- ભારત અને મ્યાંમાર વચ્ચે 1643 કિલોમિટરની બોર્ડર છે. મ્યાંમારમાં લશ્કરી બળવો થયો એ પછી મ્યાંમારના ઘણા લોકો જીવ બચાવવા માટે ભારતમાં ઘૂસી આવ્યા છે. મ્યામાંરની સ્થિતિ બગડી રહી છે ત્યારે આપણા દેશે બોર્ડર પર તારની વાડ નાખવાનો નિર્ણય કર્યો છે
- મ્યાંમારની બોર્ડર પર 80 આતંકવાદી સંગઠનો એક્ટિવ છે. ભારતમાં ઉત્ત્પાત સર્જવા માટે ચીન આ આતંકવાદી સંગઠનોને મદદ કરે છે. મ્યાંમારના લશ્કરી શાસન સામે શરૂ થયેલા વિદ્રોહે પણ અનેક સવાલો સર્જ્યા છે. મ્યાંમારનું ભાવિ અનિશ્ચિતતામાં અટવાયેલું છે!
પડોશીનું ઘર સળગતું હોય ત્યારે તેની ઝાળ આપણા ઘર સુધી પહોંચે એવો ખતરો રહેતો હોય છે. મ્યાંમારમાં જ્યારથી લશ્કરી શાસને દેશ પર કબજો કર્યો છે ત્યારથી ત્યાંની સ્થિતિ સ્ફોટક બનેલી છે. હવે તો મ્યાંમારમાં વિદ્રોહીઓ રીતસર સેના સામે જંગે ચડ્યા છે. વિદ્રોહીઓ એવો દાવો કરે છે કે, દેશના કેટલાંક વિસ્તાર પર અમે કબજો કરી લીધો છે અને અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. મ્યાંમારના વિદ્રોહની અસર પોતાના સુધી ન પહોંચે એ માટે ચીને પણ મ્યાંમાર સાથેની પોતાની સરહદ પર સેના ગોઠવી દીધી છે. મ્યાંમારમાં સેનાએ લોકો પર અત્યાચાર ગુજારતા મ્યાંમારના લોકો પોતાનો જીવ બચાવવા બોર્ડર ક્રોસ કરીને ભારતમાં આવી ગયા છે. આપણા પૂર્વોત્તરના રાજ્ય મણિપુરમાં મ્યાંમારના શરણાર્થીઓ માટે કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. ભારત મ્યાંમાર બોર્ડર પર જે રીતે ગતિવિધિઓ વધી રહી છે એ જોઇને આપણા દેશે આખરે બોર્ડર પર તારની વાડ લગાડવાનું નક્કી કર્યું છે. આપણા ગૃહ પ્રધાન અમિત શાહે સત્તાવાર રીતે જાહેરાત કરી કે, મ્યાંમાર સાથેની બોર્ડર પર નજર રાખવા માટે વાડ લગાડવાનું કામ શરુ કરવામાં આવશે. ભારત અને મ્યાંમાર વચ્ચે 1643 કિલોમિટરની બોર્ડર છે. આપણા રાજ્યો મણિપુર, અરૂણાચલ પ્રદેશ, નાગાલેન્ડ અને મિઝોરમ મ્યાંમાર સાથે જમીનથી જોડાયેલા છે.
મ્યાંમારમાં લશ્કરી શાસનને ગઇ તારીખ 1 ફેબ્રુઆરીના રોજ ત્રણ વર્ષ પૂરા થયા છે. વર્ષ 2021ની પહેલી ફેબ્રુઆરીએ મ્યાંમાર લશ્કરના વડા મિન આંગ હલિંગે બળવો કર્યો હતો. હલિંગે લોકશાહી ઢબે ચૂંટાયેલા દેશનાં વડાં આંગ સાન સૂ કીને જેલમાં ધકેલીને દેશ પર કબજો જમાવી દીધો હતો. મ્યાંમારના લોકોએ લશ્કર સામે દેખાવો શરૂ કર્યા હતા અને હજુ પણ જીવના જોખમે વિરોધ કરી રહ્યા છે. દેખાવો કરી રહેલા લોકો પર સેનાએ આડેધડ ગોળીબાર કર્યાની ઘટનાઓ નોંધાઇ છે. મ્યાંમારના સંઘર્ષમાં અત્યાર સુધીમાં 6500 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને ત્રણ હજારથી વધુ લોકોને ઇજા થઇ છે. મ્યાંમારથી ભાગીને 16 હજારથી વધુ લોકો ભારતમાં ઘૂસી આવ્યા છે. શરણાર્થીઓનો તો બહુ વાંધો નથી પણ એ સિવાય જે સ્થિતિ સર્જાઇ છે એના કારણે ભારતે બોર્ડર પર વાડ કરવાનું નક્કી કર્યું છે. બીજી ભાષામાં વાત કરીએ તો એવું કહી શકાય કે, મ્યાંમાર સાથેની બોર્ડર સિલ કરવામાં આવી રહી છે. બોર્ડર પર માત્ર વાડ જ નથી લાગવાની પણ હાઇબ્રિડ સર્વેલન્સ સિસ્ટમ્સ પણ લગાવવામાં આવશે. બોર્ડર પર પેટ્રોલિંગ પણ વધારવામાં આવ્યું છે. આપણું પૂર્વોત્તરનું રાજ્ય મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી અશાંતિમાં અટવાયેલું છે. મણિપુર શાંત કેમ નથી થતું એની તપાસમાં એવું બહાર આવ્યું હતું કે, મણિપુરના તોફાની તત્ત્વોને ચીન મદદ કરી રહ્યું છે. ભારત અને મ્યાંમારની બોર્ડર પર એંસી જેટલા આતંકવાદી સંગઠનો એક્ટિવ છે. આ સંગઠનોના આતંકવાદીઓને ચીન હથિયારો પૂરા પાડે છે અને તાલીમ પણ આપે છે. માત્ર મણિપુરમાં જ નહીં, પૂર્વોત્તરમાં જે અંધાધૂંધીની ઘટનાઓ બને છે તેમાં સીધી કે આડકતરી રીતે ચીનની સંડોવણી હોય છે. એના કારણે પણ બોર્ડર પર વધુ સખતાઇ જરૂરી બની છે.
એ વાત તો આખી દુનિયા જાણે છે કે, મ્યાંમારના લશ્કરી શાસક મિન આંગ હલિંગને ચીન તમામ પ્રકારની મદદ કરે છે. મિન આંગ હલિંગે બળવો કર્યો એ પહેલા જ ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ મ્યાંમારની મુલાકાતે ગયા હતા. આંગ સાન સૂ કી ભારત તરફ ઝૂકી રહ્યા હતા એ ચીનથી સહન થતું નહોતું. ભારત અને મ્યાંમારના સંબંધો પ્રાચીન સમયથી સારા રહ્યા છે, જો કે મ્યાંમારને આઝાદી મળી એ પછી સંબંધોમાં ઉતાર ચડાવ આવતા રહ્યા છે. આઝાદીના સમયથી જ મ્યાંમાર ગૃહ યુદ્ધ, અશાંતિ, અનિશ્ચિતતા અને અરાજકતાનો ભોગ બનેલું છે. મ્યાંમારમાં પણ અંગ્રેજોનું શાસન હતું. તારીખ 4 જાન્યુઆરી, 1948ના રોજ અંગ્રેજોએ મ્યાંમારને મુક્ત કર્યું હતું. એ સમયથી ભારત અને મ્યાંમાર વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થાપિત થયા હતા. 1962માં સેનાએ બળવો કરીને મ્યાંમાર પર કબજો જમાવી દીધો હતો. એ પછી સંબંધો ઘટ્યા હતા. 1962થી 1987 સુધી સંબંધો મર્યાદિત રહ્યા હતા. 1987માં માંડ બધું સરખું થયું ત્યાં 1989માં ફરીથી સેનાએ બળવો કર્યો. એ પછી જ દેશનું નામ બદલીને બર્મામાંથી મ્યાંમાર કરી દેવામાં આવ્યું હતું. આંગ સાન સૂ કીએ દેશમાં લોકશાહી માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. 2011માં ફરી મ્યાંમારમાં લોકશાહીનું સ્થાપન થયું હતું. ચૂંટણી યોજાઇ હતી અને આંગ સાન સૂ કી દેશના કાઉન્સેલર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. એ પછી બધું બરાબર ચાલતું હતું પણ કોણ જાણે કોની નજર વારંવાર આ દેશ પર લાગી જાય છે કે, 2021માં ફરીથી બળવો થયો અને લશ્કરે દેશ પર કબજો જમાવી લીધો,
મ્યાંમારના લશ્કરી શાસન સામે અમેરિકાએ પ્રતિબંધો લાદ્યા છે. દુનિયાના અનેક દેશોએ મ્યાંમાર સાથેના સંબંધો મર્યાદિત કરી નાખ્યા છે. આપણે કૂટનીતિ વાપરીને મ્યાંમાર સાથે સંબંધો ચાલુ રાખ્યા છે. આપણે ઇચ્છીએ તો પણ મ્યાંમાર સાથે સંબંધો કાપી શકીએ એમ નથી. મ્યાંમારમાં ભારતના અનેક પ્રોજેક્ટો ચાલી રહ્યા છે. આપણે જો મ્યાંમાર સાથે સંબંધો કાપી નાખીએ તો ચીનને ફાવતું મળી જાય. ચીન એક તો ઓલરેડી મ્યાંમારમાં ઘૂસેલું છે, ચીનને કંટ્રોલમાં રાખવા માટે પણ મ્યાંમાર સાથે સંબંધો ચાલુ રાખવા પડે એમ છે. ભારત, મ્યાંમાર અને થાઇલેન્ડ વચ્ચે ટ્રાયલેટરલ હાઇવે બની રહ્યો છે. આ પ્રોજેક્ટનું કામ ઓલમોસ્ટ પૂરું થઇ ગયું છે. આપણા દેશના કોલકાતાથી શરૂ થનારો આ હાઇવે 1360 કિલોમિટરનો છે. કોલકાતાથી સિલિગુડી, કૂચ બિહાર થઇ આસામ, નાગાલેન્ડ અને મણિપુરના ઇમ્ફાલ અને મોરેહ થઇ આ માર્ગ મ્યાંમાર પહોંચશે. મ્યાંમારના તામુ શહેરથી આખું થાઇલેન્ડ ક્રોસ કરીને થાઇલેન્ડના માઇસોચ સુધી પહોંચશે. આ માર્ગને હજુ વિએટનામ અને લાઓસ સાથે જોડવાની યોજના પણ છે, જો કે એ તો હવે થાય ત્યારે સાચું. મ્યાંમારમાં પેદા થયેલી વિદ્રોહની સ્થિતિના કારણે ભારતના એક પ્રોજેક્ટ પર તો ખતરો પેદા થયો હતો. ભારત અને મ્યાંમાર વચ્ચે કલાદાન મલ્ટિમોડેલ ટ્રાન્ઝિસ્ટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ ચાલે છે. આ પ્રોજેક્ટ ભારત અને મ્યાંમારને દરિયાઇ રસ્તે જોડવાનો છે. આ પ્રોજેક્ટ આપણા કોલકાતા બંદરથી મ્યાંમારના રખાઇન જિલ્લામાં આવેલ સિતવે બંદરને જોડે છે. આ પ્રોજેક્ટ હેઠળ મિઝોરમથી મ્યાંમારના પલેતલા વચ્ચે વહેતી કલાદાન નદીને પણ જોડવાનું કામ હતું. પલેતલામાં કામ ચાલતું હતું ત્યાં આ વિસ્તાર પર મ્યાંમારના લશ્કરી શાસન સામે લડતા અરાકાન આર્મીએ કબજો કરી લીધો. કામ અટકી ગયું હતું. જો કે, હમણાં અરાકાન આર્મીએ એવું કહ્યું કે, અમને ભારત સાથે કોઇ પ્રોબ્લેમ નથી એટલે અમે આ કામમાં ક્યાંય વચ્ચે આવવાના નથી. એ કામનું તો જે થવાનું હશે એ થશે, મ્યાંમારના રસ્તે આપણા દેશમાં કોઇ નવી મુશ્કેલી ઘૂસી ન આવે એ માટે જ બોર્ડરને સીલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે!