- પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા મિયાંવાલી એરબેઝ પર આતંકવાદીએ હુમલો કર્યો. માત્ર ચોવીસ કલાકમાં ત્રણ આતંકવાદી હુમલાએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. પાકિસ્તાન પોતાનું પાપ ભોગવે છે. હજુ વધુ હુમલાઓ થવાના છે
- પાકિસ્તાનમાં ફ્રેબ્રુઆરી, 2024ના રોજ ચૂંટણી થવાની છે. આતંકવાદીઓ ચૂંટણીઓ શાંતિથી પૂરી થવા દેવાના નથી. 17 લાખ અફઘાન શરણાર્થીઓને પાછા ધકેલવાનો નિર્ણય પણ પાકિસ્તાનને ભારે પડવાનો છે
પાકિસ્તાન ધીમે ધીમે આતંકવાદીઓના વધુને વધુ ભરડામાં આવી રહ્યું છે. ચોવીસ કલાકમાં મિયાંવાલી એરબેઝ પર આત્મઘાતી હુમલા સહિત ત્રણ ટેરરિસ્ટ એટેક પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. પાકિસ્તાને આતંકવાદીઓને પાળ્યા પોષ્યા છે અને હવે એ જ આતંકવાદીઓ પાકિસ્તાનને ભરખી રહ્યા છે. આવતા વર્ષે ફેબ્રુઆરી, 2024ના રોજ પાકિસ્તાનમાં ચૂંટણી થવાની છે. પાકિસ્તાનના કેરટેકર વડાપ્રધાન અનવર ઉલ હક કાકર દેશની હાલત વધુ ખરાબ થાય એવા નિર્ણયો લઇ રહ્યા છે. આતંકવાદીઓ ખુલ્લેઆમ એલાનો કરે છે કે, અમે દેશ પર કબજો કરી લેવાના છીએ. પાકિસ્તાનની સેના અને જાસૂસી સંસ્થા આઇએસઆઇએ આતંકવાદીઓ મારફતે ભારતના ઉરી, પઠાણકોટ સહિત અનેક સ્થળોએ હુમલાઓ કરાવ્યા હતા. હવે પાકિસ્તાન પોતે જ આવા હુમલાઓનો ભોગ બની રહ્યું છે. શનિવારે વહેલી સવારે આતંકવાદીઓ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા મિયાંવાલી એરબેઝમાં ઘૂસી ગયા હતા. આ સેન્ટર પાકિસ્તાન એરફોર્સના પાયલોટની તાલીમ અને પ્રેક્ટિસ માટે ઉપયોગમાં લેવાય છે. હુમલો થયો ત્યારે ત્રણ એફ-16 ફાઇટર જેટ એર બેઝ પર હતા. આતંકવાદીઓ આ ફાઇટરોને પણ ઉડાવી દીધા. આ સિવાય પણ ઘણી ખાનાખરાબી સર્જી. પાકિસ્તાનની સેનાએ આતંકવાદી હુમલા વિશે પહેલા તો એવું જ નિવેદન કર્યું કે, હુમલાને અમે નાકામ બનાવ્યો છે. ત્રણ આતંકવાદીઓને ખતમ કરી દેવાયા છે. પાકિસ્તાનની સેનાના કેટલા જવાનો માર્યા ગયા, શું નુકશાન થયું એ વિશે કોઇ વિગતો જાહેર ન કરી. આવા હુમલાઓ છુપાવી શકાતા નથી. સાચી વાતો વહેલી કે મોડી બહાર આવી જ જતી હોય છે. આ તો એક ઘટના છે, બીજી બે ઘટનાઓ પર પણ પાકિસ્તાન ખાસ કંઇ બોલતું નથી. પાકિસ્તાનના ગ્વાદરમાંથી પસાર થઇ રહેલા પાકિસ્તાનની સેનાના કાફલા પર આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં પાકિસ્તાનના 14 જવાનો માર્યા ગયા હતા. ત્રીજો એક હુમલો પણ પાકિસ્તાનમાં નોંધાયો છે. પાકિસ્તાનની સ્થિતિ એ છે કે, આતંકવાદી હુમલામાં એકલ દોકલ સૈનિક કે પોલીસ માર્યો ગયો હોય તો એની નોંધ પણ કોઇ લેતું નથી. મોટી ઘટના બને ત્યારે જ તેની ચર્ચા થાય છે.
પાકિસ્તાનના જે એરબેઝ પર હુમલો થયો એના નામે પાકિસ્તાન મોટી મોટી વાતો કરતું રહ્યું છે. મિયાંવાલી એરબેઝને એમએમ આલમ એરબેઝ નામ અપાયું છે. પાકિસ્તાન એરફોર્સના ભૂતપૂર્વ એર કમાન્ડર મોહમ્મદ મહેમૂદ આલમે 1965ના યુદ્ધમાં ભારતના પાંચ ફાઇટરોને નિશાન બનાવ્યા હતા. એ પછી તો આપણી સેનાએ પાકિસ્તાનની હાલત ખરાબ કરીને ઘૂંટણીયે લાવી દીધી હતી. આ એરબેઝ પર થયેલા આતંકવાદી હુમલાના જે વીડિયો બહાર આવ્યા છે એને જે ધડાકાઓ સંભળાઇ રહ્યા છે એ તેની ગંભીરતા છતી કરવા માટે પૂરતા છે. આ હુમલાની જવાબદારી તહેરીક-એ-જેહાદ નામના આતંકવાદી સંગઠને લીધી છે. આ સંગઠન વિશે ઓછી જાણકારીઓ બહાર આવી છે. તેના વિશે એવું પણ કહેવાતું રહ્યું છે કે, જે હુમલાઓ તેણે ન કર્યા હોય તેની જવાબદારીઓ પણ તેણે લીધી છે. જો આ હુમલો તહેરીક-એ-જેહાદે કરાવ્યો હોય તો તેના નામે આ પહેલો બહુ મોટો હુમલો ગણાશે. આ સંગઠન આ વર્ષે ફેબ્રુઆરી, 2023માં જ અસ્તિત્ત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. ગઇ તારીખ 12મી જુલાઇના રોજ પાકિસ્તાનની સેનાના જવાનો પર હુમલા થયો હતો. આ હુમલામાં પાકિસ્તાનની સેનાના પાંચ જવાનોને પતાવી દેવાયા હતા. આ હુમલાની જવાબદારી તહેરીક-એ-જેહાદે લીધી હતી. અબ્દુલ્લાહ યાઘીસ્તાની ટીએજેના ટૂંકા નામે ઓળખાતા આ સંગઠનનો વડો છે. ટીએજેના પ્રવક્તા મુલ્લા કાસીમ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે, ટીએજે પાકિસ્તાન પર કબજો કરીને ઇસ્લામિક શાસન સ્થાપવા માંગે છે. પાકિસ્તાનના બીજા આતંકવાદી સંગઠન તહેરીક-એ-તાલિબાને પણ આવું જ એલાન કર્યું છે. શનિવારે 14 પાકિસ્તાની સેનાના જવાનોને મારી નાખવાની જવાબદારી તહેરીક-એ-તાલિબાને લીધી છે. પાકિસ્તાનમાં સરેરાશ રોજના એકથી વધુ ટેરરિસ્ટ એટેક નોંધાય છે. તાલિબાનો અફઘાનિસ્તાનમાં ઘૂસી આવ્યા એ પહેલા તહેરીક-એ-જેહાદ અફઘાનિસ્તાનમાં એક્ટિવ હતું. અફઘાનિસ્તાનમાં આ સંગઠને અમેરિકન સેના પર અનેક હુમલાઓ કર્યા હોવાનું માનવામાં આવે છે.










