- કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રૂડોના નિવેદનોએ ભારત અને કેનેડાના સંબંધો સામે અનેક સવાલો ખડા કરી દીધા છે. કેનેડાના જ બુદ્ધિજીવીઓ કહી રહ્યા છે કે, ટ્રુડો ખાલિસ્તાનીઓને આડકતરો સપોર્ટ કરીને આગ સાથે રમત રમી રહ્યા છે!
- કેનેડાની સરકારે એક એડવાઇઝરી જાહેર કરી છે. કેનેડાના લોકોને કાશ્મીર ફરવા જવાની ના પાડી છે. કેનેડા જે કરી રહ્યું છે એની અસરો વર્ષો સુધી વર્તાવાની છે. જસ્ટિન ટ્રુડો કેનેડાએ ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી પણ કંઇ શીખ્યા નથી!
ભારત અને કેનેડાના સંબંધો એક નવા વળાંક પર આવીને ઉભા રહી ગયા છે. કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો જી-20ની બેઠકમાં હાજરી આપવા ભારત આવ્યા હતા. જી-20 બેઠક દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરીને દ્વીપક્ષીય મંત્રણાઓ કરી હતી. એ સમયે એવું લાગતું હતું કે, બંને દેશના સંબંધો સુધરશે. થયું સાવ ઉલટું. સંબંધો હતા એના કરતા વધુ ખરાબ થયા છે. જસ્ટિન ટ્રુડોનું વિમાન બગડ્યું એના કારણે તેઓ બે દિવસ ભારતમાં ફસાઇ ગયા હતા. ટ્રુડો કેનેડા પહોંચ્યા એ પછી પોતાના દેશમાં તેમના પર માછલા ધોવાયા. ઘણાએ કહ્યું કે, ભારતમાં ટ્રુડોનું અપમાન થયું. સામા પક્ષે ઘણાએ એવા સવાલો પણ કર્યા કે, ટ્રુડોએ એ વિચારવું જોઇએ કે તેમની સાથે આવું શા માટે થયું? જે થયું એના માટે જવાબદાર જસ્ટિન ટ્રુડો જ છે. જસ્ટ્રિન ટ્રુડોએ કેનેડામાં ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું. આપણા દેશે કહ્યું કે, કેનેડા પોતાનું પાપ છુપાવવા ભારત પર ખોટા આળ લગાવે છે. બંને દેશે એક-બીજાની રાજદૂતોને વિદાય કર્યા. આ બધું ચાલી રહ્યું હતું ત્યાં જ કેનેડાએ એક એડવાઇઝરી જાહેર કરી. પોતાના દેશના નાગરિકોને કહ્યું કે, ભારતના કાશ્મીરની સ્થિતિ સારી નથી. કાશ્મીર ઉપરાંત મણિપુર અને આસામ ફરવા જવામાં જોખમ છે એવું પણ આ એડવાઇઝરીમાં જણાવાયું છે. કાશ્મીરમાં આખી દુનિયાના લોકો ફરવા આવે છે. કાશ્મીરમાં છૂટક પુટક આતંકવાદી ઘટનાઓ બનતી રહે છે એમાં ના નહીં પણ ત્યાં કોઇ ટૂરિસ્ટને ટાર્ગેટ કરવામાં આવતા નથી. લાખો લોકો ત્યાં ફરવા જાય જ છે. કેનેડાને દુખે છે પેટ અને કૂટે છે માથું એ આ એડવાઇઝરી પરથી સાબિત થાય છે!
