- કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો એ ભારત સાથે સંબંધો બગડે એવા નિવેદનો કરતા તો કરી દીધા પણ હવે આખો મામલો સંકેલવો કઇ રીતે એ તેમના માટે અઘરું થઇ ગયું છે. હવામાં આવી ગયેલા ખાલિસ્તાનીઓ પણ તેમના માટે આફતરૂપ સાબિત થવાના છે
- કેનેડા અને ભારતના સંબંધો બગડે એનાથી બંને દેશને ગેરફાયદો થવાનો છે, પરંતુ ભારત કરતા કેનેડા માટે વધુ મુશ્કેલી સર્જાવાની છે. જસ્ટિન ટ્રૂડોને કદાચ એ કલ્પના નહોતી કે, ભારત આટલું એગ્રેસિવ બનીને વળતો પ્રહાર કરશે!
કેનેડા સામે આપણો દેશ વધુને વધુ આક્રમક બની રહ્યો છે. યુનાઇટેડ નેશન્સની જનરલ એસેમ્બલીમાં આપણા વિદેશ પ્રધાને એસ. જયશંકરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, રાજકીય ફાયદા માટે આતંકવાદીઓને છાવરવાની નીતિ વાજબી નથી. કેનેડા આમ તો ક્યારનુંયે ભારતની નજરમાં હતું. કેનેડાને કેટલીયે વાર કહ્યું હતું કે, તમે ખાલિસ્તાનીઓ સામે પગલાં ભરો. જસ્ટિન ટ્રૂડો કોઇ વાતમાં સમજતા નહોતા. આપણે સામેથી કોઇ સાથે સંબંધ બગાડતા નથી પણ કોઇ જો અટકચાળું કરે તો તેને જડબાતોડ જવાબ આપવા લાગ્યા છીએ. જસ્ટિન ટ્રૂડોની દાનત ભારતમાં યોજાયેલી જી-20ની બેઠક વખતે જ વિવાદ છેડવાની હતી. સારું થયું કે, તેમણે ત્યારે કંઇ કર્યું નહીં, નહીંતર બંને દેશ વચ્ચે જે તણાવ પેદા થયો છે એની તીવ્રતા વધુ હોત. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોને કદાચ એમ હતું કે, ખાલિસ્તાનીઓની ફેવર કરવામાં પોતાને પોલિટિકલ ફાયદો થશે. એ ફાયદો તો થવાનો હશે ત્યારે થશે અત્યારે તો કેનેડાને જબરજસ્ત નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. સંબંધો બગડે એમાં નુકશાન બંને દેશને થવાનું છે પણ આપણા કરતા કેનેડાના ભાગે વધુ નુકશાન આવવાનું છે. જસ્ટિન ટ્રૂડોની બીજી ભૂલ એ હતી કે, તેણે ખાલિસ્તાનના મુદ્દાને બીજી ઘટનાઓ સાથે પણ સાંકળ્યો. તેણે કેનેડાના લોકો માટે એક નહીં પણ બે-બે એડવાઇઝરી જાહેર કરી. કાશ્મીર, મણિપુર અને આસામ ફરવા જવાની ના પાડી. આપણા દેશે કેનેડિયનો માટે વિઝા જ બંધ કરી દીધા. આવું કરીને આડકતરી રીતે એવો મેસેજ આપ્યો કે, તમે ત્યાં જ રહેજો, અહીં તમારું કંઇ કામ નથી.
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા મુદ્દે જસ્ટિન ટ્રૂડોએ ભારત સામે આક્ષેપ કર્યા પણ જે પુરાવાઓ આપવા જોઇએ એ આપ્યા નથી. માત્ર કેટલાંક કમ્યુનિકેશનના આધારે જ કહી દેવાયું છે કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે! વિદેશ પ્રધાન એસ. જયશંકરે અમેરિકામાં કહ્યું કે, હજુ કેનેડા પાસે નિજ્જરની હત્યા અંગે કોઇ જાણકારી હોય તો ભારતને આપે. અમેરિકાએ અમુક મુદ્દે કેનેડાને સાથે આપ્યો છે. આ વિશે અમેરિકાની પણ ટીકા થઇ રહી છે. હરદીપસિંહ નિજ્જર ક્યાં કોઇ સંત મહાત્મા હતો? એ તો પ્રૂવ્ડ ટેરરિસ્ટ હતો. અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં અને અયમન અલ જવાહરીને અફઘાનિસ્તાનમાં એના ઘરમાં ઘૂસીને માર્યા હતા. કેટલાંક લોકો તો એ મતના છે કે, ભારતે કદાચ નિજ્જરને મરાવ્યો હોય તો પણ એમાં શું ખોટું છે? દુશ્મન ગમે ત્યાં હોય એને ખતમ કરવો જ જોઇએ. અલબત્ત, ભારત સતત એવું જ કહેતું રહ્યું છે કે, નિજ્જરની હત્યામાં ભારતનો કોઇ હાથ નથી.
કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ ખાલિસ્તાનને આડકતરો સપોર્ટ કર્યા એના કારણે કદાચ થોડાક પંજાબીઓ તેમને સાથ આપશે પણ મોટા ભાગના કેનેડિયનો તેમના આ વર્તનથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. ભારત સાથે સંબંધ બગાડવાથી કેનેડાને નુકશાન જશે એ તો સમજી શકાય એવી વાત છે પણ કેનેડામાં ખાલિસ્તાનીઓ ફાટીને ધૂમાડે જશે. ખાલિસ્તાનીઓએ કેનેડાના ટોરન્ટો, વાનકુંવર અને ઓટાવામાં ભારતીય દૂતાવાસની કચેરીઓ સામે પ્રદર્શનો કર્યા. ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કર્યું. આ ઘટના સાબિત કરે છે કે, ખાલિસ્તાનીઓને બળ મળ્યું છે. કેનેડાની ઇમેજ આતંકવાદીઓને સાથ આપનાર દેશની જ બની જવાની છે. અમેરિકા, બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં આતંકવાદીઓ ઉધામા મચાવતા હતા. બ્રિટનમાં ભારતીય એમ્બેસી સામે દેખાવો થયા હતા. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ખાત્રી આપી એ પછી બ્રિટને ખાલિસ્તાનીઓ સામે પગલાં પણ લીધા છે. ઓસ્ટ્રેલિયામાં પણ હિંદુ મંદિરો પર હુમલો કરવાની પાંચ ઘટના બની હતી. આપણા દેશની વિનંતી પછી ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ ખાલિસ્તાનીઓ સામે સખત બન્યા છે. માત્રને માત્ર કેનેડા જ ખાલિસ્તાનીઓને છાવરતું રહે છે.
કેનેડામાં ખાલિસ્તાનનો ઇશ્યૂ બરોબરનો ચગ્યો છે એની સાથોસાથ નવો વિવાદ પણ છેડાયો છે. કેનેડાની સરકારે હિટલરના સમર્થક 98 વર્ષના યારોસ્લાવ હંકાનું સન્માન કર્યું એમાં પણ આખી દુનિયામાં તેની ટીકા થઇ રહી છે. નાઝી વેટરનને વોર હીરો કહ્યો એના કારણે રશિયા સહિત અનેક દેશોએ કેનેડાને વખોડ્યું છે. કેનેડાના એક પછી એક કરતૂત બહાર આવતા જાય છે. અમેરિકામાં શીખ ફોર જસ્ટિસ નામની સંસ્થાના ઓઠા હેઠળ આતંકવાદી પ્રવૃતિ કરતો ગુરપંતવંતસિંહ પન્નુ કેનેડામાં પડ્યો પાથર્યો રહે છે. હરદીપસિંહ નિજ્જર તો માર્યો ગયો છે પણ હજુ બીજા અસંખ્ય ખાલિસ્તાનીઓ અને માફિયાઓએ કેનેડાને પોતાની હોમ પીચ બનાવી છે. પાકિસ્તાનનું કનેકશન એવી રીતે ખૂલ્યું છે કે, પાકિસ્તાનથી ભારત અને બીજા દેશમાં ડ્રગ્સ પહોંચે છે, તેની જે ઇનકમ થાય છે એ કેનેડા પહોંચે છે અને તેનો ઉપયોગ ખાલિસ્તાની ગતિવિધિઓમાં કરવામાં આવે છે. કેનેડામાં જે ગેંગો કામ કરી રહી છે તેની વચ્ચે અંદરોઅંદર ગેંગવોર થવાની શક્યતાઓ છે. ઓવરઓલ વાત કરીએ તો કેનેડા હાથે કરીને પોતાના પગ પર કુહાડા મારી રહ્યું છે.
ખાલિસ્તાનીઓના કારણે જે પંજાબીઓ પરસેવો પાડીને પ્રામાણિકતાપૂર્વક કામ કરીને જિંદગી વિતાવે છે એ લોકો માટે મુશ્કેલીઓ પેદા થઇ છે. કેટલાંક લોકો એવું કહે છે કે, અમારા પર ખાલિસ્તાનીઓને મદદ કરવાનું પ્રેશર છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇએ તો ભારત કરતા પણ શીખોની વધુ સંખ્યા કેનેડામાં છે. ભારતની કુલ વસતિમાં શીખોની વસતિ 1.7 ટકા છે. કેનેડાની કુલ વસતિમાં શીખોની સંખ્યા 2.1 ટકા છે. ભારતની સંસદમાં શીખ સંસદ સભ્યની સંખ્યા 13 છે, જ્યારે કેનેડાની સંસદમાં શીખ સંસદસભ્યની સંખ્યા 15 છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેંચ પછી ત્રીજા નંબરની ભાષા પંજાબી છે. 2016માં જસ્ટિન ટ્રૂડો એવું બોલ્યા હતા કે, મારી કેબિનેટમાં શીખ મંત્રીઓની સંખ્યા વડાપ્રધાન મોદીની સરકાર કરતા વધુ છે. કેનેડામાં પંજાબીઓનો ઇતિહાસ 126 વર્ષ જૂનો છે. 1897માં બ્રિટિશ ઇન્ડિયન આર્મીના મેજર કેસરસિંહ સૌથી પહેલા કેનેડા ગયા હતા. અત્યારે આઠ લાખ જેટલા પંજાબીઓ કેનેડામાં વસે છે. કેનેડામાં કેટલાંક શહેરોના વિસ્તારો તો એવા છે જ્યાં તમને આપણા પંજાબના લુધિયાણા કે અમૃતસરની જ ફીલ આવે.
કેનેડાની આર્થિક સ્થિતિ સામે અનેક સવાલો ખડા થયા છે. કેનેડા અનેક સંકટોનો સામનો કરી રહ્યું છે. એક વાત તો ત્યાં સુધીની છે કે, વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના લોકોનું ધ્યાન બીજે દોરવા માટે જાણીજોઇને ભારત સાથે વિવાદ શરૂ કર્યો છે. જસ્ટિન ટ્રૂડોની લોકપ્રિયતામાં સતત ઘટાડો થઇ રહ્યા છે. થોડા સમય પહેલા દુનિયામાં ધ મોસ્ટ ટ્રસ્ટેડ લીડર પર એક સર્વે કરવામાં આવ્યો હતો. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી એમાં 76 પર્સન્ટ સાથે ટોપ પર રહ્યા હતા. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો 37 ટકા સાથે ટોપ ટેનમાં સૌથી છેલ્લા એટલે કે દસમા નંબરે રહ્યા હતા. આજે સર્વે કરવામાં આવે તો કદાચ તેની ટોપ ટેનમાંથી બાદબાકી થઇ જાય! ભારત તો ખાલિસ્તાનીઓને પહોંચી વળશે પણ જસ્ટિન ટ્રૂડોની દશા વધુ ખરાબ થવાની છે એવું રાજકીય નિષ્ણાતો જ કહી રહ્યા છે!