• નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા અને ઇટાલીએ હમણાં કહ્યું કે, અમે ક્યારેય એન્ટી-સેટેલાઇટ ટેસ્ટ નહીં કરીએ. આ ત્રણ દેશ પહેલા ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન, જર્મની, ફ્રાંસ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, અને બ્રિટન સહિત દસ દેશોએ પણ આવું ન કરવાનું કહ્યું હતું

  • સ્પેસમાં ફરતા સેટેલાઇટને ઉડાવી દેવાની ક્ષમતા આમ તો દુનિયાના ચાર દેશ અમેરિકા, ચીન, રશિયા અને ભારત પાસે જ છે. આપણા દેશે માર્ચ, 2019માં જ સ્પેસ સ્ટ્રાઇક કરવાની ક્ષમતા મેળવી લીધી હતી. ભવિષ્યમાં સ્પેસ વોર જ લડાય એવો ખતરો છે

બે ઘડી વિચાર કરો કે, સ્પેસમાં જે સેટેલાઇટો ફરી રહ્યા છે એને નિશાન બનાવીને ઉડાવી દેવામાં આવે તો? આપણો મોબાઇલ અચાનક જ કામ કરતો બંધ થઇ જાય તો? સાઇબર, ડિજિટલ અને કમ્પ્યુટર નેટવર્ક એક ઝાટકે ઠપ્પ થઇ જાય તો? આખી દુનિયામાં કેવી અંધાધૂંધી ફેલાઇ જાય? વોર એક્સપર્ટ્સ એવું કહે છે કે, ભવિષ્યના યુદ્ધો જમીન, દરિયા કે હવામાં નહીં પણ સ્પેસમાં લડાશે. દુશ્મન દેશો એક-બીજાના સેટેલાઇટ ઉડાવી દેશે અને દેશના કમ્યુનિકેશનને ખોરવી નાખશે. આવું ન થાય એ માટે યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીએ ગયા વર્ષે સપ્ટેમ્બર, 2022માં એન્ટી-સેટેલાઇટ ટેસ્ટ ન કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો હતો. એન્ટી સેટેલાઇટ ટેસ્ટને સરળ ભાષામાં એવું કહી શકાય કે, સ્પેસમાં ફરતા સેટેલાઇટને મિસાઇલથી ઉડાવી દેવાનું પરીક્ષણ. યુનાઇટેડ નેશન્સના આ પ્રસ્તાવનો અત્યાર સુધીમાં કુલ તેર દેશોએ સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે, અમે ક્યારેય એન્ટી-સેટેલાઇટ ટેસ્ટ નહીં કરીએ. આ દેશોમાં નેધરલેન્ડ, ઓસ્ટ્રીયા, ઇટાલી, કેનેડા, જાપાન, જર્મની, ફ્રાંસ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બ્રિટનનો સમાવેશ થાય છે. હજુ દુનિયાના બીજા દેશો પણ આ સમજૂતીમાં જોડાય એવી શક્યતાઓ છે. આ કિસ્સામાં એક હકીકત એ પણ છે કે, જે દેશોએ એન્ટી-સેટેલાઇટ ટેસ્ટ નહીં કરીએ એવું કહ્યું છે એ બધા દેશોમાંથી કોઇ પાસે એવી ટેક્નોલોજી જ નથી કે એ આવો ટેસ્ટ કરી શકે! દુનિયાના માત્ર ચાર દેશ અમેરિકા, રશિયા, ચીન અને ભારત પાસે જ એવી ક્ષમતા છે કે, સ્પેસમાં કોઇનો સેટેલાઇટ ઉડાવી શકે!

આપણા દેશે સ્પેસમાં સેટેલાઇટ ઉડાવી દેવાની ક્ષમતા ચાર વર્ષ પહેલા હાંસલ કરી હતી. તારીખ 27મી માર્ચ, 2019ની એ ઘટના યાદ કરો જ્યારે એવી જાહેરાત કરવામાં આવી હતી કે, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટેલિવિઝન પર દેશના લોકોને સંબોધન કરવાના છે. આ વાત વહેતી થઇ એ સાથે આખા દેશમાં એ વાતની ચર્ચા ચાલી હતી કે, વડાપ્રધાન શું વાત કરશે? વડાપ્રધાન મોદીએ દેશના લોકોને એ વાતની ખુશખબરી આપી હતી કે, આપણા દેશે હવે સ્પેસ સ્ટ્રાઇક કરવાની ક્ષમતા પણ હાંસલ કરી લીધી છે. આપણા દેશના ડીઆરડીઓ એટલે કે ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનના સ્પેસ સાયન્ટિસ્ટોએ બનાવેલી એન્ટી-સેટેલાઇટ મિસાઇલ છોડીને લો અર્થ ઓરબિટમાં 300 કિલોમિટર દૂર ફરતો સેટેલાઇટ તોડી પાડ્યો હતો. આ પ્રોજેક્ટને મિશન શક્તિ નામ આપવામાં આવ્યું હતું. આપણા વૈજ્ઞાનિકોએ સાત વર્ષની સખત મહેનત બાદ આ ક્ષમતા પ્રાપ્ત કરી હતી. એ સમયે સાઇબર નિષ્ણાતોએ એવું કહ્યું હતું કે, હવે દુનિયાનો કોઇ દેશ ક્યારેય આપણો સેટેલાઇટ ઉડાવવાની હિંમત નહીં કરે, એનું કારણ એ છે કે જો એવું કરશે તો ભારત એનો સેટેલાઇટ પણ તોડી પાડશે.

સેટેલાઇટ ટેક્નોલોજીમાં ભારતનું નામ મોખરે છે. આપણા દેશ અને દુનિયામાંથી જે સેટેલાઇટો સ્પેસમાં છોડવામાં આવે છે એનું એક ચોક્કસ આયુષ્ય હોય છે. અમુક સમય પછી એ કામ કરતા બંધ થઇ જાય છે. આવા ઘણા નક્કામા થઇ ગયેલા સેટેલાઇટો સ્પેસમાં ફરી રહ્યા છે. આ બધાનું શું કરવું એ સૌથી મોટો સવાલ છે. એક ઉકેલ એવો છે કે, કામ કરતા બંધ થઇ ગયેલા સેટેલાઇટને અવકાશમાં જ ઉડાવી દેવાના. આવું કરવામાં પણ જોખમ છે. નકામા સેટેલાઇટ ઉડાવી દીધા પછી એનો જે કચરો સ્પેસમાં ફેલાય છે એ બીજા લાઇવ સેટેલાઇટ કે સ્પેસ સ્ટેશન માટે ખતરો બની શકે છે. સ્પેસનો કચરો એ આવનારા સમયમાં દુનિયાનો સૌથી મોટો પ્રોબ્લેમ બનવાનો છે. નવેમ્બર, 2021માં રશિયાએ કામ કરતા બંધ થઇ ગયેલા પોતાના જ કોસમોસ-1408 નામના સેટેલાઇટને મિસાઇલ છોડીને ઉડાવી દીધો હતો. આ સેટેલાઇટનો કચરો એ રીતે ફેલાયો કે સ્પેસમાં ફરતા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશને કેટલીય વખત પોતાની પોઝિશન ચેન્જ કરવી પડી હતી. અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ એ વખતે નારાજગી વ્યક્ત કરી હતી અને દુનિયાના દેશોને કહ્યું હતું કે, આવા એન્ટી-સેટેલાઇટ એક્સપેરિમેન્ટ થતા રહ્યા તો ગંભીર સ્થિતિ પેદા થશે.

એન્ટી-સેટેલાઇટ ટેસ્ટના કારણે અત્યારે સ્પેસમાં 6851 કચરાના મોટા ટૂકડાઓ ફરી રહ્યા છે. 3472 ટૂકડા તો ઓર્બિટમાં છે. ચાર ઇંચ કરતા મોટો ટૂકડો સેટેલાઇટ અને સ્પેસ સ્ટેશન માટે ઘાતક સાબિત થઇ શકે છે. આવા સંજોગોમાં દુનિયામાં એન્ટી-સેટેલાઇટ વેપન્સ બનાવવાના પ્રયોગો બંધ થવા જોઇએ. 1957માં સોવિયત સંઘે દુનિયાનો સૌથી પહેલો સેટેલાઇટ સ્પુતનિક-1 લોન્ચ કર્યો હતો. અમેરિકાએ પણ બાદમાં સેટેલાઇટ લોન્ચ કર્યા. સોવિયત સંઘે પહેલો સેટેલાઇટ લોન્ચ કર્યો એ સાથે અમેરિકાને એવો ભય લાગ્યો હતો કે, સોવિયત સંઘ પરમાણુ હથિયાર છોડી શકાય એવા સેટેલાઇટ બનાવવાની ફિરાકમાં છે એટલે અમેરિકાએ સ્પેસમાં સેટેલાઇટ તોડી પડાય એવા હથિયારો બનાવ્યા. અમેરિકાએ સૌથી પહેલા બોલ્ડ ઓરિયન નામની એન્ટી-સેટેલાઇટ મિસાઇલ બનાવી હતી. અમેરિકા પછી રશિયાએ કો-ઓર્બિટલ્સ નામની મિસાઇલ બનાવી હતી. રશિયા અને અમેરિકા બાદ ચીને અને છેલ્લે આપણા દેશએ એવી મિસાઇલો બનાવવામાં સફળતા મેળવી જે સ્પેસમાં સેટેલાઇટ તોડી શકે. ઇઝરાયલ પાસે પણ આવી ક્ષમતા હોવાનું માનવામાં આવે છે. બીજા ઘણા દેશો સ્પેસમાં સેટેલાઇટ તોડી શકે એવા શસ્ત્રો બનાવવાના પ્રયાસો કરે છે. ભવિષ્યના જોખમોને ધ્યાનમાં રાખી અમેરિકાએ ગયા વર્ષે એપ્રિલ, 2022માં મિસાઇલોથી સેટેલાઇટ તોડવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આપણા દેશ પાસે જે એન્ટી સેટેલાઇટ મિસાઇલ છે એની રેન્જ 2000 કિલોમિટરની છે. આ મિસાઇલ એક કલાકમાં 1470થી માંડી 6126ની ઝડપે ઉડીને સેટેલાઇટ પર ત્રાટકી શકે છે. અત્યારે રશિયા અને યૂક્રેનનું યુદ્ધ ચાલે છે. રશિયા વિશે એવી વાતો થતી રહે છે કે, શું રશિયા યુદ્ધ ખતમ કરવા પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે? વચ્ચે એવી વાતો પણ આવી હતી કે, રશિયાએ પરમાણુ સ્ટેશનને એક્ટિવ કર્યું છે. એ વાત બહુ ઓછી ચર્ચાઇ છે કે, રશિયાએ સ્પેસમાં ફરતા યૂક્રેનના સેટેલાઇટને ઉડાવી દેવાની પણ તૈયારીઓ કરી રાખી છે. સેટેલાઇટ તોડવા માટે મિસાઇલ એક વખત છોડવામાં આવે પછી એને રોકવાનું કામ અશક્ય છે. એક સેટેલાઇટ તૂટે તો એનો કચરો બીજા સેટેલાઇટોને પણ તોડી શકે છે. આવું કંઇ ન થાય એ માટે જ યુનાઇટેડ નેશન્સે એવા પ્રયાસો આદર્યા છે કે, કોઇ દેશ એન્ટી-સેટેલાઇટ ટેસ્ટ ન કરે. આખી દુનિયાના દેશો આ સમજૂતીમાં સામેલ થાય એ બધાના હિતમાં છે. અલબત્ત, કેટલા દેશ આવું ન કરવા સંમત થશે એ પણ સૌથી મોટો સવાલ છે. આપણા દેશે પણ આ મુદ્દે હજુ કોઇ નિર્ણય કર્યો નથી. ભય તો એવો જ છે કે, હવે સ્પેસમાં લડવા માટેના હથિયારો બનાવવાની હોડ લાગવાની છે. દુનિયા પર જોખમો સતત વધતા જ રહેવાના છે!


  • Follow us on: