કરે છે...પરંતુ ખર્ચનો કંટ્રોલ એના એકલાના હાથમાં જ નથી...એક કમાણી કરે છે અને પરિવારના તમામ સભ્યો ખર્ચ કરે છે. તે જ તમામ મુશ્કેલીઓનું કારણ છે. મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગમાં જ રહે અને આકસ્મિક ખર્ચ આવે તો તે ગરીબી લાઈનથી નીચે આવી જાય છે. તેથી માત્ર તે પરિવારને જ મૂશ્કેલી વધે છે તેવું નથી. ભારતના અર્થતંત્રને પણ તેનાથી ભાર વધે છે. નુકસાન થાય છે...લોકોની આર્થિક સુખાકારી જ રાષ્ટ્રની ખરી તાકાત બને છે.
હવે લોકોને આર્થિક રીતે જાગૃત કરવા પડે તેમ છે. આજે ભારત સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. પરંતુ વસ્તી માત્ર 'ઉપભોગતા' (વપરાશકર્તા) બની રહેશે તો દેશની નક્કર પ્રગતિ નહિ થાય. મોટી વસ્તી તાકાત ત્યારે જ બને જો તે ઉત્પાદકતા બને..માત્ર વસ્તુનું જ ઉત્પાદન નહી...તેની પાસે જે ઉત્પાદનનાં સાધનો હોય તેનો ઉપયોગ કરે..અને સાધનોને અસરકારક બનાવે. માણસ પાસે ઉત્પાદનના સાધનોમાં 'શ્રામ શકિત' બધા લોકો પાસે છે. કૌશલ્ય વિકસાવી શકે અને મૂડી ખૂબ મહત્ત્વનું સાધન છે. તે તમામ સાધનો કામે લાગે ત્યારે દેશ સુખી થઈ શકે...દરેક વ્યકિત જેટલી થઈ શકે તેટલી પોતાની 'મૂડી' ઊભી કરે..અને આ મૂડીને કામે લગાડે તો મૂડીના સાધન (રોકાણ)માંથી વ્યાજની આવક કે નફો થશે તે તેની આવક બને તો દરેક નાગરિક આર્થિક સુખી થઈ શકે.
ખરેખર વ્યકિત કમાણી કેટલી કરે છે ? તે અગત્યનું નથી. તેમાંથી બચત કેટલી કરે છે ? તે મહત્ત્વનું છે. માત્ર વ્યકિત જાતમહેનતથી કમાણી કરે તો તે આવકથી ઘર ચાલે...પરંતુ તેમાંથી બચત કરી...તેનું રોકાણ કરી અને તે રીતે'મૂડી'માંથી કમાણી શરૂ થાય તો પૈસાથી ઘર ભરાય છે. મધ્યમ વર્ગ માત્ર આવકથી ઘર ચલાવે છે. પૈસાથી ઘર ભરવા માટે વિચારતો જ નથી.. પરિણામે મધ્યમ વર્ગ વધુ મુશ્કેલીભર્યા સમયમાંથી પસાર થઈ રહ્યો છે.
મધ્યમ વર્ગથી બચત કેમ નથી થતી ? તે વિચારવા જેવું છે. ખૂબ મર્યાદિત આવક છે. એક કમાણી કરે અને તેની પાછળ 3 થી 5 વ્યકિત નભે છે. એક વ્યકિતના માથે ચાર વ્યકિતની જવાબદારી છે. પરિણામે બચતનો વિચાર પણ થઈ શકતો જ નથી. પરિવારના તમામ સભ્યોએ શકય તેટલી કમાણી કરવી પડે તેવો વિકટ સમય ચાલી રહ્યો છે...બચત ન થઈ શકવાનું મુખ્ય કારણ લોકોમાં બચત કરવાની માનસિકતા જ નથી...પરિણામે દુઃખી છે. લોકો એવું માને છે કે પહેલા કમાણી કરો-પછી ખર્ચ કરો અને વધે તો બચત કરો પરિણામે પૈસા વધતા જ નથી...ખરેખર તો કમાણી કરો અને પછી તેમાંથી થોડી થોડી બચત ફરજિયાત કરો અને પછી વધે તેને વાપરો...આટલો સિદ્ધાંત અમલમાં મૂકશે તે મૂડી ઊભી કરી શકશે. આ મૂડી તેને આકસ્મિક સમયે કામ લાગશે અથવા તો વધુ પૈસા કમાવવા કામે લગાડી શકશે...પૈસા જ પૈસાને ખેંચી શકે તે કહેવત પ્રમાણે આવો પરિવાર પૈસાદાર બની શકે છે.
એક જ સરખી ઉમર અને એક જ સરખી નોકરી અને એક સરખા પગારથી નોકરી (દા.ત. શિક્ષક) પછી નિવૃત્ત થયેલા બે વ્યકિતઓની નિવૃત્તિ પછીની આર્થિક સ્થિતિ સરખી નથી હોતી તેનું કારણ પગાર નથી...પગાર તો સરખો જ હતો. પરંતુ મળેલા પગારનો ખર્ચ તેણે કયાં કર્યો તે અગત્યનું છે. માત્ર બચતથી ખૂબ પૈસાદાર નથી થવાતું પરંતુ કરેલી બચતનું યોગ્ય રોકાણ કયાં અને કેવા પ્રકારે કર્યુ હોય તેના આધારે પૈસાદાર થવાય છે. પૈસા આવે એટલે ખર્ચ કરવાનું મન થાય...તે સ્વાભાવિક છે, પરંતુ જરૂરિયાત અને સુવિધા વચ્ચેનો તફાવત સમજવાની જરૂર છે. સુવિધા પણ ખર્ચાળ હોય ત્યારે તમારી ગમે તેટલી આવક હોય તેને ખેંચી જાય છે. બીજામાંથી બોધપાઠ લેવા તે ખરું ડહાપણનું કામ છે...(વિચારી જોજો...)
મધ્યમ વર્ગને ચેતવા જેવી બાબત...તેના બેફામ ખર્ચની છે. કોરોના મહામારીએ સૌથી મોટો બોધપાઠ આપ્યો છે કે, માત્ર ભોજન, રહેવા અને કપડાંનો (રોટી, કપડાં, મકાન) નો ઝાઝો ખર્ચ થતો જ નથી...ખર્ચ થાય છે મોજશોખ માટે, ખર્ચ થાય છે રીત-રિવાજો અને પ્રસંગો માટે અને દેખાદેખીમાં થતો ખર્ચ મધ્યમ વર્ગને ધોઈ નાખે છે. મધ્યમ વર્ગમાં થતા લગ્ન પાછળ હેસિયતથી વધુ ખર્ચ થાય છે. 80 ટકા લગ્નોમાં વરરાજા અને કન્યાના પિતા દેવું કરીને લગ્ન કરે છે. આ મોંઘવારીમાં આવું દેવું કયારેય ચૂકતે થતું નથી...પરિણામે મધ્યમ વર્ગ કાયમ મધ્યમ વર્ગમાં જ રહેશે.
ગૃહિણી..એ ઘરની રાણી છે. હવે આ રાણી જ મધ્યમ વર્ગની તારણહાર બની શકે તેમ છે. મોંઘવારીનું તાંડવ, આરોગ્ય અને શિક્ષણના ખર્ચા અને પ્રસંગો માટે કરવામાં આવતા બેફામ ખર્ચા વચ્ચે 'માણસ' હવે માણસ નથી રહયો 'મશીન' બની ગયો છે. આ મશીન ચાલશે ત્યાં સુધી દોડતો રહેશે...ઓચિંતું કંઈક થશે તો પરિવાર નિરાધાર બની જશે. આ બાબતની ચિંતા હવે મહિલાઓએ પણ કરવી પડશે. દરેક મહિલા કંઈકને કંઈક કમાણી કરે તે સમય આવી ગયો છે. દરેક મહિલા ધારે તો પૈસાનું ઝાડ ઉગાડી શકે તેમ છે. હવે માત્ર બચત કરવી પૂરતું નથી...ડબ્બામાં કે કપડામાં પૈસાની થપ્પી મૂકી રાખવી તે સમજદારી નથી...પરંતુ કરેલી બચતનાં દરેક રૂપિયાનું રોકાણ કરી તેમાંથી આવક ઊભી કરવાની જરૂર છે.
પોતે અને બાળકોમાં બચતની ટેવ પાડવાની જરૂર છે. આ બચત મૂડી ગણી તેનુ રોકાણ કરો. રોકાણમાંથી મળતા વ્યાજએ તમારી 'કમાણી' છે. બાળકને મૂડી તથા આવકનો અહેસાસ કરાવો...ખરેખર શિક્ષણની સાથે સાથે બચતના પાઠ ભણાવવાની વધુ જરૂર છે. જે ગૃહિણીઓ આવું કરી શકે તે માતાઓ જ ભારત માતાને સમૃદ્ધ અને મહાસત્તા બનાવી શકશે.
કાનમાં કહું ???
'પ્રસંગોમાં વધુ ખર્ચ કરે તેની નહિ... પરંતુ વધુ બચત કરનારની પ્રશંસા કરવી જોઈએ....