ખાલિસ્તાન ટાઇગર ફોર્સનો વડો હરદીપસિંહ નિજ્જર મોસ્ટ વોન્ટેડ હતો. ભારતે કેનેડાને અનેક વખત વિનંતીઓ કરી હતી કે, નિજ્જર સામે કાર્યવાહી કરો. એને પકડીને ભારતને હવાલે કરો. કેનેડાએ કંઇ ન કર્યું. બીજી પણ એક મહત્ત્વની વાત છે. હરદીપસિંહ નિજ્જરની હત્યા 19મી જૂન, 2023ના રોજ થઇ હતી. કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરીમાં હરદીપસિંહ નિજ્જર ગુરૂદ્વારાની બહાર પોતાની કારમાં બેઠો હતો ત્યારે બાઇક પર આવેલા હુમલાખોરોએ તેના પર ગોળીઓ છોડીને પતાવી દીધો હતો. આ ઘટનાને ત્રણ મહિના થયા છે. છેક ત્રણ મહિને ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ કેમ જસ્ટિન ટ્રુડોએ લગાવ્યો? ટ્રુડોએ ક્યા આધારે એવું કહ્યું કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે? કેનેડાની સરકાર શા માટે હરદીરસિંહ નિજ્જરને થાબડભાણાં કરતી હતી? જસ્ટિન ટ્રુડો પોતાનું રાજકારણ બચાવવા માટે આતંકવાદીઓની ફેવર કરે છે અને પ્રોત્સાહન આપે છે. જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતામાં છેલ્લા થોડા સમયમાં જબરજસ્ત ઘટાડો થયો છે. 2025માં કેનેડામાં ચૂંટણી થવાની છે. કેનેડામાં થયેલા સરવે એવું કહે છે કે, ટ્રુડો માટે ફરીથી જીતવું અઘરું છે. જસ્ટિન ટ્રુડો જો એવું સમજતા હોય કે ખાલિસ્તાનીઓને મદદ કરીને અને ભારત સાથે સંબંધ બગાડીને તેને પોલિટિકલ ફાયદો થશે તો એ સૌથી મોટી ભૂલ કરી રહ્યા છે.
નિજ્જરની હત્યા માટે ભારત સામે આંગળી ચિંધી એના કારણે માત્ર કેનેડાના જ નહીં, આખી દુનિયાના દેશોમાં બેસીને ખાલિસ્તાની ગતિવિધિઓ ચલાવતા આતંકવાદીઓ ગેલમાં આવી ગયા છે. કેનેડાની જાસૂસી સંસ્થા ધ કેનેડિયન સિક્યોરિટી ઇન્ટેલિજન્સ એજન્સીએ કેનેડાની સરકારને એક ડિટેઇલ્ડ રિપોર્ટ આપીને ચેતવણી આપી છે કે, ખાલિસ્તાનીઓ કેનેડા માટે જ ખતરનાક સાબિત થશે એટલે તેની સામે સક્રિય થવાની જરૂર છે. કેનેડાની સરકાર કોઇ વાતને ગંભીરતાથી લેતી નથી. પાકિસ્તાને આતંકવાદીઓને છાવર્યા છે અને તેના પરિણામો પાકિસ્તાન ભોગવી રહ્યું છે. અમેરિકાનાં હિલેરી ક્લિન્ટને જે વાત પાકિસ્તાન માટે કરી હતી એ વાત કેનેડાને પણ એટલી જ લાગુ પડે છે. હિલેરીએ કહ્યું હતું કે, તમે તમારા ઘરના વાડામાં સાપ ઉછેરો તો એવું જરૂરી નથી કે એ સાપ પડોશીના ઘરમાં જઇને જ દંશ દે, એ તમને પણ કરડી શકે છે. ભારત સાથેના વેપાર અને બીજા સંબંધો તો એની જગ્યાએ છે પણ કેનેડા પોતાના પગ પર જ કુહાડા મારવાની તૈયારીઓ કરી રહ્યું છે.
પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો એ જ ભૂલ કરી રહ્યા છે જેવી ભૂલ તેમના પિતા પિયરે ટ્રુડોએ કરી હતી. વાત છે વર્ષ 1982ની. એ સમયે સ્વ. ઇંદિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા. કેનેડાના વડાપ્રધાન પદે જસ્ટિન ટ્રુડોના પિતા પિયરે ટ્રુડો હતા. કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી તલવિંદરસિંહે ત્યારે ઉપાડો લીધો હતો. પંજાબમાં તેણે બે પોલીસમેનની હત્યા કરી હતી. પંજાબથી તે જર્મની ભાગી ગયો હતો. ત્યાં પણ તેની ધરપકડ થઇ હતી. જર્મનીની જેલમાંથી છૂટીને તલવિંદર કેનેડા પહોંચી ગયો હતો. ઇંદિરા ગાંધીએ કેનેડાના તત્ત્કાલીન વડાપ્રધાન પિયરે ટ્રુડોને એવી વિનંતી કરી હતી કે, તલવિંદરને પકડીને અમારે હવાલે કરી દો. પિયરે ટ્રુડોએ આ વાત માની ન હતી. આ જ તલવિંદરે બોંબ મૂકીને વિમાન ઉડાવી દીધું હતું. તારીખ 23મી જૂન, 1985ના રોજ એર ઇન્ડિયાની ફ્લાઇટ કનિષ્ક કેનેડાથી વાયા લંડન થઇ દિલ્હી આવી રહી હતી, એ સમયે વિમાનમાં બોંબ બ્લાસ્ટ થયો હતો. વિમાનમાં સવાર તમામ 329 મુસાફરોના મોત થયા હતા. આ 329માં 268 લોકો તો કેનેડાના સિટિઝન્સ જ હતા. 27 બ્રિટિશર હતા અને 24 ભારતીય હતા. માર્ચ, 2005માં કેનેડાની કોર્ટમાં આ ઘટનાનું જજમેન્ટ આવ્યું હતું. આ ચુદાદામાં એવું જણાવાયું હતું કે, તલવિંદરે આ વિમાનને ઉડાવી દેવાના કાવતરામાં મોટી ભૂમિકા ભજવી હતી. બોંબ બ્લાસ્ટની ઘટના બાદ તલવિંદર માટે કેનેડામાં રહેવું મુશ્કેલ થઇ ગયું હતું એટલે એ ભાગીને ભારત આવી ગયો હતો. તારીખ 15મી ઓકટોબર, 1992માં પંજાબમાં પોલીસ સાથેની અથડામણમાં તલવિંદર માર્યો ગયો હતો. જો પિયરે ટ્રુડોએ ઇંદિરા ગાંધીની વાત માની હોત તો કદાચ વિમાન દુર્ધટના ન બની હોત. જસ્ટિન ટ્રુડો પણ ભારત જે કહે છે એની સામે આંખ આડા કાન કરે છે અને પોતાના દેશને જ જોખમમાં મૂકી રહ્યા છે.
કેનેડામાં 19 લાખથી વધુ ભારતીયો વસે છે, તેમાં સાડા નવ લાખથી વધુ પંજાબીઓ છે. માત્ર થોડાક પંજાબીઓ જ આતંકવાદી પ્રવૃતિઓમાં સામેલ છે પણ ભોગવવું બધા જ ભારતીયોએ પડી રહ્યું છે. ભારતીય યુવાનો મોટી સંખ્યામાં કેનેડા ભણવા જાય છે. અત્યારે સવા ત્રણ લાખ જેટલા ઇન્ડિયન સ્ટુડન્ટસ કેનેડામાં ભણે છે. કેનેડામાં જે વિદેશી વિદ્યાર્થીઓ ભણવા આવે છે તેમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 40 ટકા જેટલી છે. કેનેડા માટે ભારત દસમા નંબરનું ટ્રેડ પાર્ટનર છે. બંને દેશના ઉદ્યોગપતિઓએ એક-બીજાના દેશમાં તગડું રોકાણ કર્યું છે. વેપાર સંબંધો સુધારવાની અને વધારવાની અનેક તકો છે. જો કે આવું જ ચાલ્યું તો સંબંધોમાં બ્રેક લાગી જશે. કેનેડા ખાલિસ્તાનીઓને જો આવી જ રીતે છાવરતું રહેશે તો ખાલિસ્તાનીઓ ફાટીને ધૂમાડે જશે અને ક્યારેક કેનેડા માટે જ આફત સર્જશે એ નક્કી છે!