- ભારત અને કેનેડા વચ્ચે સર્જાયેલા તણાવ વચ્ચે કેનેડામાં ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખ્ખાની સરાજાહેર હત્યા થઇ છે. કેનેડા આતંકવાદીઓ ઉપરાંત ખૂંખાર માફિયાઓનું પણ આશ્રયસ્થાન બની ગયું છે!
- કેનેડાથી ગેંગો ઓપરેટ કરનાર મોટા ભાગના ગેંગસ્ટરો પણ પંજાબી છે. સૌથી ખતરનાક વાત એ છે કે, હવે આતંકવાદીઓ અને માફિયાઓ સાથે મળીને કામ કરવા લાગ્યા છે. કેનેડાની ડ્રગ સિન્ડિકેટ સમગ્ર વિશ્વ માટે જોખમી છે
ભારત અને કેનેડા વચ્ચે શરૂ થયેલો વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે. જે સ્થિતિ પેદા થઇ રહી છે એ ચિંતાજનક છે. કેનેડાએ એડવાઇઝરી જાહેર કરીને પોતાના દેશના લોકોને ભારતના કાશ્મીર, મણિપુર અને આસામ ફરવા ન જવાનું કહ્યું. આપણા દેશે કેનેડાના નાગરિકોને વિઝા આપવાનું જ સ્થગિત કરી દીધું છે. આ ઉપરાંત આપણા દેશે એડવાઇઝરી રીલિઝ કરીને કેનેડામાં રહેતા લોકોને સલામત અને સાવચેત રહેવા કહ્યું છે. આપણી સરકારે કહ્યું કે, કેનેડામાં હેટ ક્રાઇમ વધી શકે છે. ભારતની એડવાઇઝરી પાછળ લોજિક છે. અમેરિકામાં બેસીને ખાલિસ્તાન આતંકવાદને ભડકાવવાના પ્રયાસ કરનાર શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુએ ખુલ્લેઆમ એવું કહ્યું કે, કેનેડામાં રહેતા હિન્દુઓ ભારત ચાલ્યા જાય! પન્નુની આ ધમકી પછી કેનેડામાં રહેતા હિંદુ વેપારીઓ, કર્મચારીઓ, સ્ટુડન્ટસ અને હિંદુ મંદિરો પર હુમલા થઇ શકે છે. ભારતે જેવી આ વાત કરી કે તરત જ કેનેડા બચાવમાં ઉતરી આવ્યું અને કહ્યું કે, કેનેડામાં બધા સલામત છે. આ દરમિયાનમાં કેનેડામાં ભારતથી ભાગી ગયેલા આપણા દેશના મોસ્ટ વોન્ડેડ ગેંગસ્ટર સુખદૂલ સિંહ ઉર્ફે સુખ્ખા દુનકેની હત્યા થઇ છે. લોરેન્સ બિશ્નોઇની ગેંગના શાર્પ શૂટરોએ સુખ્ખાને પંદર ગોળીઓ ધરબી દીધી હતી. બે દેશ વચ્ચે જ્યારે ટેન્શન સર્જાય ત્યારે ઘણા ગેંગસ્ટરો પોતાના કામ પાર પાડી દેતા હોય છે. કેનેડા વિશે એવું કહેવાઇ રહ્યું છે કે, હજુ તો આ શરૂઆત છે. આગામી દિવસોમાં આવી બીજી ઘટનાઓ પણ બની શકે છે. કેનેડા જે ભૂલો કરી રહ્યું છે એ તેણે ભોગવવી પડશે.
કેનેડામાં જેની હત્યા થઇ એ ગેંગસ્ટર સુખ્ખા દેવિંદર બાંબિહા ગેંગનો સભ્ય હતો. ભારતમાં તેના નામે અનેક ગુનાઓ ચડેલા છે. ભારતમાં રહેવું તેના માટે અઘરું થઇ ગયું હતું એટલે સુખ્ખા ખોટા દસ્તાવેજો બનાવીને વાયા નેપાળ થઇ કેનેડા ભાગી ગયો હતો. સુખ્ખા ટાર્ગેટ કિલિંગનો માસ્ટર હતો. કેનેડા જઇને પણ તેણે આવા કારનામા ચાલુ રાખ્યા હતા. આપણા દેશની સુરક્ષા સંસ્થા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ થોડા સમય અગાઉ વિદેશ ભાગી ગયેલા 41 મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ્સની યાદી બહાર પાડી હતી. આ યાદીમાં સુખ્ખાનું નામ પણ હતું. તેના નામે દસ લાખનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. સુખ્ખા જેવા અને તેનાથી પણ ખતરનાક બીજા મૂળ ભારતીય ગેંગસ્ટરો પણ હજુ કેનેડામાં રહીને પોતાની ગેંગો ચલાવે છે. પંજાબમાં મોગા નામનું એક ગામ છે. સુખ્ખા મોગાનો હતો. કેનેડામાં રહેતો બીજો માફિયા ડોન અર્શદીપસિંહ ઉર્ફે અર્શ ડાલા પણ મૂળ મોગાનો છે. પંજાબના મોગામાં હજુ બે દિવસ પહેલા જ કોંગ્રેસના 45 વર્ષના નેતા બલજિંદરસિંહ બાલીની હત્યા થઇ હતી. કેનેડામાં બેઠા બેઠા ભારતીય ગેંગસ્ટરો પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં ગુનાખોરી આચરતા રહે છે. કેનેડામાં રહેતા બરનાલાના ચરણજિતસિંહ ઉર્ફે રિંકુ બિહલા, મૂળ લુધિયાણાના ગુરપિંદરસિંહ ઉર્ફે બાબુ ડાલા, મૂળ તરનતારનના લખબીરસિંહ ઉર્ફે લાંડા, ફિરોઝપુરના મનદીપસિંહ ઉર્ફે રમન જજ, ફાજિલ્કાના સમતવીરસિંહ ઉર્ફે સેમ, અમૃતસરના સનોવર ઢિલ્લન સહિત અનેક ગેંગસ્ટર્સ ભારતમાં મોસ્ટ વોન્ટેડ છે. આ બધાની ક્રાઇમ કરમકુંડળી સાથે આપણા દેશની સરકારે કેનેડાને અનેક ડોઝિયર આપ્યા છે પણ કેનેડાની સરકાર કંઇ કર્યું નથી. પંજાબમાં જેની કરપીણ હત્યા થઇ એ સિંગર સિદ્ધુ મૂસેવાલાને મરાવનાર ગોલ્ડી બરાર પણ કેનેડામાં રહે છે.










