- અમેરિકાએ આખરે ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હત્યાના ષડયંત્રની વિગતો જાહેર કરી છે અને આ કેસમાં ભારતીય મૂળના નિખિલ ગુપ્તાની ધરપકડ કરી છે. જેની તરફ આંગળી ચિંધાઇ છે એ સીસી-વન કોણ છે?
- સીસી-વન ભારત માટે કામ કરે છે અને તેણે પન્નુની હત્યાનું કામ નિખિલને સોંપ્યું હતું. નિખિલે હિટમેનનો સંપર્ક કર્યો હતો. આ ઘટનાના કારણે ભારત અને અમેરિકાના સંબંધોમાં કોઇ ફેર પડશે કે કેમ? આખી ઘટનામાં શું સાચું અને શું ખોટું એ વિશે ભેદભરમ સર્જાયા છે!
ભારત સહિત દુનિયાના દેશોમાં ખાલિસ્તાન આતંકવાદને ભડકાવવાના પ્રયાસો કરનાર ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનો પ્લોટ અમેરિકાએ જાહેર કર્યો એના કારણે અનેક સવાલો સર્જાયા છે. કેનેડામાં ખતમ કરી દેવાયેલા ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં કેનેડાએ ભારત સામે આંધળી ચિંધી હતી, હવે ગુરપતવંત પન્નુની હત્યાના કાવતરામાં પણ ભારત સામે ઇશારો કરવામાં આવ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે ખૂબ જ સારા સંબંધો છે, આવા સમયે જ ભારતની ભૂમિકા સામે સવાલો ઉઠાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. અમેરિકાએ પન્નુની હત્યાના ષડયંત્રના કેસમાં ભારતીય મૂળના નિખિલ ગુપ્તાની ધરપકડ કરી છે. જે રીતે આખો પ્લોટ રજૂ કરવામાં આવ્યો છે એ ફિલ્મી કથાને પણ ટક્કર મારે એવો છે. સૌથી પહેલી વ્યક્તિને સીસી-વન નામ આપવામાં આવ્યું છે. વાત તો એવી છે કે, સીસી-વન ભારતનો સિનિયર ફિલ્ડ ઓફિસર છે. સીસી-વન સિક્યોરિટી મેનેજમેન્ટ અને ઇન્ટેલિજન્સનું કામ સંભાળે છે. આ વ્યક્તિ સીઆરપીએફ એટલે કે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનો ભૂતપૂર્વ અધિકારી છે. અલબત્ત, અમેરિકાએ આ વ્યક્તિની સાચી ઓળખ જાહેર કરી નથી. સીસી-વને ગુરપતવંતસિંહ પન્નુની હત્યાનું કામ નિખિલ ગુપ્તા નામની ભારતીય મૂળની વ્યક્તિને સોંપ્યું હતું. નિખિલ ગુપ્તા કીલરને શોધતો હતો. નિખિલે એક વ્યક્તિનો સંપર્ક કર્યો હતો. જે વ્યક્તિને હત્યાનું કામ સોંપવાનું હતું એ માણસ અમેરિકાની જાસૂસી સંસ્થાનો ખબરી હતો. નિખિલે તેને પન્નુની હત્યા માટે એક લાખ અમેરિકન ડોલર એટલે કે અંદાજે રૂપિયા 83 લાખ ઓફર કર્યા હતા. આ હિટમેન અમેરિકાનો અંડર કવર એજન્ટ હતો અને તેણે જ ભાંડો ફોડી નાખ્યો હોવાનું માનવામાં આવે છે.
નિખિલ ગુપ્તા વિશે પણ એવું કહેવાય છે કે, એ ભારતનો અંડર કવર એજન્ટ છે. નિખિલ ગુપ્તાની તારીખ 30મી જૂન, 2023ના રોજ ચેક રિપબ્લિક ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. અમેરિકા અને ચેક રિપબ્લિક વચ્ચે પ્રત્યાર્પણ સંધી છે. અમેરિકાના કહેવાથી જ ચેક રિપબ્લિક સિક્યોરિટી એજન્સીએ નિખિલ ગુપ્તાની ધરપકડ કરી હતી. કેનેડામાં તારીખ 18મી જૂન, 2023ના રોજ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા થઇ હતી. આ સમયની આસપાસ જ પન્નુની હત્યા કરવાની હતી. નિખિલે હિટમેનને એવું કહ્યું હતું કે, જેમ બને એમ જલ્દી કામ પતાવવાનું છે. પન્નુ પછી બીજા પણ ઘણા ટાર્ગેટ છે. પન્નુનું લોકેશન, તેની આદતો, તેની રોજિંદી ક્રિયાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હોવાનું કહેવામાં આવે છે. થોડા દિવસ અગાઉ બ્રિટનના ફાઇનાન્સિયલ એક્સપ્રેસે પન્નુની હત્યાનું કાવતરું અમેરિકાએ નિષ્ફળ બનાવ્યું એવો અહેવાલ પ્રસિદ્ધ કર્યો એ પછી આ વાત ચર્ચાનું કેન્દ્ર બની છે. આપણી સરકારે એવું કહ્યું છે કે, અમેરિકાના ઇનપુટને અમે ગંભીરતાથી લીધા છે અને અમે તપાસ કરીએ છીએ. અમેરિકાની વાત બહાર આવી એટલે કેનેડા રાજીના રેડ છે. કેનેડાએ કહ્યું કે, અમે તો પહેલેથી કહેતા આવ્યા છીએ કે, જે થઇ રહ્યું છે એની પાછળ ભારતનો હાથ છે.
વાત હરદીપસિંહ નિજ્જરની હત્યાની હોય કે ગુરપતવંત પન્નુની હત્યાના ષડયંત્રની હોય, એક વર્ગ એવો છે જે ભારત વિશે વાત થાય છે એમાં કશું ખોટું નથી સમજતો. સીધી આંગળીએ ઘી ન નીકળે ત્યારે આંગળી વાંકી કરવી પડે છે. ભારત સરકારે કેનેડા, અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોને વાંરવાર વિનંતીઓ કરી છે. પુરાવાઓ આપીને કહ્યું છે કે, તમારે ત્યાં બેસીને આ બધા ભારતની શાંતિને ડહોળવાના કરતૂતો કરતા રહે છે. એ બધા જે કાવતરા કરે છે એનો કંઇ વાંધો નહીં અને બીજું કંઇ થાય તો હોબાળો મચાવવાનો? ગુરપતવંતસિંહ પન્નુ ભારત વિરૂદ્ધ સરાજાહેર ઝેર ઓકતો રહે છે. બાકાયદા વીડિયો રિલિઝ કરીને ધમકીઓ આપતો રહે છે. ભારતમાં વર્લ્ડ કપ યોજાયો ત્યારે પણ તેણે કહ્યું હતું કે, અમે ધડાકાઓ કરીશું. ભારતના વિમાનો ઉડાવી દેવાની ધમકીઓ પણ તેણે આપી છે. પંદરમી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીની ઉજવણી વખતે ખાલિસ્તાની ઝંડાઓ ફરકાવવાની જાહેરાતો કરે છે. પંજાબીઓને ઉશ્કેરવાની કોઇ તક પન્નુ છોડતો નથી.
પોતાની હત્યાનું કાવતરું બહાર આવ્યા પછી ગુરપતવંત પન્નુના પગ પેટમાં ઘૂસી ગયા છે. પન્નુ હવે ભૂગર્ભમાં રહેવા લાગ્યો છે. જો કે, તેણે ભારત વિરોધી બયાનો આપવાનું ચાલુ રાખ્યું છે. પન્નુની હત્યાના ષડયંત્રની વાત ચાલી રહી છે ત્યારે દુનિયાભરના ઇન્ટેલિજન્સ ઓફિસર્સ એવું કહે છે કે, દુનિયાનો દરેક દેશ આવું કરે છે. અમેરિકા તો તેના માટે જાણીતું છે. અમેરિકાએ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં, અયમાન અલ જવાહીરીને અફઘાનિસ્તાનમાં, ઇરાનની સેનાના વડા કાસીમ સુલેમાનીને ઇરાકમાં પતાવી દીધા હતા. ઇઝરાયેલ પણ દુનિયાના બીજા દેશોમાં પોતાના દુશ્મનોને ખતમ કરી દે છે. રશિયાના એજન્ટસ પણ આવા આપરેશનો કરતા રહે છે. ભારત સરકાર આવી કોઇ ઘટનામાં સામેલ હોવાનો ઇનકાર કરતી રહી છે. અમેરિકા તો જાતજાતના સિક્રેટ મિશન્સ ચલાવતું રહે છે. પોતાના મિત્ર દેશોની જાસૂસી કરતા હોવાના આક્ષેપો અમેરિકાના જ સાથી દેશોએ અનેક વખત કર્યા છે.
