- રશિયાએ યોજેલા વોસ્તોક-2022 સૈન્ય અભ્યાસમાં ભારતે ભાગ લીધો એમાં અમેરિકા ગિન્નાયું છે. અમેરિકાએ ભારતને એવી અપીલ કરી હતી કે, રશિયા સાથે સૈન્ય સંબંધ ન રાખો. આપણા દેશે વધુ એક વખત એવું કહી દીધું કે, અમને યોગ્ય લાગે એ જ અમે કરીશું
- રશિયાના યુદ્ધ અભ્યાસમાં ચીન પણ સાથે છે. આ ઉપરાંત લાઓસ, મંગોલિયા, નિકારાગુઆ, સીરિયા, બેલારૂસ અને તાજિકિસ્તાન સહિતના દેશોએ પણ ભાગ લીધો છે. અમેરિકાએ એ પણ ડર છે કે, ક્યાંક ભારત અને ચીન નજીક ન આવી જાય!
રશિયામાં અત્યારે વોસ્તોક-2022 નામનો જબરજસ્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે. આ મિલિટરી એક્સરસાઇઝમાં ભારત અને ચીન પણ ભાગ લઇ રહ્યા છે. આ ઉપરાંત લાઓસ, મંગોલિયા, નિકારાગુઆ, સીરિયા, બેલારૂસ અને તાજિકિસ્તાન પણ તેમાં જોડાયેલા છે. ભારતને બાદ કરતા બાકીના તમામ દેશો અમેરિકાના વિરોધીઓ છે. વોસ્તોક સૈન્ય અભ્યાસની વાત થઇ ત્યારથી અમેરિકા ભારતને એવી અપીલ કરતું રહ્યું છે કે, તમે રશિયાના સૈન્ય અભ્યાસથી દૂર રહો. હંમેશની માફક આ મુદ્દે પણ આપણા દેશે અમેરિકાને ગણકાર્યું નથી. અમેરિકા ભારતના રૂખથી નારાજ થાય એ સ્વાભાવિક છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં ભારત તટસ્થ રહ્યું છે. અમેરિકાએ ના પાડી હોવા છતાં ભારતે રશિયા પાસેથી એસ-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદી છે. ભારત રશિયા પાસેથી ઓઇલ પણ ખરીદી રહ્યું છે. ભારતની જગ્યાએ બીજો કોઇ દેશ હોત તો અમેરિકાએ તેની સામે પગલાં લીધા હોત. અમેરિકા ભારત સામે કંઇ કરી શકે એમ નથી, કારણે કે અમેરિકાને ભારતની જરૂર છે. રશિયાના યુદ્ધ અભ્યાસમાં તો વળી ચીન પણ સામેલ છે. અમેરિકાને એમ હતું કે, ચીન છે એટલે ભારત સૈન્ય અભ્યાસમાં નહીં જોડાય. ભારતને એવું કર્યું નથી. અમેરિકાને એ વાતનો ડર પણ છે કે, ક્યાંક ભારતના ચીન સાથેના સંબંધો સુધરી ન જાય. રશિયાએ એવા પ્રયાસો કર્યા છે અને હજુ પણ રશિયા એવું જ ઇચ્છે છે કે, ભારત અને ચીન પાછા નજીક આવી જાય. દસ દિવસ પછી તારીખ 15 અને 16ના રોજ ઉઝબેકિસ્તાનના સમરકંદ શહેરમાં શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠક મળવાની છે. આ બેઠકમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સહિત આઠ દેશોના નેતાઓ મળવાના છે. આ બેઠક વખતે મોદી અને જિનપિંગ વન-ટુ-વન મળે એવી પણ શક્યતાઓ છે. અમેરિકા એવું નથી ઇચ્છતું કે, ભારત-ચીનના સંબંધો સુધરે કારણ કે ભારત અને ચીનની દુશ્મની અમેરિકાના ફાયદામાં છે.
રશિયાનો સૈન્ય અભ્યાસ એ દુનિયાની સૌથી મોટી એક્સરસાઇઝ પૈકીની એક છે. આ અભ્યાસમાં 50 હજાર સૈનિકો, યુદ્ધમાં ઉપયોગી હોય એવા પાંચ હજાર વાહનો અને અન્ય શસ્ત્ર સરંજામ, 140 વિમાનો અને 60 યુદ્ધ જહાજ જોડાવાના છે. ગઇ તારીખ 1 સપ્ટેમ્બરથી ચાલુ થયેલો આ સૈન્ય અભ્યાસ તારીખ 7મી સુધી ચાલવાનો છે. આપણી સેનાની ગોરખા રેજિમેન્ટના જવોનોની ટૂકડી સૈન્ય અભ્યાસમાં ભાગ લેવા રશિયા પહોંચી છે. અમેરિકાએ આ સૈન્ય અભ્યાસને સમગ્ર વિશ્વ માટે ખતરનાક ગણાવ્યો છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જિન પિયરે કહ્યું કે, યૂક્રેન સાથે કોઇ દેખીતા કારણ વગર યુદ્ધ છેડનાર રશિયાનો આ અભ્યાસ જોખમી સાબિત થાય એવો છે. રશિયા કોઇપણ ભોગે આ સૈન્ય અભ્યાસને શાનદાર દેખાડવાનો પ્રયાસ કરે છે. રશિયાને પોતાની તાકાત સાબિત કરવી છે. તારીખ 24મી ફેબ્રુઆરી 2022ના રોજ રશિયાએ યૂક્રેન પર હુમલો કર્યો હતો. છ મહિના કરતા વધુ સમયથી આ યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયા યુદ્ધમાં સફળ થતું નથી એના કારણે આખી દુનિયામાં રશિયાની ઇમેજ ઝંખવાઇ છે. અમેરિકાએ રશિયા પર અસંખ્ય પ્રતિબંધો લાદ્યા છે. રશિયા જાણે પોતાને કોઇ ફેર પડતો ન હોય એવું વર્તન કરી રહ્યું છે. રશિયાએ પણ યુરોપના દેશોને અપાતો ગેસનો પુરવઠો બંધ કરીને સામા નહોર ભરાવવાના શરૂ કર્યા છે. રશિયા એવું સાબિત કરવા મથે છે કે, અમારા મિત્ર દેશો અમારી સાથે જ હતા અને આજની તારીખે પણ સાથે જ છે. તમે અમારાથી દૂર જશો તો અમને કોઇ ફેર પડવાનો નથી. અમે અમારા મિત્રોના સહારે વૈતરણી પાર કરી જશું.










