• ખાલિસ્તાન મૂવમેન્ટનો ચહેરો બની ગયેલો વારિસ પંજાબ દે સંગઠનનો વડો અમૃતપાલ આખરે ગિરફતાર થયો છે. અલબત્ત, વાત આટલું થવાથી પૂરી થઇ જવાની નથી. ખાલિસ્તાનના મૂળિયા નાબુદ કરવા પડશે!

  • પંજાબમાં દરેક શહેરથી માંડીને નાના નાના ગામોમાં પણ ખાલિસ્તાનનું સ્લીપર સેલ એક્ટિવ છે. દુનિયાના અનેક દેશોમાં ખાલિસ્તાનીઓ સક્રિય થઇ ગયા છે. અમેરિકાના ગુરપતવંતસિંહને ચૂપ કરાવવાની તાતી આવશ્યકતા છે!

પંજાબમાં સુષુપ્ત થઇ ગયેલી ખાલિસ્તાની ગતિવિધિઓને ફરીથી જીવતી કરી દેનાર વારિસ પંજાબ દે સંગઠનનો વડો અમૃતપાલ સિંહ આખરે પકડાયો છે. 36 દિવસથી અમૃતપાલ પોલીસને ગોળ ગોળ ફેરવતો હતો. હજુ પણ વાત તો એવી જ છે કે, અમૃતપાલ ઝડપાયો નથી પણ સરન્ડર થયો છે. ત્રણ દિવસ અગાઉ અમૃતપાલની પત્ની કિરણદીપને અમૃતસર એરપોર્ટ પર રોકવામાં આવી હતી. અમૃતપાલને હાજર કરવાની શરતે જ કિરણદીપને છોડવામાં આવી હતી? જે હોય તે પણ આખરે અમૃતપાલ પોલીસના કબજામાં આવી ગયો છે. અમૃતપાલને પોલીસે રોડે ગામથી પકડ્યો છે. જનરલસિંહ ભિંદરાવાલે પણ આ ગામનો જ હતો. ખાલિસ્તાનીઓએ અમૃતપાલને બીજા ભિંદરાવાલે તરીકે જ પેશ કર્યો છે. અમૃતપાલના દેખાવથી માંડીને એની ભાષામાં પણ ભિંદરાવાલેનો ટચ જોવા મળે છે. આ બધું એમ જ નથી થયું, વેલ પ્લાન્ડ કાવતરાનો એક ભાગ જ છે. અમૃતપાલ ગુરૂદ્વારામાંથી પકડાયો છે. એ જ્યારે પકડાયો ત્યારે ભિંદરાવાલેનો ભત્રીજો અને અકાલ તખ્તનો ભૂતપૂર્વ જથ્થેદાર જસબીરસિંહ પણ હાજર હતો. પોલીસ અમૃતપાલને લેવા પહોંચી એ પહેલા અમૃતપાલે ગુરૂદ્વારાના ગ્રંથી પાસેથી શીખોના પાંચ કકાર કેશ, કંધા, કડા, કિરપાણ અને કચ્છા ધારણ કર્યા હતા અને લોકોને સંબોધન પણ કર્યું હતું. બધું પતાવીને તે ગુરૂદ્વારાની બહાર નીકળ્યો હતો અને પોલીસે તેને ગિરફતાર કર્યો હતો. ભિંદરાવાલેના ગામેથી પોલીસ તેને ભટિંડા એરપોર્ટ લઇ ગઇ અને ત્યાંથી બાય એર તેને આસામની દિબ્રુગઢ જેલમાં લઇ જવામાં આવ્યો છે. અમૃતપાલની ગિરફતારીથી વાત પૂરી થઇ જતી નથી. ખરી વાત તો હવે શરૂ થાય છે. અમૃતપાલે ખાલિસ્તાન મૂવમેન્ટને હવા આપી દીધી છે. ખાલિસ્તાનીઓ ફરીથી જોમમાં આવી ગયા છે. બધાં એવું માને છે કે, નવો ભિંદરાવાલે પેદા થઇ ગયો છે અને હવે બધું નવેસરથી ચાલુ થવાનું છે. અમૃતપાલે જ્યાં જ્યાં સળગાવ્યું છે ત્યાં સુધી પહોંચીને સુરક્ષા દળોએ ઠારવું પડશે. ખાલિસ્તાનીઓના મૂળિયા જ્યાં સુધી ઉખેડી નાખવામાં નહીં આવે ત્યાં સુધી કોઇને કોઇ રીતે ખાલિસ્તાનીઓ માથું ઊંચકતા રહેવાના છે.

અમૃતપાલને પંજાબમાં રાખવો જોખમી હતો એટલે જ તેને આસામ લઇ જવાયો છે. તારીખ 18મી માર્ચે પોતાના સાથીઓને પોલીસના કબજામાંથી છોડાવવા માટે અમૃતપાલે અજનાલા પોલીસ સ્ટેશનને ઘેરી લીધું હતું. આ કેસમાં જેટલા પકડાયા છે એ બધાને આસામ શિફ્ટ કરાયા છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાની મૂવમેન્ટ ચલાવતો શીખ ફોર જસ્ટિસનો વડો ગુરપતવંતસિંહ પન્નુએ ત્યાંથી આસામના ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા એટલે કે યુનાઇટેડ લિબરેશન ફ્રંટ ઓફ આસામના વડા પરેશ બરૂઆને એક ખુલ્લો પત્ર લખીને કહ્યું કે, અમારા જે ખાલિસ્તાનીઓને આસામ લવાયા છે એને મદદ કરો!ઉલ્ફાને પન્નુએ કહ્યું કે, અમે જેમ ખાલિસ્તાન માટે દુનિયાના દેશોમાં જનમત સંગ્રહ કરાવ્યો છે એવો તમે પણ કરાવો, અમે તમને મદદ કરીશું. પન્નુએ તો પાકિસ્તાનને પણ કહ્યું હતું કે, ભારત સરકાર સામે લડવામાં અમને મદદ કરો. ભવિષ્યમાં ખાલિસ્તાન તમારું પડોશી બનવાનું છે. પડોશીઓ સાથે સારા સંબંધો હોય એ જરૂરી છે!પાકિસ્તાન આમ તો ખાલિસ્તાનીઓને તમામ પ્રકારની મદદ કરતું જ રહ્યું છે. પાકિસ્તાન ડ્રોન મારફતે ખાલિસ્તાનીઓને હથિયારો મોકલે છે અને આતંકવાદીઓને તમામ પ્રકારની તાલીમ પણ આપે છે. કાશ્મીર બાદ પંજાબમાં આતંકવાદી પ્રવૃતિઓને વકરાવવાના ઇરાદા પાકિસ્તાનના છે.

અમૃતપાલ પકડાયો હોય કે હાજર થયો હોય, જે થયું એ સારું થયું છે. તારીખ 29મી પહેલા અમૃતપાલને ગમે તેમ કરીને પકડવો જરૂરી હતો. તારીખ 29મી એપ્રિલ 1986ના દિવસે અકાલ તખ્તના ભૂતપૂર્વ જથ્થેદાર ગુરબચનસિંહ માનોચાહલે ખાલિસ્તાન બનાવવાનું એલાન કર્યું હતું. શીખ ફોર જસ્ટિસના વડા પન્નુએ આગામી તારીખ 29મીએ પંજાબના દરેક જિલ્લા મથકે કલેકટર કચેરીએ ખાલિસ્તાનના ઝંડા ફરકાવવાનું એલાન કર્યું છે. આવું કંઇ ન થાય એ માટે સુરક્ષા દળોએ સજાગ રહેવું પડશે. ઇન્ટેલિજન્સનો રિપોર્ટ એવું કહે છે કે, ખાલિસ્તાનીઓ પંજાબમાં કોઇ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં છે. અમૃતપાલ નશાના રવાડે ચડેલા યુવાનોને શોધીને ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે જોડતો હતો. તેને તો એક સ્યૂસાઇડ બોંબરની પણ તલાશ હતી. સુરક્ષા દળોએ એ પણ ચેક કરવું પડશે કે, પકડાતા પહેલા અમૃતપાલ કોઇ ગોઠવણ કરીને તો નથી ગયોને? અમૃતપાલનો ઉદય અનેક સવાલો પેદા કરે છે. હજુ એક વર્ષ પહેલા સુધી તો અમૃતપાલને કોઇ આળખતું નહોતું અને આજે તે ખાલિસ્તાનનો ચહેરો બની ગયો છે. વારિસ પંજાબ દે સંગઠનની સ્થાપના દીપ સિદ્ધુએ કરી હતી. દીપ સિદ્ધુ ખેડૂત આંદોલન દરમિયાન દિલ્હીના લાલ કિલ્લામાં ઘૂસી જઇ ખાલિસ્તાની ઝંડા ફરકાવવાના કિસ્સાના કારણે પ્રકાશમાં આવ્યો હતો. ખાલિસ્તાનીઓની યોજના તો દીપ સિદ્ધુને ચહેરો બનાવવાની હતી પણ તારીખ 15મી ફેબ્રુઆરી 2022ના રોજ દીપ સિદ્ધુ બાય રોડ દિલ્હીથી પંજાબ જઇ રહ્યો હતો ત્યારે હરિયાણાના સોનિપત નજીક તેની કારને અકસ્માત નડ્યો હતો અને તેનું મોત થયું હતું. અમૃતપાલ તો દુબઇ રહેતો હતો. અમૃતપાલને દુબઇથી બોલાવીને વારિસ પંજાબ દે સંગઠનનો વડો બનાવવામાં આવ્યો હતો. એક વર્ષમાં જ તેણે એવા કારનામા કર્યા કે, તે જગજાહેર થઇ ગયો.

આપણા દેશે ખાલિસ્તાનના કારણે એક વડાપ્રધાન ઇંદિરા ગાંધી ગુમાવ્યા છે. 31મી ઓકટોબર 1984ના દિવસે ઇંદિરાજીના જ બે બોડીગાર્ડ સતવંતસિંહ અને બિઅંતસિંહે ઇંદિરા ગાંધી પર ગોળીઓનો વરસાદ વરસાવીને તેમની હત્યા કરી હતી. ઓપરેશન બ્લૂ સ્ટાર સાથે જોડાયેલા ભૂતપૂર્વ સેના અધ્યક્ષ એ.એસ. વૈદ્ય સહિત અનેક લોકોની ખાલિસ્તાનીઓએ હત્યા કરી છે. વિમાન હાઇજેક કરીને ઉડાવી દેવાથી માંડીને અનેક મોટી આતંકવાદી ઘટનાઓને ખાલિસ્તાનીઓએ અંજામ આપ્યો છે. છેલ્લા કેટલાંય સમયથી ખાલિસ્તાનીઓએ ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, બ્રિટન અને અમેરિકા સહિત અનેક દેશોમાં ખાલિસ્તાનીઓએ ઉપાડો લીધો છે. ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરો પર ખાલિસ્તાનીઓના હુમલાની પાંચ ઘટના બની છે. બ્રિટનના લંડનમાં તો ખાલિસ્તાનીઓ ભારતીય દૂતાવાસ સુધી પહોંચી ગયા હતા અને ખાલિસ્તાનના ઝંડાઓ સાથે દેખાવો કર્યા હતા. કેનેડામાં તો ખાલિસ્તાની કંઇકને કંઇક ઉધામા મચાવતા જ રહે છે. પાકિસ્તાન વિશે તો કંઇ કહેવા જેવું જ નથી. પાકિસ્તાનના ગુરૂદ્વારાઓમાં શીખોને ઉશ્કેરવાના રીતસરના કાર્યક્રમો ચાલતા રહે છે. જે રીતનું નેશનલ અને ઇન્ટરનેશનલ નેટવર્ક ખાલિસ્તાનીઓએ ગોઠવ્યું છે એ ખતરનાક સ્વરૂપ ધારણ કરતું જાય છે. હવે તો ખાલિસ્તાનના આતંકવાદીઓ અને ક્રિમિનલોનું ડેડલી કોમ્બિનેશન પણ બહાર આવતું જાય છે. પાકિસ્તાનથી પંજાબના માર્ગે ડ્રગ્સ ભારતમાં ઘૂસાડવામાં આવે છે. ડ્રગની દાણચોરીથી જે આવક થાય છે એનો ઉપયોગ ખાલિસ્તાન આતંકવાદને વકરાવવા માટે કરવામાં આવે છે. દુનિયાના દેશોમાં વસતા ધનવાન પંજાબીઓ પણ ખાલિસ્તાનીઓને મોટા પાયે ફંડ આપતા રહે છે. કાશ્મીર માંડ માંડ થોડુંક શાંત થયું છે, આવા સંજોગોમાં પંજાબ ભડકે બળે એ આપણા દેશને પરવડે એમ નથી એટલે અત્યારથી જ ખાલિસ્તાનીઓનો જડમૂળથી ખાત્મો બોલાવવો પડે એમ છે!


  • Follow us on: