- રશિયા અને યૂક્રેનનું યુદ્ધ સતત લંબાઇ રહ્યું છે. હજુ આ યુદ્ધ કેટલું ચાલશે એ વિશે શંકા કુશંકાઓ થઇ રહી છે. આ યુદ્ધના કારણે રશિયા અને યૂક્રેન તો ખુવાર થયા જ છે, સાથોસાથ દુનિયાના દરેક દેશે નાના મોટા ફટકા સહન કર્યા છે!
- રશિયાએ આ યુદ્ધ પાછળ અત્યાર સુધીમાં 13.9 લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે અને હજુ દરરોજ 2500 કરોડ રૂપિયા રશિયા ફૂંકે છે. યૂક્રેનનો તો હજુ હિસાબ જ નથી થયો. યુદ્ધ જેટલો ખર્ચ જો ગરીબો પાછળ થયો હોત તો દુનિયાનું કલ્યાણ થઇ જાત!
યુદ્ધ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, જ્યારે બે દેશો યુદ્ધમાં ઉતરે ત્યારે ગમે તે જીતે અને ગમે તે હારે પણ ખુવાર બંને દેશો થતા હોય છે. આ તો અગાઉના સમયની વાત થઇ. હવે દુનિયા ગ્લોબલ વિલેજ બની ગઇ છે એટલે બે દેશ યુદ્ધ ચડે ત્યારે દુનિયાના દરેક દેશને નાના મોટા ફટકા પડે જ છે. રશિયાએ યૂક્રેન પર તારીખ 24મી ફેબ્રુઆરી, 2022ના રોજ હુમલો કર્યો હતો. યુદ્ધને ઓગણીસ મહિના થયા છે. હજુ યુદ્ધ કેટલું ચાલશે એ વિશે શંકા કુશંકાઓ થઇ રહી છે. રશિયા અને યૂક્રેન યુદ્ધ જે રીતે ચાલી રહ્યું છે એ જોઇને કેટલાંક નિષ્ણાતોએ તો ત્યાં સુધીની વાત કરી છે કે, આવું જ ચાલ્યું તો યુદ્ધ એક દાયકા સુધી લંબાઇ શકે છે. અત્યારે તો બેમાંથી કોઇ દેશ મચક આપવાનું નામ લેતા નથી. બીજા દેશો પણ યુદ્ધ પતે એવા પ્રયાસો કરતા નથી. ઉલટું કેટલાંક દેશો તો એવું ઇચ્છે છે કે, યુદ્ધ ભલે જેટલું લંબાતું હોય એટલું લંબાય! આ દરમિયાનમાં એ વિશે પણ અભ્યાસો શરૂ થયા છે કે, યુદ્ધમાં અત્યાર સુધીમાં કુલ કેટલો ખર્ચ થયો? યૂક્રેન સાવ પાયમાલ થઇ ગયું છે. યૂક્રેન અત્યારે અમેરિકા અને બીજા દેશો પાસેથી જે હથિયારો મળે છે એના વડે જ લડી રહ્યું છે. અમેરિકા, બ્રિટન અને બીજા દેશોએ યૂક્રેનને કેટલી રકમના હથિયારો આપ્યા એનો સાચો આંકડો બહાર આવ્યો નથી પણ ફોર્બ્સે રશિયાના ખર્ચની વિગતો બહાર પાડી છે. ખર્ચની જે રકમ છે એ જોઇને એવો વિચાર આવ્યા વગર ન રહે કે, જો આટલી રકમ સારા કામોમાં વપરાઇ હોત તો દુનિયાનું કલ્યાણ થઇ જાત!
રશિયાએ યૂક્રેન સાથેના યુદ્ધમાં અત્યાર સુધીમાં 13.9 લાખ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. હજુ રશિયા દરરોજ યુદ્ધ પાછળ 2500 કરોડ રૂપિયા ખર્ચી રહ્યું છે. આ આંકડો તો માત્ર સૈન્ય ગતિવિધિઓ પાછળ થતા ખર્ચનો જ છે. યુદ્ધના કારણે વેપાર અને બીજા કામોમાં જે નુકશાન ગયું છે તેનો હિસાબ તો હજુ મંડાયો જ નથી. આ યુદ્ધના કારણે રશિયા અનેક વર્ષો પાછળ ધકેલાઇ ગયું છે. યૂક્રેન તો સાવ બરબાદ જ થઇ ગયું છે. યૂક્રેનના દરેકે દરેક શહેર ખંડેર બની ગયા છે. યૂક્રેનને ફરીથી બેઠું થતાં દાયકાઓ લાગવાના છે. લોકોને જે માનસિક અસરો થઇ છે એ તો અત્યારની પેઢી જ્યાં સુધી જીવશે ત્યાં સુધી રહેવાની છે. રશિયાએ યુદ્ધ પાછળ કરેલા ખર્ચનો હિસાબ જરાક જુદી રીતે પણ કરવામાં આવ્યો છે. વર્લ્ડ બેંકના 2021ના રિપોર્ટ અનુસાર દુનિયામાં કુલ 719 મિલિયન લોકો ગરીબીમાં જીવે છે. માત્ર રશિયાએ કરેલો ખર્ચ જ જો આ બધા વચ્ચે વહેંચી દેવામાં આવે તો એ બધાના ભાગે વીસ હજાર રૂપિયા આવે. ગરીબ લોકોની કમાણી અત્યારે રોજના 2.15 ડોલર કરતા પણ ઓછી છે. આટલા ખર્ચથી બધા જ ગરીબ લોકો 100 દિવસ સુધી આરામથી જિંદગી પસાર કરી શકે. અલબત્ત, યુદ્ધે ચડનારા દેશો દુનિયાના ગરીબોનું તો શું, પોતાના દેશનું ભલું પણ વિચારી શકતા નથી!
રશિયાના લોકો જ હવે યુદ્ધથી કંટાળ્યા છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન પોતાની જીદ છોડતા નથી અને લડ્યે રાખે છે. લોકો સવાલ પૂછે છે કે, શું રશિયાને બરબાદ કરીને જ પુટિનને શાંતિ થશે? સામા પક્ષે યૂક્રેનના પ્રેસિડેન્ટ વોલોદીમિર ઝેલેન્સ્કી પણ નમતું જોખવાનું નામ લેતા નથી. એ વાતથી ઇનકાર ન થઇ શકે કે, યૂક્રેનના લોકો બહાદૂર છે. લોકોએ સરકારને પૂરેપૂરો સાથ આપ્યો છે. સામાન્ય નાગરિકો પણ હાથમાં હથિયાર લઇને લડવા નીકળ્યા છે. બધી વાત સાચી પણ દરેક વાતનો એક અંત હોવો જોઇએ. સરવાળે તો લોકોને પોતાના પરિવાર સાથે શાંતિથી જીવવું હોય છે. દોઢ વર્ષથી લાખો લોકોની જિંદગી નર્ક જેવી બની ગઇ છે. બાળકોના ભવિષ્ય સામે સવાલો ઉઠી રહ્યા છે. યૂક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી થોડા દિવસ અગાઉ અમેરિકાની મુલાકાતે ગયા હતા. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન સાથેની મુલાકાત બાદ ઝેલેન્સ્કીએ કહ્યું કે, જો અમેરિકા હથિયારોની મદદ નહીં કરે તો રશિયા સામે યુદ્ધમાં ટકી નહીં શકાય. રશિયા તો એવું જ કહી રહ્યું છે કે, હવે યૂક્રેન તો માત્ર યુદ્ધનું મેદાન બની ગયું છે, લડે તો અમેરિકા, બ્રિટન અને તેના સાથી દેશો જ છે.
યૂક્રેનને આંખો મીંચીને મદદ કરનારા અમેરિકાની આર્થિક હાલત પણ ખરાબ થઇ ગઇ છે. અમેરિકાના નેતાઓ પણ હવે પોતાની સરકારને કહી રહ્યા છે કે, બહુ થયું, હવે યૂક્રેનને મદદ કરવાનું બંધ કરો. આપણું પણ વિચારો. અમેરિકાની ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે ભવિષ્યની મંદીના ભય મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, હવે વ્યાજ દરને વધારવાનું શક્ય નથી. બ્રિટનની બેંક ઓફ ઇંગ્લેન્ડે પણ સરકારને ચેતવી છે કે, જરૂરી આર્થિક પગલાં ભરો નહીંતર દશા હજુ વધુ ખરાબ થવાની છે. રશિયા પાસે હથિયારો ખૂટી ગયા છે. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુટિન હવે નોર્થ કોરિયા અને ચીન તરફ નજર માંડીને બેઠા છે.
અમેરિકાએ રશિયા પર ઇતિહાસમાં કોઇએ ક્યારેય ન લગાવ્યા હોય એટલા પ્રતિબંધો લાદ્યા છે. અમેરિકાના પ્રતિબંધોના કારણે દુનિયાના અનેક દેશોએ રશિયા સાથેના સંબંધો કાપી નાખ્યા છે. રશિયા પણ સામે સખત બન્યું છે. યુરોપના દેશોને રશિયા તરફથી મળતો ઓઇલ અને ગેસનો પુરવઠો બંધ છે એટલે એ દેશોની સ્થિતિ પણ બગડી ગઇ છે. ઓઇલ અને અનાજની અછત આખી દુનિયા અનુભવી રહી છે. રશિયા અને યૂક્રેન યુદ્ધથી પેદા થયેલી સ્થિતિ આખી દુનિયા જોઇ રહી છે છતાં ચીન સહિત દુનિયાના ઘણા દેશો હજુ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. ચીન તાઇવાનને ડરાવતું રહે છે. અઝરબૈજાને આર્મેનિયા પર વધુ હુમલાઓ કરીને કારાબાખ પર કબજો જમાવી લીધાનો દાવો કર્યો છે. રશિયા અને યૂક્રેનના યુદ્ધનો અંત કેવો હશે એ કહેવું અઘરું છે. સારી વાત એ છે કે, રશિયાએ હજુ સુધી પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ભૂલ નથી કરી. દુનિયામાં જ્યારે કોઇ પણ ઇન્ટરનેશનલ ઇવેન્ટ કે જુદા જુદા દેશોના સંગઠનની બેઠક મળે છે ત્યારે બધા વાતો શાંતિ અને સુરક્ષાની કરે છે પણ અંદરખાને બધા પોતાની રમતો રમતા રહે છે. દરેક દેશ પોતાનો ફાયદો જુએ છે. આપણો દેશ શાંતિમાં માને છે. આપણે યુદ્ધને પહેલેથી વખોડતા રહ્યા છીએ. ભારતે કૂટનીતિ વાપરી છે એટલે ભારત ટકી ગયું છે. યુદ્ધમાં ખરેખર કેટલો ખર્ચ થયો અને કોને કેટલું નુકશાન ગયું તેનો સાચો આંકડો તો ક્યારેય બહાર આવવાનો નથી. જે લોકોએ યુદ્ધમાં જીવ ગુમાવ્યા છે તેના પરિવારજનોની સ્થિતિ તો અકલ્પનીય છે. યુદ્ધ વહેલું પતે એ દુનિયાના હિતમાં છે પણ નજીકના ભવિષ્યમાં તો શાંતિ સ્થપાય એવા કોઇ એંધાણ મળતા નથી!