ગુરપતવંતસિંહ પન્નુનો જન્મ પંજાબના અમૃતસરના ખાનકોટમાં થયો હતો. ભારતમાં ભણીને અમેરિકા ગયા બાદ વકીલાત શરૂ કરનાર ગુરપતવંત પન્નુએ વર્ષ 2007માં શીખ ફોર જસ્ટિસની સ્થાપના કરી હતી. અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતો પન્નુ અમેરિકા અને કેનેડાની ડ્યુઅલ સિટિઝનશીપ ધરાવે છે. તારીખ 1 જુલાઇ, 2020ના રોજ ભારત સરકારે તેને આતંકવાદી ડિકલેર કર્યો છે. તેની સંસ્થા શીખ ફોર જસ્ટિસ પર પણ ભારતમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભારતમાં તેની સામે 22થી વધારે ગુનાઓ નોંધવામાં આવ્યા છે. ઇન્ટરપોલે તેની સામે વોરંટ પણ ઇશ્યૂ કર્યું છે. કેનેડા, ઓસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં તેણે ખાલિસ્તાન રેફરન્ડમ પણ યોજ્યા છે. આખી દુનિયા તેના કરતૂતો જાણે છે, છતાં અમેરિકા તેની સામે લેવા જોઇએ એ પગલાંઓ લેતું નથી. આપણા પંજાબમાં જે કંઇ ખાલિસ્તાની ગતિવિધિઓ ચાલે છે તેમાં પન્નુની સીધી કે આડકતરી સંડોવણી હોય છે. પન્નુએ તો ખાલિસ્તાનનો નકશો પણ જાહેર કર્યો છે.
ગુરપતવંત પન્નુની દાનત આખી દુનિયાના જે જે દેશોમાં પંજાબીઓ વસી રહ્યા છે ત્યાં ત્યાં ખાલિસ્તાની નેટવર્ક ફેલાવવાનું છે. આતંકવાદીઓ અને પંજાબી માફિયાઓ પણ હવે સાથે મળીને કામ કરી રહ્યા છે. પંજાબનું ડ્રગ નેટવર્ક પણ ખાલિસ્તાનીઓના હાથમાં છે. પાકિસ્તાન અને કેનેડા તો ખાલિસ્તાનના અડ્ડા બની ગયા છે. પાકિસ્તાનની સરકાર, સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇ ખાલિસ્તાન આતંકવાદને વકરાવવાના સતત પ્રયાસો કરી રહ્યા છે. કેનેડાના માલેતુજાર ખાલિસ્તાનીઓ પાકિસ્તાનના આતંકવાદીઓને આર્થિક મદદ પહોંચાડે છે અને પાકિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબમાં હથિયારો સપ્લાય કરવામાં આવે છે. આપણી સરકાર ખૂબ જ સતર્ક છે એટલે ખાલિસ્તાનીઓ ફાવતા નથી, બાકી ખાલિસ્તાનીઓના મનસૂબા તો ખતરનાક છે. ગુરપતવંત પન્નુ અને બીજા આતંકવાદીઓને કોઇ પણ રીતે નાથવાની આવશ્યકતા તો છે જ. છેલ્લા થોડા સમયમાં ભારતના ઘણા દુશ્મનોના ઢીમ વિદેશની ધરતી પર ઢાળી દેવાયા છે ત્યારે ગુરપતવંત પન્નુની હત્યાના ષડયંત્રએ નવી ચકચાર જગાવી છે!