- અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન ઇઝરાયેલની મુલાકાતે ગયા છે. અમેરિકાની સેનાને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે. આખરે અમેરિકા યુદ્ધ વકરાવવા ઇચ્છે છે કે પછી બાઇડેનનો ઇરાદો કોઇ વચલો રસ્તો કાઢીને સમાધાન કરાવવાનો છે?
- જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્જ પણ ઇઝરાયલ જઇ આવ્યા છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મૈક્રોંની પણ ઇઝરાયેલ જવાના છે. શું આ બધા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂને મનાવવા જઇ રહ્યા છે?
ઇઝરાયેલ અને હમાસનું યુદ્ધ ખતરનાક રીતે આગળ વધી રહ્યું છે. ઇઝરાયેલ ગાઝા પટ્ટી પર કબજો કરવાના ઉદ્દેશ સાથે આગળ વધી રહ્યું છે પણ એને જોઇએ એવી સફળતા મળતી નથી. ઇઝરાયેલ સાથેના સંઘર્ષમાં હમાસની પીછેહઠ થઇ છે એમાં ના નહીં પણ હજુ હમાસ લડી તો રહ્યું જ છે. આ દરમિયાનમાં ગાઝાની હોસ્પિટલ પર થયેલા હુમલાએ હાહાકાર મચાવ્યો છે. યુદ્ધમાં ઘાયલ થયેલા લોકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. રોકેટથી હોસ્પિટલ પર થયેલા હુમલામાં પાંચસો લોકોના મોત થયા છે. આ હુમલાના કારણે ઇઝરાયેલ પર માછલા ધોવાઇ રહ્યા છે. ખુદ અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેને કહ્યું કે, હોસ્પિટલ પરના હુમલાથી હું ક્રોધિત અને દુ:ખી છું. મુસ્લિમ દેશો ઇઝરાયેલના પગલાંને વોર ક્રાઇમ ગણાવીને ઇઝરાયેલ સામે કાર્યવાહી કરવાની માંગણી કરી રહ્યા છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ પોતાના બચાવમાં એવું કહે છે કે, હોસ્પિટલ પર અમે હુમલો કર્યો નથી. આતંકવાદીઓએ છોડેલું રોકેટ મિસફાયર થયું છે. યુદ્ધમાં કોણ સાચું અને શું સાચું એ ઘડીકમાં નક્કી થતું નથી. ઇઝરાયેલના સત્તાધીશો રોજેરોજ કહી રહ્યા છે કે, આ યુદ્ધ જ્યાં સુધી અમે જીતશું નહીં ત્યાં સુધી ચાલુ રહેવાનું છે. ઇરાન પણ દરરોજ ઇઝરાયેલને ધમકી આપે છે કે, હુમલાઓ બંધ કરો નહીંતર અમે પણ યુદ્ધમાં ઝંપલાવીશું. યુદ્ધ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, તમે યુદ્ધ શરૂ કરી શકો છો પણ યુદ્ધ ખતમ કરવાનું તમારા હાથમાં રહેતું નથી. રશિયા અને યૂક્રેનના યુદ્ધમાં આ વાત સાચી ઠરી છે. રશિયાને એમ હતું કે, એક અઠવાડિયામાં અમે યૂક્રેનને ઘૂંટણિયે લાવી દેશું. છસ્સો દિવસ થયા, હજુ રશિયાનો મેળ પડ્યો નથી. ઇઝરાયેલની ગણતરી પણ એવી જ હતી કે, અમે બહુ ઝડપથી ગાઝા પર કબજો જમાવી લેશું પણ હજુ તેનો મેળ પડ્યો નથી. આ યુદ્ધ પણ કેટલું ચાલશે એ કહેવું મુશ્કેલ બની રહ્યું છે. આ દરમિયાનમાં દુનિયાના નેતાઓ ઇઝરાયેલની મુલાકાત લઇ રહ્યા છે.
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન બુધવારે ઇઝરાયેલ પહોંચ્યા છે. ફ્રાંસના પ્રેસિડેન્ટ ઇમેનુએલ મૈક્રોં અને જર્મનીના ચાન્સલર ઓલાફ સ્કોલ્જ સહિતના નેતાઓ ઇઝરાયેલ ગયા છે. અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકેન અત્યાર સુધીમાં બે વખત ઇઝરાયેલ જઇ આવ્યા છે. આ બધા શા માટે ઇઝરાયેલ જાય છે? પ્રેસિડેન્ટ બાઇડેને કહ્યું કે, અમે તો ઇઝરાયલના સપોર્ટ માટે જઇએ છીએ. તેના વિશે વાત તો એવી થઇ રહી છે કે, બાઇડેન બેન્જામીન નેતન્યાહૂને યુદ્ધ ખતમ કરવા માટે મનાવવા અને કોઇ વચલો રસ્તો કાઢવા માટે ઇઝરાયેલ ગયા છે. બાઇડેન પહેલા જ એવું કહી ચૂક્યા છે કે, હમાસનો ખાત્મો કરવાની વાતમાં કશું ખોટું નથી પણ ઇઝરાયેલ જો ગાઝા પટ્ટી પર કબજો કરશે તો એના પરિણામો સારા નહીં હોય. ઇઝરાયલે જો આવું કર્યું તો અમેરિકાએ મુસ્લિમ દેશો સાથે સંબંધો સુધારવા માટે જે પ્રયાસો કર્યા છે એના પર પાણી ફરી જવાનું છે. જો યુદ્ધ વકર્યું તો અમેરિકાએ ઇઝરાયેલને સાથ આપવો જ પડશે, અમેરિકા અત્યારે ઓલરેડી અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. પારકા ઝઘડામાં વધુ ખુવાર થવું અમેરિકાને પરવડે એમ નથી. ઇઝરાયેલ બાઇડેનની કોઇ વાત માનશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. ઇઝરાયેલ જીદ્દી છે. એ કોઇ પણ ભોગે ધાર્યું કરે છે. એમાંયે આ વખતે તો હમાસે પહેલો ઘા માર્યો હતો એટલે ઇઝરાયેલને હાડોહાડ લાગી આવ્યું છે. આખી દુનિયામાં ઇઝરાયેલની ઇમેજ લડી લેનાર અને કદી કોઇને ન ઝૂકનાર દેશની છે. પોતાની આ ઇમેજ જરા પણ ઝાંખી પડે એ ઇઝરાયેલને પરવડે એમ નથી. જો ઇઝરાયેલ નબળું સાબિત થાય તો ભવિષ્યમાં ઇરાન કે બીજો કોઇપણ દેશ તેના પર હુમલો કરી શકે છે. ઇઝરાયેલે એ સાબિત કરવું છે કે, અમારી સામે કોઇએ આંગળી ચિંધી છે તો અમે તેનો આખેઆખો હાથ જ કાપી નાખીશું.










