• ઇઝરાયેલની મુલાકાત દરમિયાન અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને કહ્યું કે, અમેરિકાએ 9/11 પછી જે ભૂલો કરી હતી એવી ભૂલો તમારાથી ન થાય એનું ધ્યાન રાખજો. આખરે બાઇડેને આવું કેમ કહ્યું?
  • ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ જે રીતે લડી રહ્યા છે એનાથી દુશ્મનાવટ વધવાની જ છે. હમાસનો નાશ થશે તો બીજું કોઇ બેઠું થશે. યુદ્ધ જેટલું લંબાશે એટલી જ ખાઇ વધુ પહોળી અને ખતરનાક થવાની છે!

ગુસ્સામાં હોવ ત્યારે કોઇ નિર્ણય ન કરવો અને ખૂબ ખુશ હોવ ત્યારે કોઇ પ્રોમિસ ન આપવું, આ વાક્ય તમે સોશિયલ મીડિયા પર કે બીજે ક્યાંય વાંચ્યું કે સાંભળ્યું હશે જ. ગુસ્સા વિશે એવું કહેવામાં આવે છે કે, ક્રોધ બુદ્ધિનો ચારો ચરી જાય છે. ગુસ્સામાં માણસ ક્યારેય સાચો નિર્ણય કરી શકતો નથી. હમાસને નેસ્તનાબુદ કરવાની દાનતથી લડી રહેવા ઇઝરાયેલને અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કહ્યું કે, નાઇન ઇલેવનની ઘટના પછી અમેરિકાએ જે ભૂલો કરી એવી ભૂલો તમારાથી ન થઇ જાય એનું ધ્યાન રાખજો. આ વાત બહુ સૂચક છે. અમેરિકા દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ છે. એવું નથી કે, અમેરિકા ભૂલો નથી કરતું, અમેરિકાએ અસંખ્ય ભૂલો કરી છે. હા, અમેરિકા બહુ ઓછી ભૂલો સ્વીકારે છે. અમેરિકા તો એવો દેશ છે જે પોતાની ભૂલને પણ કોઇને કોઇ દલીલ કે તર્ક લગાવીને સાચી ઠેરવવાનો પ્રયાસ કરે છે. એક રીતે જોવા જઇએ તો પ્રેસિડેન્ટ બાઇડેને આવું કહીને ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂને ટોણો જ માર્યો છે કે, તમે ભૂલ કરી રહ્યા છો. બાઇડેન આવ્યા એ પહેલા જ તેમણે કહ્યું હતું કે, હમાસને ખાત્મો બોલાવો પણ ગાઝા પટ્ટી પર કબજાનો વિચાર માંડી વાળો. ગાઝા પર કબજાના ગંભીર પરિણામો આવશે. નેતન્યાહૂ કોઇની વાત માને એ વાતમાં માલ નથી. હમાસનો હુમલો ઇઝરાયેલથી સહન થયો નથી. નેતન્યાહૂ ગુસ્સામાં છે. જ્ઞાની લોકો કહી ગયા છે કે, સંકટના સમયે શાંતિથી અને સ્વસ્થ ચિત્તે વિચારવું જોઇએ. અતિ ગંભીર પરિસ્થિતિમાં ત્યારે જ સારી રીતે વિચારી શકાય જો મન શાંત હોય. ઉતાવળે કરાયેલો નિર્ણય પતન નોતરતો હોય છે.

અમેરિકાના પ્રેસિડેન્ટ બાઇડેન ઇઝરાયેલ જઇને કહી આવ્યા કે, અમે તમારી સાથે છીએ. બે નેતાઓ જ્યારે યુદ્ધની સ્થિતિની ચર્ચા કરવા મળ્યા હોય ત્યારે તેની બધી વાતો બહાર આવતી નથી. ખરેખર બાઇડેને નેતન્યાહૂને શું સલાહ આપી એ કોઇને ખબર પડવાની નથી. અંદરખાને તો એવી જ વાત છે કે, બાઇડેને યુદ્ધ રોકવા અને ગાઝા પર કબજાનો વિચાર માંડી વાળવા કહ્યું હતું. બાઇડેન અમેરિકાની જે ભૂલોની વાત કરી એ ભૂલો કઇ છે? બાઇડેને કોઇ ફોડ નથી પાડ્યો પણ બધા સારી રીતે જાણે છે કે, એ ભૂલ અફઘાનિસ્તાન પર હુમલા અને કબજાની હતી. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં આવેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદીઓએ વિમાન હાઇજેક કરીને અકલ્પનીય હુમલો કર્યો હતો. તારીખ 11મી સપ્ટેમ્બર, 2001નો એ દિવસ હતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર જોતજોતામાં કડડભૂસ થઇ ગયા હતા. ત્રણ હજાર લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. સમગ્ર વિશ્વએ આ ઘટના ટીવી પર લાઇવ જોઇ હતી. પોતાની સુરક્ષાના બણગાં ફૂંકતું અમેરિકા કંઇ કરી શક્યું નહોતું. અમેરિકાએ તરત જ આ ઘટનાનો બદલો લેવાનું નક્કી કરી નાખ્યું હતું. અલકાયદાએ આ હુમલાનું પ્લાનિંગ અફઘાનિસ્તાનની ધરતી પરથી કર્યું હતું. એ સમયે અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું રાજ હતું. તાલિબાનોએ પણ આ હુમલા માટે અલકાયદાને સાથ આપ્યો હતો એવું માનવામાં આવે છે. અમેરિકાએ વોર અગેઇન્સ્ટ ટેરિરઝમ ડિકલેર કરીને પોતાના સાથી દેશોની સેના સાથે અફઘાનિસ્તાન પર હુમલો કરી દીધો હતો. અમેરિકા સામે ટકવાનું તાલિબાનોનું કોઇ ગજું હતું જ નહીં. અમેરિકાએ તાલિબાનોને ખદેડી મૂક્યા અને આખા અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો હતો. અમે તો અહીં લોકોને તાલિબાનોના આતંકથી મુક્ત કરવા માટે અને લોકશાહીનું સ્થાપન કરવા માટે આવ્યા છીએ એવું કહીને અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ચૂંટણીઓ કરાવી. થોડો સમય તો એવું લાગ્યું કે, બધું બરાબર થઇ રહ્યું છે પણ બાદમાં પરિસ્થિતિ પલ્ટી ગઇ.

સત્તાથી બેદખલ થયેલા તાલિબાનોએ આતંકવાદનો આશરો લીધો. તાલિબાનો અમેરિકન સેના સામે લડતા રહ્યા. અમેરિકાની સેના એકવીસ વર્ષ અફઘાનિસ્તાનમાં રહી. અમેરિકાએ અફઘાનિસ્તાન પાછળ 2.313 ટ્રિલિયન ડોલરનો જંગી ખર્ચ કર્યો. સવાલ માત્ર નાણાંનો નહોતો, અમેરિકાના 2500થી વધુ સૈનિકો તાલિબાન સાથેના સંઘર્ષમાં માર્યા ગયા હતા. એ સિવાય અમેરિકા વતી કામ કરવા અફઘાનિસ્તાન ગયેલા બીજા ચાર હજાર લોકોના પણ મોત થયા હતા. 47000 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા. અમેરિકાના સાથી દેશોના અસંખ્ય જવાનોએ પણ જીવ ગુમાવ્યો હતો. વીસ વર્ષ બાદ પણ અંતે અમેરિકાએ જે ધાર્યું હતું એ તો થયું જ નહીં. ઉલટું અમેરિકાએ દૂમ દબાવીને અફઘાનિસ્તાનમાંથી ભાગવું પડ્યું હતું. અમેરિકા કંટાળ્યું એ પછી તેણે તાલિબાનો સાથે વાટાઘાટો શરૂ કરી હતી. અમેરિકાની ઇચ્છા ગ્રેસફૂલ્લી અફઘાનિસ્તાનમાંથી નીકળી જવાની હતી. તાલિબાનોએ અમેરિકાને એવો મોકો આપ્યો નહોતો. તારીખ 15મી ઓગસ્ટ, 2021ના રોજ તાલિબાનો ફરીથી અફઘાનિસ્તાન પર ચડી બેઠા હતા. અમેરિકાએ જેને ચૂંટણી યોજીને લોકશાહી ઢબે પ્રેસિડેન્ટ બનાવ્યા હતા એ અશરફ ગની રાતોરાત દેશ છોડીને ભાગી ગયા હતા. અમેરિકન સેનાએ પણ ફટાફટ પોતાના બિસ્તરા પોટલા સંકેલીને ભાગવું પડ્યું હતું. આખી દુનિયામાં અમેરિકાની નાલેશી થઇ હતી. અમેરિકા માટે બધો જ ખેલ દળી દળીને ઢાંકણીમાં જેવો થયો હતો.

અત્યારે અફઘાનિસ્તાનની હાલત શું છે એ આખી દુનિયા સારી રીતે જાણે છે. લોકો પાસે ખાવા માટે ધાન નથી. સારવાર માટે દવા નથી. લોકોના અસ્તિત્ત્વ સામે સવાલો ખડા થયા છે. અમેરિકાએ પણ જબરા ફટકા સહન કર્યા છે. નાઇન ઇલેવનના ટેરરિસ્ટ એટેક કરતા અનેકગણી ખુવારી અમેરિકાએ અફઘાનિસ્તાનમાં ભોગવવી પડી હતી. હજુયે એ મુદ્દે ચર્ચા થઇ રહી છે કે, શું અમેરિકા અફઘાનિસ્તાન પર હુમલાને બદલે બીજું કંઇ કરી શક્યું હોત? અફઘાનિસ્તાનમાંથી આતંકવાદને ખતમ કરવા માટે અમેરિકાએ પાકિસ્તાનની મદદ લીધી હતી. પાકિસ્તાનને પણ અઢળક નાણાં આપ્યા હતા. પાકિસ્તાન ડબલ ઢોલકી વગાડતું હતું. તાલિબાનો પાકિસ્તાનની જમીન પરથી જ અમેરિકન સેના પર હુમલો કરતા હતો. ઓસામા-બિન-લાદેનને અમેરિકન સેનાએ પાકિસ્તાનમાંથી શોધીને પતાવી દીધો હતો. અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પણ એ પછી બગડી ગયા હતા. આજની તારીખે બંનેના સંબંધો સારા નથી. યુદ્ધ અને સંઘર્ષથી ક્યારેય કોઇને ફાયદો થયો નથી. યુદ્ધથી શાંતિ સ્થપાય છે એ વાત પણ ખોટી જ સાબિત થઇ છે. અમેરિકા એટલે જ ઇઝરાયેલને કહે છે કે, ગાઝા પર કબજા તમને સરવાળે મોંઘો પડશે.

ઇઝરાયેલ અત્યારે ગાઝા પર હુમલાઓ કરી રહ્યું છે. ગાઝા પર કબજો મળી જશે પછી એ જ ઇઝરાયેલે ત્યાં બધું સમુંનમું કરવું પડશે. ગાઝા પર કબજા બાદ પણ હમાસ, હિઝબુલ્લાહ અને બીજા આતંકી સંગઠનો તો લડતા જ રહેવાના છે. આનો કોઇ અંત જ નથી. અમેરિકન સેના તો અફઘાનિસ્તાનમાંથી પીછેહઠ કરી ગઇ. ઇઝરાયેલને તો એવું કરવું પણ પરવડે એમ નથી. ઇઝરાયેલ આ વખતે જીતી પણ જશે, પરંતુ એ પછી જે સવાલો ખડા થવાના છે એનો જવાબો શોધવામાં ઇઝરાયેલને નાકે દમ આવી જવાનો છે. ઇઝરાયેલ કોઇનું માનવાનું નથી, છેલ્લે તો એણે પણ અમેરિકાની જેમ પોતે કરેલી ભૂલો ભોગવવી જ પડવાની છે!


  • Follow us on: